Homeએકસ્ટ્રા અફેરકર્ણાટકમાં ભાજપને સત્તાની, કૉંગ્રેસને બેઠા થવાની આશા

કર્ણાટકમાં ભાજપને સત્તાની, કૉંગ્રેસને બેઠા થવાની આશા

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

અંતે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઈ ને એ સાથે જ એક ઔપચારિકતા પૂરી કરી દેવાઈ. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કરેલી જાહેરાત પ્રમાણે, કર્ણાટકમાં ૧૦ મેએ એક જ તબક્કામાં મતદાન થશે અને ૧૩ મેના દિવસે પરિણામ જાહેર થશે. કર્ણાટકમાં ૫.૨૧ કરોડ મતદારો છે અને ૨૨૪ વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે.
કર્ણાટકમાં આ વખતે ૯.૧૭ લાખ મતદારો પહેલી વખત મતદાન કરવાના છે. જે યુવાનોને ૧ એપ્રિલે ૧૮ વર્ષ પૂરાં થશે એ બધા મતદાન કરી શકશે. કર્ણાટકની વર્તમાન ભાજપ સરકારનો કાર્યકાળ ૨૪ મેના રોજ પૂરો થઈ રહ્યો છે તેથી ૧૩ મેએ પરિણામ આવે પછીના દસ દિવસમાં સરકારની રચનાની ઔપચારિકતા પૂરી થઈ જ જશે.
ગયા વરસના ડિસેમ્બરમાં ગુજરાતમાં ૧૮૨ વિધાનસભા બેઠકો પર મતદાન હતું ને ૪.૫૦ કરોડ જેટલા મતદારો હતા છતાં બે તબક્કામાં મતદાન કરાવાયું હતું જ્યારે કર્ણાટકમાં ૨૨૪ વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે છતાં એક જ તબક્કામાં મતદાન રખાયું એ આશ્ર્ચર્યજનક છે પણ ચૂંટણીપંચને જે ગમ્યું એ ખરૂં.
કર્ણાટકમાં ચૂંટણીની તારીખોની જાહેરાત એક ઔપચારિકતા જ છે કેમ કે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર ક્યારનોય શરૂ થઈ ગયો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ લાંબા સમયથી કર્ણાટકના આંટાફેરા કરીને પ્રચાર કરી રહ્યા છે. ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી માટે ૧૫૦ બેઠકનો લક્ષ્યાંક રાખ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩ મહિનામાં ૭ વખત કર્ણાટકની મુલાકાત લીધી છે તેના પરથી જ ભાજપે બહુ પહેલાં પ્રચાર શરૂ કરી દીધેલો એ સ્પષ્ટ છે. કૉંગ્રેસ વતી રાહુલ ગાંધી પણ સભાઓ કરી રહ્યા છે જ એ જોતાં કર્ણાટકમાં બહુ પહેલાંથી ચૂંટણીનો રંગ જામી જ ગયેલો છે.
કર્ણાટકમાં વરસોથી ત્રિપાંખિયો જંગ જામે છે ને આ વખતે પણ મુખ્ય મુકાબલો ભાજપ, કૉંગ્રેસ અને જેડીએસ વચ્ચે થશે. આ મુકાબલામાં ભાજપ ને કૉંગ્રેસ બેઉની પ્રતિષ્ઠા દાવ પર છે તેથી બરાબરનો જંગ જામેલો છે. આ જંગનાં મૂળિયાં ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં નંખાયેલાં.
કર્ણાટકમાં ૨૨૪ વિધાનસભા બેઠક છે ને ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહોતી મળી. ભાજપને ૧૦૪, કૉંગ્રેસને ૮૦ અને જેડીએસને ૩૭ બેઠક મળી હતી. કોઈ પક્ષને બહુમતી ના મળતાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ ખેલ કરીને બીએસ યેદિયુરપ્પાને મુખ્યમંત્રીપદે બેસાડેલા. આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયેલો ને સુપ્રીમ કોર્ટે યેદુરપ્પાને તાત્કાલિક બહુમતી સાબિત કરવાનું કહેતાં ૬ દિવસ પછી જ યેદુરપ્પાએ રાજીનામું આપી દેવું પડેલું.
યેદુરપ્પા ગબડ્યા પછી કૉંગ્રેસ અને જેડીએસની ખિચડી સરકાર બની હતી. કૉંગ્રેસને ભાજપને સત્તાથી દૂર રાખવામાં રસ હતો તેથી ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડા તથા તેમના દીકરા કુમારસ્વામીની પાલખી ઉંચકીને ફરવું પડેલું. દેવ ગૌડાની પાર્ટી જેડીએસ પાસે ઓછા ધારાસભ્યો હોવા છતાં જોડાણ કરીને બનાવેલી સરકારમાં કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવા પડેલા.
જો કે આ જોડાણ લાંબું નહોતું ચાલ્યું. કૉંગ્રેસ-જેડીએસની સરકારને તોડવાના પ્રયત્નો પહેલા દિવસથી શરૂ થઈ ગયેલા ને કૉંગ્રેસના ધારાસભ્યોને તોડવામાં ભાજપ સફળ થયો હતો. ભાજપે તોડફોડ કરીને કુમારસ્વામીની સરકારને ગબડાવીને જૂના જોગી બી.એસ. યેદુરપ્પાને મુખ્યમંત્રી બનાવેલા.
યેદુરપ્પા છાપેલું કાટલું છે ને ભ્રષ્ટાચાર તથા બીજા ધંધાઓ માટે પણ બરાબરના વગોવાયેલા છે. યેદુરપ્પાનું ખાનદાન પણ ઉણું ઉતરે તેમ નથી ને સરકારી તિજોરીને બાપનો માલ સમજીને લૂંટવામાં માને છે. યેદુરપ્પા વંશવાદી રાજકારણી છે. તેમને પોતાના દીકરા વિજયેન્દ્રને મુખ્યમંત્રી બનાવવાનાં અભરખા છે. યેદુરપ્પા ગાદી પર બેઠા એ સાથે જ યેદુરપ્પા ખાનદાને જૂનો ખેલ શરૂ કરીને ભ્રષ્ટાચારની દુકાન શરૂ કરી દીધેલી.
કૉંગ્રેસ-જેડીએસની સરકારને તોડીને ભાજપને સત્તા અપાવવાનું કામ યેદુરપ્પાએ કરેલું તેથી ભાજપે પહેલાં તો આંખ આડા કાન કર્યા પણ પછી ખાનદાનના કરતૂતોનો અતિરેક થયો એટલે યેદુરપ્પાને તગેડીને બસવરાજ બોમ્માઈને ગાદી પર બેસાડ્યા છે. બસવરાજ બોમ્માઈમા દમ નથી ને બીજા સિનિયર નેતાઓને પોતાને તક ના મળી તેનો અફસોસ છે તેથી અસંતોષ બહાર કાઢ્યા કરે છે. તેના કારણે કર્ણાટક ભાજપમાં ભારે કકળાટ છે. જેટલા નેતા એટલાં જૂથ છે ને બાર બાયા ને તેર ચોકા જેવો ઘાટ છે. ભાજપે આ અસંતોષ સામે લડવાનું છે તેથી તેના માટે ભારે જંગ છે. ભાજપે આ અસંતોષને ખાળવા હિંદુત્ત્વનું કાર્ડ ખેલ્યું છે ને અનામતની પણ લહાણી કરી છે. ટીપુ સુલતાનની હત્યાના નામે ભાજપે વોક્કાલિંગા કાર્ડ પણ ખેલ્યું છે. ભાજપનો આ દાવ કેવો ચાલે છે તેના પર સૌની નજર છે.
કૉંગ્રેસ દેશભરમાંથી પતી ગઈ છે ત્યારે ફરી બેઠા થવા માટે કર્ણાટક તેની મુખ્ય આશા છે. કૉંગ્રેસમાં સિદ્ધરામૈયા સહિતનાં છાપેલાં કાટલાં હતાં ત્યાં લગી કૉંગ્રેસ મડદાલ હતી પણ ડી.કે. શિવકુમારને પ્રદેશ પ્રમુખ બનાવાયા પછી કૉંગ્રેસ આક્રમક બની છે. શિવકુમાર ખાધેપીધે સુખી માલદાર પાર્ટી છે તેથી ગાંઠનું ગોપીચંદન કરીને પણ કૉંગ્રેસને બેઠી કરી દીધી છે. રાહુલે પણ ભારત જોડો યાત્રા કરીને કર્ણાટક કૉંગ્રેસના કાર્યકરોમાં જોમ પૂર્યું છે તેથી કર્ણાટકમાં જોરદાર ટક્કર છે.
કૉંગ્રેસે વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં ૨૫ માર્ચે ૧૨૪ ઉમેદવારની જાહેરાત કરીને પોતાના આત્મવિશ્ર્વાસનો પરચો આપ્યો છે. આ મહિનામાં રાહુલ ગાંધીએ પણ ચૂંટણીસભા કરીને સરકારના ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે. કર્ણાટક સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે અને કોઈ પણ સરકારી કોન્ટ્રાક્ટ માટે ૪૦ ટકા કમિશન આપવું પડે છે એવા આક્ષેપ ભાજપના નેતા જ કરી ચૂક્યા છે તેથી કૉંગ્રેસે તેને મુદ્દો બનાવ્યો છે. કૉંગ્રેસે મુસ્લિમ અનામતને પણ ચૂંટણીનો મુદ્દો બનાવ્યો. ભાજપ સરકારે મુસ્લિમો માટેની ૪ ટકા અનામત રદ કરી છે. કૉંગ્રેસે એલાન કર્યું છે કે, પોતે સત્તામાં આવશે તો મુસ્લિમોને ફરી અનામત આપશે અને એસસી-એસટી માટે અનામતનો ક્વોટા વધારવામાં આવશે. કૉંગ્રેસ પહેલાં આમ આદમી પાર્ટીએ ૨૦ માર્ચે પોતાના ૮૦ ઉમેદવારની જાહેરાત કરી હતી પણ આપ કર્ણાટકમાં ચિત્રમાં નથી.
કર્ણાટક લોકસભાની ચૂંટણીમાં પણ મહત્ત્વનું છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કર્ણાટકની ૨૮ બેઠકોમાંથી ભાજપે ૨૦૧૯માં ૨૪ બેઠકો જીતી હતી. આ દેખાવ જાળવી રાખવા ભાજપ મથી રહ્યો છે ને કોંગ્રેસ ફરી બેઠી થવા મથી રહી છે તેથી કર્ણાટકનો જંગ હાઈ વોલ્ટેજ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -