મુંબઈ: મહારાષ્ટ્રમાં ગ્રામપંચાયતોની ચૂંટણીમાં ભાજપ અને શિંદે જૂથના ટેકેદારોનું જોર રહ્યું હતું. આ યુતિએ અંદાજે પચાસ ટકાથી વધુ ગ્રામપંચાયતમાં વિજય મેળવ્યો હોવાનો દાવો કર્યો હતો.
મહારાષ્ટ્ર ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભાજપનો ટેકો ધરાવતા ઉમેદવારોએ ૩૫૦૦ કરતાં વધુ બેઠક પર, તો શિંદે જૂથનો ટેકો ધરાવતા ઉમેદવારોએ ૧૦૦૦ કરતાં વધુ બેઠક પર વિજય મેળવ્યો હોવાનો રાજ્યના ભાજપ એકમના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ દાવો કર્યો હતો.
રાજ્યની મોટા ભાગની ગ્રામપંચાયતોમાં ભાજપ-શિંદે જૂથનો વિજય થયો હોવાનું નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.
ગ્રામપંચાયતની ચૂંટણીમાં શિંદે-ભાજપ જૂથને વિજય અપાવવા બદલ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તમામ મતદારોનો આભાર માન્યો હતો.
૧૮ ડિસેમ્બરે મહારાષ્ટ્રની ઓછામાં ઓછી ૭,૭૫૧ ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ હતી અને મંગળવારે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.
સામાન્ય રીતે ગ્રામપંચાયતની ચૂંટણી રાજકીય પક્ષના ચિહ્ન કે જોડાણને આધારે નથી થતી, પરંતુ બધા પક્ષ પોતાને ટેકો હોવાનો દાવો કરે છે.
નંદુરબાર જિલ્લામાં ૧૨૩ ગ્રામપંચાયતના જાહેર થયેલા પરિણામમાં ભાજપ-૩૨, કૉંગ્રેસ-૩૩, રાષ્ટ્રવાદી-૦૩, શિંદે જૂથ-૩૨, ઉદ્ધવ જૂથ-૧૩ અને અપક્ષને ૧૦ ગ્રામપંચાયતમાં વિજય મળ્યો હોવાનો દાવો કરાયો હતો.
ધૂળેના શિરપુર તાલુકામાં તમામ
૧૭ ગ્રામપંચાયતમાં ભાજપનો વિજય
થયો હતો.
ગુજરાત ભાજપ એકમના પ્રમુખ સી. આર. પાટીલની પુત્રી ભાવિની પાટીલે જળગાંવ જિલ્લાના જામનેર તાલુકાની મોહાડી ગ્રામપંચાયતમાં વિજય મેળવ્યો હતો, પરંતુ તેમની પેનલ હારી ગઇ હતી.
પુણે જિલ્લામાં વિપક્ષના નેતા અજિત પવારે ૨૨૧માંથી ૯૨ ગ્રામપંચાયતમાં વિજય મેળવીને ગઢ જાળવી રાખ્યો હતો. પુણે જિલ્લામાં ભાજપે પણ ૩૮ ગ્રામપંચાયતમાં વિજય મેળવ્યો હતો.
પંઢરપુર જિલ્લાની ૫૮ ગ્રામપંચાયતમાંથી ભાજપે ૨૮, કૉંગ્રેસ ૨૧, રાષ્ટ્રવાદીએ બે, શિવસેના (ઠાકરે) બે, ગોંડવાના ગણતંત્રએ બે, શેતકરી સંગઠનાએ ત્રણ અને અન્યોએ ત્રણ ગ્રામપંચાયતમાં વિજય મેળવ્યો હતો.
ઉસ્માનાબાદમાં કુલ ૧૬૬ ગ્રામપંચાયતમાંથી ભાજપે ૬૨, કૉંગ્રેસે ૦૯, બાળાસાહેબની શિવસેનાએ ૦૩, રાષ્ટ્રવાદી કૉંગ્રેસે ૦૩ અને ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેએ ૧૭ ગ્રામપંચાયતમાં વિજય મેળવ્યો હતો.
ગુજરાત ભાજપ એકમના પ્રમુખ સી. આર. પાટીલની પુત્રી ભાવિની પાટીલે જળગાંવ જિલ્લાના જામનેર તાલુકાની મોહાડી ગ્રામપંચાયતમાં વિજય મેળવ્યો હતો, પરંતુ તેના ગામની ડેવલપમેન્ટ પેનલને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેમની ગ્રામ વિકાસ પેનલે ૧૦માંથી ત્રણ તો શરદ પાટીલની લોકશાહી પેનલે સાત બેઠક પર વિજય મેળવ્યો હતો. (એજન્સી)