Homeઉત્સવત્રિપુરામાં વિજય માટે ભાજપ કૃતસંકલ્પ

ત્રિપુરામાં વિજય માટે ભાજપ કૃતસંકલ્પ

બે દાયકાનું માણિક સરકારનું શાસન ધ્વસ્ત -બૃહદ ત્રિપ્રાલેન્ડ માગ સાથે ચતુષ્કોણીય જંગ -માર્ક્સવાદી-કૉંગ્રેસ સામે હવે ભાજપનો સંઘર્ષ

કારણ-રાજકારણ -ડૉ. હરિ દેસાઈ

દેશમાં આ વર્ષે ૧૦ વિધાનસભાઓની ચૂંટણી (જમ્મુ-કાશ્મીર સહિત)માં સૌથી વધુ ધ્યાન અત્યારે ત્રિપુરા ભણી મંડાયેલું છે. ૧૬ ફેબ્રુઆરીએ યોજાનારી આ ચૂંટણી ત્રિપાંખિયો નહીં, પણ ચતુષ્કોણીય સંઘર્ષ જોવા મળશે. સતત બે દાયકા સુધી માર્ક્સવાદી પાર્ટીના, સાદગીથી બે રૂમના ફ્લેટમાં રહેતા, મુખ્યમંત્રી માણિક સરકારના શાસનનો અંત ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં ટ્રાયબલ-આદિવાસી પક્ષ આઈપીએફટી સાથે જોડાણ કરીને ભાજપે આણ્યો હતો. એ પછી ભાજપના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબને સ્થાને હજુ ગયા વર્ષે જ કૉંગ્રેસી ગોત્રના માણિક સહાને ભાજપે મુખ્યમંત્રી બનાવ્યા. આ વખતની ચૂંટણીમાં ફરી વિજય મેળવવા ભાજપ કૃતસંકલ્પ છે. પશ્ર્ચિમ બંગાળની જેમ જ ત્રિપુરામાં પણ માર્ક્સવાદીઓ અને કૉંગ્રેસ મળીને આ ચૂંટણીમાં ભાજપને સત્તામાંથી દૂર કરવા માગે છે. જોકે ભારતીય જનતા પક્ષ પાસે કેન્દ્રમાં સત્તા છે, પક્ષનું રાષ્ટ્રીય માળખું મજબૂત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જેવા ચૂંટણી જીતાડવામાં પાવરધા નેતાઓ છે અને વિપક્ષી મત વિભાજિત કરવા માટે પશ્ર્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ અને પૂર્વ રાજવી પરિવારના પૂર્વ કોંગ્રેસી નેતા પ્રદ્યોત કિશોર દેબબર્મનની બૃહદ ત્રિપ્રાલેન્ડની માગણી કરનારી ત્રિપ્રા મોથા પાર્ટી પણ મેદાનમાં છે. ભાજપના શાસનમાં રાજ્યનો વિકાસદર ઘટ્યો છે છતાં પ્રજાને સ્વપ્ન બતાવવામાં નિષ્ણાત આ ભગવી પાર્ટી માટે સંજોગો અનુકૂળ લાગે છે. મમતા બેનરજી બંગાળી અને આદિવાસી પ્રજા વચ્ચે ભાગલાનું રાજકારણ રમતાં હોવાનું ભાજપ કહે છે. કચ્છનાં મહારાણીના ભત્રીજા પ્રદ્યોત સાથે ભાજપની નેતાગીરીએ બેઠકો કરી છે. ખોબલા જેવડા ૬૦ સભ્યોની ધારાસભા ધરાવતા ત્રિપુરામાંથી અલગ બૃહદ ત્રિપ્રાલેન્ડ રાજ્ય બનાવવાનું સ્વપ્ન દેખાડીને આદિવાસી પ્રજાને ખુશ રાખવા ભાજપ અને ત્રિપ્રા મોથા પ્રયત્નશીલ છે. ઇશાન ભારતનાં બીજાં બે ખ્રિસ્તી બહુલ રાજ્યો નાગાલેંડ અને મેઘાલયમાં પણ આ જ મહિને વિધાનસભાની ચૂંટણી છે, પરંતુ ત્રિપુરા ભાજપ અને અન્યો માટે વધુ મહત્ત્વ ધરાવે છે. સામાન્ય રીતે દિલ્હીમાં જેની કેન્દ્ર સરકાર હોય છે એની સાથે ઇશાન ભારતનાં રાજ્યોના સત્તાધીશો રહેવાનું પસંદ કરે છે એટલે અત્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર છે એટલે ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ) સાથે રહેવાનું આ રાજ્યોના પ્રાદેશિક પક્ષોને અનુકૂળ આવ્યું છે.
પ્રદ્યોતને ભાજપની ઓફર
વર્ષ ૨૦૧૮માં વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ થકી ત્રિપુરાના મહારાજા બીરેન્દ્ર કિશોર માણિક્ય દેબબર્મનના પૌત્ર પ્રદ્યોતને ઓફર કરાઈ હતી કે તેઓ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તો એમને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવશે. જોકે તેમણે એ ઓફરને ફગાવી દીધી હતી. ત્રિપુરામાં દાયકાઓના કમ્યૂનિસ્ટ શાસન છતાં કોંગ્રેસ મુખ્ય વિપક્ષ રહ્યો હતો. આમ છતાં, ૨૦૧૮માં કૉંગ્રેસની અવસ્થા વિધાનસભા ચૂંટણીમાં સાવ દયનીય બની હતી. ૬૦ સભ્યોની વિધાનસભામાં માત્ર એક જ બેઠક કૉંગ્રેસને મળી હતી,જયારે બે દાયકા સુધી મુખ્યમંત્રી રહેલા માણિક સરકારના પક્ષને ૧૬ બેઠકો મળી હતી. ૧૯૮૩માં ભાજપે ત્રિપુરામાં માત્ર ચાર બેઠકો લડી હતી અને રોકડા ૫૭૮ મત સાથે એકેય બેઠક મેળવવામાં એ નિષ્ફળ ગયો હતો. ૨૦૧૮માં એને ૩૬ બેઠકો મળી. અને સાથી આદિવાસી પક્ષને મળેલી ૮ બેઠકો સાથે એ સત્તામાં આવ્યો હતો. મૂળ પૂર્વ પાકિસ્તાનમાંથી ૧૯૭૧માં જ વિસ્થાપિત થયેલા પરિવારના બિપ્લબ કુમાર દેબ મુખ્યમંત્રી બન્યા હતા. ભાજપ માટે આ મોટી ઉપલબ્ધિ હતી. આસામ કૉંગ્રેસની તરુણ ગોગોઈ સરકારમાં ૧૫ વર્ષ કેબિનેટ મંત્રી રહેલા હેમંત બિસ્વા સરમા ઑગસ્ટ ૧૯૧૫માં ભાજપમાં જોડાયા પછી કોંગ્રેસ સહિતના પક્ષોના નેતાઓ અલગ અલગ કે સામૂહિક રીતે ભાજપમાં જોડતાં ઇશાન ભારતનાં મોટા ભાગનાં રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. મોદી સરકારે સેવન સિસ્ટર્સ એન્ડ વન બ્રધર (સિક્કિમ)માં પોતાની સરકાર થકી સવિશેષ ધ્યાન આપ્યું. વિકાસના પ્રકલ્પોની જાહેરાતો પણ સતત થતી રહી. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને ઇશાન ભારતનાં રાજ્યોનો ખાસ અખત્યાર સોંપવામાં આવ્યો. એક વિરોધાભાસ અહીં જોવા મળે છે: જમ્મુ-કાશ્મીર માટેના વિશેષ દરજ્જાના બંધારણીય અનુચ્છેદ ૩૭૦ને અપ્રભાવી કરવાનું કામ મોદી સરકારે કર્યા પછી ઇશાન ભારતનાં રાજ્યોને વિશેષ બંધારણીય દરજ્જો બક્ષતા અનુચ્છેદ ૩૭૧ને પણ અપ્રભાવી કરાશે કે કેમ એ બાબતે ભારે ઊહાપોહ મચતાં ગૃહમંત્રી શાહે વારંવાર સ્પષ્ટતા કરવી પડી હતી કે ૩૭૧ને દૂર કરવામાં નહીં આવે. અરુણાચલ પ્રદેશમાં હજુ તવાંગ વિસ્તારની મુલાકાતે જવા માટે પરમિટ લેવાનું અનિવાર્ય હોવાનું સંઘ પરિવારની વાર્ષિક ટૂર દરમિયાન સ્પષ્ટ થાય છે. જોકે વિદેશીઓને સરહદી પ્રદેશમાં જવા કે વિદેશી ખ્રિસ્તી મિશનરીઓને ખાસ મંજૂરી અપાય તો જ પ્રવેશ મળે છે.
ભાજપનો હાથ ઉપર રહેશે
અત્યારે ત્રિપુરાની વિધાનસભામાં ૯ બેઠકો ખાલી છે.૬૦ સભ્યોની વિધાનસભામાં ભાજપની ૩૨ બેઠકો અને મિત્ર પક્ષની ૪ બેઠકો સાથે એનડીએની ૩૬ બેઠકો છે. માર્ક્સવાદી-સીપીએમના ૧૪ અને કૉંગ્રેસના ૧ સભ્ય સાથે વિપક્ષના ૧૫ સભ્યો છે. હવે માર્ચ ૨૦૨૩માં નવી વિધાનસભાનું સ્વરૂપ કેવું હશે એ આજના તબક્કે કહેવું મુશ્કેલ હોવા છતાં ભાજપ કોઈપણ ભોગે ફરી સરકાર રચે એવી શક્યતાઓ છે. પ્રદ્યોતનો પક્ષ બેમાંથી જે આવતાં મોરચાને જરૂર પડે તેને સરકાર રચવામાં કિંગમેકરની ભૂમિકા ભજવે એવી શક્યતા જરૂર છે. તૃણમૂલ અને કૉંગ્રેસ ઝાઝું ગજું કરી શકે એવું લાગતું નથી. જોકે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. બાંગલાદેશ સાથે ૮૫૬ કિલોમીટરની સરહદ ધરાવનાર ત્રિપુરાને ક્યારેક પાકિસ્તાનમાં ભેળવવાના રાજકીય ખેલ થયા હતા. ભારતનાં બે રાજ્યો મિઝોરમ સાથે ૧૦૯ કિ.મી.અને આસામ સાથે ૫૩ કિ.મી. સરહદ ધરાવતા ત્રિપુરાનું વ્યૂહાત્મક મહત્ત્વ છે. વર્ષ ૨૦૧૪માં ચૂંટણી પ્રચાર વખતે વડા પ્રધાન થવાના હતા એ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભારતમાંના ઘૂસણખોર બાંગલાદેશીઓને આખરીનામું આપતાં કહેતા હતા કે ઘૂસણખોરો ખળિયાપોટલાં બાંધે કારણ અમે સત્તામાં આવતાં જ એમને તગેડી મૂકીશું. હજુ આ ચૂંટણીમાં ૨૦૨૩માં પણ ગૃહમંત્રી શાહનો આ જ નારો છે, છતાં સંસદમાં કૉંગ્રેસની સરકારે ૧.૫ કરોડ બાંગલાદેશી ઘૂસણખોરો ભારતમાં હોવાનું જણાવ્યું હતું અને ભાજપની અટલજી સરકારે એ આંકડો બે કરોડનો ગણાવ્યો હતો અને આજ સુધી માંડ થોડાક હજારને ડિપોર્ટ કરાયા છે એ હકીકત છે. વચનોની લહાણી તો થાય છે છતાં અમલ કેટલો થાય છે એ પ્રજા ભૂલી જાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular