૧૯ પાર્ટીએ કર્યો બહિષ્કાર
દેશની નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મેના રોજ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઈમારતનું ઉદ્ઘાટન કરશે, પરંતુ હવે આ સુંદર ઈમારતને લઈને દેશમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. વિરોધ પક્ષો પીએમ મોદીની ટીકા કરી રહ્યા છે. વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આમ આ સમારોહ હવે રાજકીય મુદ્દો બની ગયો છે. નવી સંસદ ભવન સાથે જોડાયેલો વિવાદ એ ટ્વીટ બાદ શરૂ થયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈમારતનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરવું જોઈએ, પીએમએ નહીં. આ ટ્વીટ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 21 મેના રોજ કરી હતી.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું- રાષ્ટ્રપતિએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ, વડાપ્રધાને નહીં! કોંગ્રેસે જણાવ્યું હતું કે જ્યારે નવા સંસદ ભગવાનનો ભૂમિ પૂજન કરવામાં આવ્યો હતો ત્યારે પણ રાષ્ટ્રપતિને તેના કાર્યક્રમમાંથી દૂર રાખવામાં આવ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ તેમાં બોલાવવામાં આવ્યા નહોતા.
રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ નાગરિક ગણાય છે, તેથી તેમના દ્વારા જ નવા સંસદ ભવનનું ઉદઘાટન થવું જોઈએ. AAPએ આરોપ લગાવ્યો હતો કે સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપીને ભાજપે આદિવાસીઓ અને પછાત સમુદાયોનું અપમાન કર્યું છે. AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે ભાજપ દલિત, પછાત અને આદિવાસીઓનો જન્મજાત વિરોધી છે. ભગવાન શ્રી રામના મંદિરના શિલાન્યાસ સમારોહ માટે પણ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. હવે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ રાષ્ટ્રપતિનું અપમાન છે.
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદનું ઉદ્ઘાટન શા માટે કરવું જોઈએ? તેઓ કારોબારીના વડા છે, ધારાસભાના નહીં. આપણી પાસે સત્તાનું વિભાજન છે. લોકસભાના માનનીય સ્પીકર અને રાજ્યસભાના અધ્યક્ષ ઉદ્ઘાટન કરી શકે છે. તે જનતાના પૈસાથી બનેલું છે, પીએમ કેમ એવું વર્તન કરી રહ્યા છે કે જાણે તેમના ‘મિત્રો’એ તેમના અંગત ભંડોળથી તેને સ્પોન્સર કર્યું હોય.
ટીએમસી સાંસદ સૌગતા રોયે કહ્યું હતું કે અમે પીએમ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના વિરોધમાં છીએ. રાષ્ટ્રપતિએ તેનું ઉદ્ઘાટન કરવું જોઈએ. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સાંસદ મનોજ ઝાએ કહ્યું હતું કે, ‘શું એવું ન થાય કે રાષ્ટ્રપતિ સંસદના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરે… જય હિંદ.’ CPI(M)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ ટ્વીટ કર્યું હતું કે, જ્યારે નવી સંસદ ભવનનો શિલાન્યાસ થઈ રહ્યો હતો, ત્યારે PM મોદીએ રાષ્ટ્રપતિને કોરાણે મૂકી દીધા, પરંતુ ઉદ્ઘાટન સમારોહમાં પણ રાષ્ટ્રપતિની અવગણના કરવી અસ્વીકાર્ય છે.
Article 79 COI
“There shall be a Parliament for the Union which shall consist of the President and two Houses to be known respectively as the council of States and the House of the People”Ministers of the Union must read the Constitution of India very carefully @HardeepSPuri https://t.co/S0KHE6exWo
— Manish Tewari (@ManishTewari) May 23, 2023
કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ ઉદ્ઘાટનની તારીખ પર પણ સવાલ ઉઠાવ્યા છે. 28 મેએ વીર સાવરકરની જન્મજયંતિ છે. તેમનો જન્મ 28 મે 1883ના રોજ થયો હતો. આ વર્ષે તેમની 140મી જન્મજયંતિ 28મી મેના રોજ ઉજવવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે વીર સાવરકરની જન્મજયંતિ પર નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે તે માત્ર એક સંયોગ છે કે પછી તે સુનિયોજિત છે.
કોંગ્રેસની સાથે સાથે ટીએમસી એ પણ 28 મેની તારીખ પર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ કહ્યું હતું કે- જે મુદ્દા અસ્તિત્વમાં જ નથી તેવા મુદ્દે વિવાદ ઉભો કરવો કોંગ્રેસની આદત છે.ઓગસ્ટ 1975માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ સંસદ એનેક્સીનું ઉદ્ઘાટન કર્યું હતું અને 1987માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ સંસદ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. જો કોંગ્રેસ સરકારના વડા સંસદનું ઉદ્ઘાટન કરી શકે છે તો પીએમ મોદી શા માટે નથી કરી શકતા?
કોંગ્રેસની વાતોને ‘નકામી’ ગણાવતા ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે, ‘વીર સાવરકર દરેક ભારતીયનું ગૌરવ છે. જે લોકો તારીખો પર સવાલ ઉઠાવી રહ્યા છે, તેઓ તુચ્છ છે, વીર સાવરકરના પગની ધૂળ જેટલી પણ તેમની કિંમત નથી.”
વિરોધ પક્ષોએ સંસદના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ આરજેડી અને જેડીયુ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરશે. જ્યારે TMC, AAP, CPI અને CPI (M) એ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેઓ બહિષ્કાર કરશે. જો કે આ અંગે હજુ સુધી કોંગ્રેસનું કોઈ સ્ટેન્ડ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યાનુસાર કોંગ્રેસ પણ બાદમાં બહિષ્કાર કરી શકે છે.
નોંધનીય છે કે લગભગ 1200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા નવા ચાર માળના સંસદ ભવનમાં લોન્જ, લાયબ્રેરી, સભ્યો માટે કમિટી રૂમ તેમજ પાર્કિંગ માટે પૂરતી જગ્યા છે. સંસદની વર્તમાન ઇમારતમાં લોકસભામાં 550 અને રાજ્યસભામાં 250 માનનીય સભ્યોની બેઠકની જોગવાઈ છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંસદની નવનિર્મિત ઈમારતમાં લોકસભામાં 888 અને રાજ્યસભામાં 384 સભ્યોની બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે.