Homeઆમચી મુંબઈભૂષણ દેસાઈ ને પક્ષમાં સામેલ કરવા સામે ભાજપનો વિરોધ

ભૂષણ દેસાઈ ને પક્ષમાં સામેલ કરવા સામે ભાજપનો વિરોધ

ઠાકરે જૂથના વરિષ્ઠ નેતા સુભાષ દેસાઈના પુત્ર ભૂષણ દેસાઈએ સોમવારે શિંદે જૂથમાં જોડાઈને હલચલ મચાવી દીધી હતી. જોકે આ વાતને હજુ થોડા કલાકો પણ વીત્યા નથી ત્યાં ખુદ ભાજપે ભૂષણ દેસાઈના પક્ષમાં પ્રવેશનો જોરદાર વિરોધ કર્યો છે. ભૂષણ દેસાઇ શિંદે જૂથમાં જોડાયા બાદ સુભાષ દેસાઈએ કહ્યું હતું કે ભૂષણનો શિંદે જૂથમાં પ્રવેશ મારા માટે દુઃખદાયક છે. ભૂષણ દેસાઈની રાજકીય હાજરી બહુ મોટી ન હોવા છતાં, એકનાથ શિંદેએ ઠાકરેને વફાદાર નેતાના પુત્રને પોતાના ખેમાંમાં ખેંચીને લડાઈ તો જીતી લીધી જ છે. જોકે, ભાજપના સ્થાનિક નેતાઓ શિંદે જૂથના રાજકીય મોરચા પર રોક લગાવે તેવી શક્યતાઓ છે, કારણ કે, ભૂષણ દેસાઈના શિંદે જૂથમાં પ્રવેશનો ગોરેગાંવમાં ભાજપના નેતાઓએ જોરદાર વિરોધ કર્યો છે.

Bhushan Desai with Eknath Shinde
Bhushan Desai with Eknath Shinde

શિવસેના અને ભાજપ સહયોગી છે. ભાજપના નેતાઓએ ચેતવણી આપી છે કે ભૂષણ દેસાઈને શિંદે જૂથમાં સામેલ કરવાની ભૂલ બંને પક્ષોને ભારે પડી શકે છે. બીજેપીના ગોરેગાંવ વિધાનસભા ક્ષેત્રના ઉપાધ્યક્ષ સંદીપ જાધવે એકનાથ શિંદેને પત્ર મોકલ્યો છે, જેમાં સંદીપ જાધવે એ વાત કહેવાનો પ્રયાસ કર્યો છે કે ભૂષણ દેસાઈની શિવસેનામાં એન્ટ્રીથી કેવી રીતે રાજકીય નુકસાન થઈ શકે છે.

Bhushan Desai with Eknath Shinde
Bhushan Desai

મુખ્ય પ્રધાન શિંદેએ ભૂષણ દેસાઇને ઉમળકાપૂર્વક પક્ષમાં આવકાર તો આપ્યો છે, પણ થોડા મહિના પહેલા જ સાથી પક્ષ ભાજપે 3,000 કરોડના જમીન કૌભાંડ કેસમાં ભૂષણ દેસાઇ સામે તપાસની માગણી કરી હતી અને શિંદે સરકારે આ માગણી સ્વીકારીને ભૂષણ દેસાઇ સામે તપાસ કરવાના આદેશો પણ આપ્યા હતા. ભૂષણ દેસાઈ નાણાકીય ગેરરીતિમાં સંડોવાયા હોવાનો ભાજપનો આક્ષેપ છે. ઇડી, સીબીઆઇ વગેરેની તપાસમાંથી બચવા માટે ભૂષણ દેસાઈ શિવસેનામાં જોડાયા છે, એવું ભાજપના સભ્યોનું માનવું છે. આવા ભ્રષ્ટ અને ગંદા પાત્રને રાજકીય આશ્રય આપવામાં આવે તો ગોરેગાંવના લોકો નારાજ થશે. શિવસેના અને ભાજપનું ગઠબંધન છે. સંદીપ જાધવે પત્રમાં કહ્યું છે કે મિત્રની ભૂલ બંને પક્ષોને રાજકીય રીતે મોંઘી પડી શકે છે.

સુભાષ દેસાઈ ઘણા વર્ષોથી ગોરેગાંવ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ આ મતવિસ્તારમાંથી ત્રણ વખત ચૂંટાયા હતા અને વિધાનસભામાં ગયા હતા, પરંતુ 2014માં ગોરેગાંવમાં ભાજપના વિદ્યા ઠાકુરે સુભાષ દેસાઈને આંચકો આપ્યો હતો. તેથી 2019માં સુભાષ દેસાઈએ વિધાનસભાની ચૂંટણી લડી ન હતી. આ સમયગાળા દરમિયાન, સુભાષ દેસાઈ વિધાન પરિષદમાં નિમાયા હતા. ભવિષ્યમાં શિંદે જૂથ દ્વારા ગોરેગાંવ મતવિસ્તાર પર ફરીથી દાવો કરવામાં આવી શકે છે. તે માટે તેઓ ભૂષણ દેસાઈને આગળ કરી શકે છે. આ શક્યતાને સમજીને ગોરેગાંવમાં ભાજપના સ્થાનિક નેતાઓએ ભૂષણ દેસાઈનો વિરોધ શરૂ કરી દીધો છે અને સ્પષ્ટ કર્યું છે કે ભાજપ કોઈપણ સંજોગોમાં ગોરેગાંવમાં ભૂષણ દેસાઈને સમર્થન કે મદદ કરશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular