કોંગ્રેસ સાથે જેટલું ચાલશો, એટલા ઉદ્ધવ માટે વિજયના દરવાજા બંધ થશે
મુંબઈ: ભાજપે શુક્રવારે રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો યાત્રા’માં ભાગ લેવા બદલ શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતની મજાક ઉડાવી હતી. જેટલા તમે કોંગ્રેસ સાથે ચાલશો એટલા જ ઉદ્ધવ ઠાકરે માટે વિજયના દરવાજા બંધ થતા જશે, એવું ભાજપે જણાવ્યું હતું.
ગુરુવારે જમ્મુ અને કાશ્મીરમાં કૂચ શરૂ થયા પછી ગાંધી સાથે જોડાયેલા રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે ‘તેઓ તેમની પાર્ટી વતી ભાગ લઇ રહ્યા છે, કારણ કે દેશનું વાતાવરણ ઝડપથી બદલાઇ રહ્યું છે અને હું ગાંધીને એક એવા નેતા તરીકે જોઇ રહ્યો છું જેઓ વાસ્તવિક મુદ્દા પર પોતાનો અવાજ બુલંદ કરે છે.’
સંજય રાઉત રાહુલ ગાંધીની સાથે જેટલા વધુ ચાલશે, એટલા જ ઉદ્ધવજીની સેના માટે જીતના દરવાજા બંધ થતા જશે, એવું મુંબઈ ભાજપના વડા આશિષ શેલારે જણાવ્યું હતું. શેલારે કહ્યું હતું કે જ્યારે કારસેવકો રામજન્મભૂમિ ચળવળમાં (અયોધ્યામાં રામમંદિર માટે) પોતાના જીવનનું બલિદાન આપી રહ્યા હતા ત્યારે રાઉત ‘પ્રભાદેવીની એક ગલીમાં છુપાઇ ગયા હતા.’ પ્રભાદેવીમાં મુખપત્ર સામનાનું કાર્યાલય આવેલું છે.
શેલારે વધુમાં એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ રદ કરવામાં આવી હતી ત્યારે તેઓએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન કેન્દ્ર સરકાર અને ભાજપ પર પ્રહાર કરીને વાતાવરણને પ્રદૂષિત કર્યું હતું. (પીટીઆઈ)