ભારે વરસાદે પાલિકાની કામગીરીની પોલ ખોલી! યોગેશ સાગરે BMC કમિશનરને પત્ર લખીને કોન્ટ્રાક્ટરના કામની તપાસ કરવાની કરી માગણી

આમચી મુંબઈ

મુંબઈના ચારકોપ મતદાર સંઘના ભાજપ વિધાનસભ્ય યોગેશ સાગરે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પત્રમાં લખ્યું હતું કે, પાલિકાના કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. કરોડો રૂપિયા ખર્ચે કરવામાં આવેલી નાળાસફાઈ બાદ પણ આ વર્ષે મુંબઈના રસ્તાઓ પર પાણી ભરાયા હતાં. જોકે, 10 ટકા જેટલી પણ સફાઈ થઈ હોવાનું દેખાતું નથી.
પાલિકા કમિશરનરને બુધવારે પત્ર લખીને યોગેશ સાગરે જણાવ્યું હતું કે મુંબઈગરાને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈમાં છેલ્લાં આઠ દિવસથી સતત ભારે વરસાદને કારણે નાળા સફાઈના કામની પોલ ખુલી ગઈ છે. ગટરોમાં કચરો અટવાઈ જવાને કારણે પાણી ચોકઅપ થઈ જાય છે. મોટા નાળાઓ માટે 83.9 કરોડ અને નાના નાળાઓ માટે 102.35 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં 10 ટકા પણ નાળાસફાઈ થઈ નથી. કોન્ટ્રાક્ટરોએ ફક્ત દસ્તાવેજો પર સફાઈનું કામ દર્શાવ્યું છે. તેથી હું નાળા સફાઈના બાકી રહી ગયેલા કામની તપાસ કરવામાં આવે તેવો આગ્રહ કરી રહ્યો છું. તાત્કાલિક કાર્યવાહી ન થાય તો ભાજપ આ મુદ્દે વિરોધ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા પ્રશાસને 30 મેના રોજ ચોમાસા પૂર્વેની કામગીરી અંગે જણાવ્યું હતું કે નાળાસફાઈનું 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. નાના નાળા અને પૂર્વ ઉપનગરોના નાળાઓની સફાઈનું કામ પૂરું થઈ ગયું છે, ત્યારે પશ્ચિમ ઉપનગર અને મીઠી નદી પરનું કામ એક બે દિવસમાં પૂરું થઈ જશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.