ભાજપના નેતાઓએ રાજનાથ પાસેથી શીખવું જોઈએ

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

દેશના રાજકારણમાં ભાજપનું વર્ચસ્વ વધ્યું પછી જવાહરલાલ નહેરુ અને નહેરુ-ગાંધી ખાનદાનને ભાંડવાની ફેશન થઈ ગઈ છે. તેમની કોઈ ઔકાત નથી કે આ દેશના વિકાસમાં કંઈ યોગદાન નથી એવા લોકો પણ હાલતાં ચાલતાં જવાહરલાલ નહેરુ અને નહેરુ-ગાંધી ખાનદાનને ગાળો દઈ જાય છે.
નરેન્દ્ર મોદી પોતે નહેરુ અને નહેરુ-ગાંધી ખાનદાનને ગાળો દેવાની ફેશનના પ્રણેતા છે. ભાજપના નેતા ઘેટાંના ટોળાની જેમ મોદીને રસ્તે ચાલવામાં માને છે તેથી એ બધા પણ નહેરુને ગાળો આપવાની ને દરેક સમસ્યા માટે નહેરુના માથે દોષનો ટોપલો ઢોળી દેવાની ફેશનને અનુસરે છે. ભાજપના નેતાઓ કરાંજી કરાંજીને નહેરુએ કશું ના કર્યું એવી વાતો કર્યા કરે છે ને પોતાની હલકી માનસિકતાનું પ્રદર્શન કર્યા કરે છે.
આ માહોલમાં મોદી સરકારના કોઈ મંત્રી જવાહરલાલ નહેરુને વખાણે એ સુખદ આંચકો કહેવાય ને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે કારગિલ વિજય દિવસ પર આયોજિત કાર્યક્રમમાં પંડિત જવાહરલાલ નહેરુની વાત કરતી વખતે આવો જ સુખદ આંચકો આપી દીધો. જમ્મુમાં કારગિલના શહીદોને યાદ કરીને રાજનાથ તેમના પરિવારજનોને મળ્યા ને સંયુક્ત થિયેટર કમાન્ડની સ્થાપનાની પણ જાહેરાત કરી.
આ મુલાકાતો અને જાહેરાતો વચ્ચે રાજનાથસિંહે કહ્યું કે, હું જવાહરલાલ નહેરુની ટીકા નહીં કરું કેમ કે તેમની નીતિ ખોટી હોઈ શકે છે પણ તેમની નિયત સામે સવાલ ના ઉઠાવી શકાય. નહેરુ વડા પ્રધાન હતા ત્યારે ચીને ૧૯૬૨માં લદ્ાખનો બહું મોટો વિસ્તાર પચાવી પાડ્યો હતો પણ તેના માટે નહેરુને દોષ ના દઈ શકાય.
રાજનાથે કહ્યું કે, પંડિત નહેરુની ઘણાં બધાં લોકો ટીકા કરે છે. હું એક ખાસ રાજકીય પક્ષમાંથી આવું છું પણ હું પંડિત નહેરુ કે બીજા કોઈપણ ભારતીય વડા પ્રધાનની ટીકા ના કરી શકું. હું કોઈપણ ભારતીય વડા પ્રધાનની દાનતખોરી હતી એવું ના કહી શકું કેમ કે તેમની નીતિઓ ભલે ખોટી હોઈ શકે પણ તેમની દાનત ખરાબ નહોતી.
ભાજપના બીજા કોઈ નેતા કે મોદી સરકારના મંત્રીએ આવી વાત કરી હોત તો બફાટ થઈ ગયો કે શું એવો સવાલ થયો હોત પણ રાજનાથસિંહના કિસ્સામાં એવું નથી. રાજનાથ જે કંઈ બોલે છે એ સમજી વિચારીને બોલે છે. રાજનાથ પોતાના રાજકીય વિરોધીઓ સામે પણ સૌજન્ય દર્શાવે છે ને વાસ્તવમાં ભાજપનું મૂળ કલ્ચર આ જ છે.
ભાજપના મજબૂત પાયા નાંખવાનું શ્રેય અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, નાનાજી દેશમુખ, મુરલી મનોહર જોશી વગેરે નેતાઓને જાય છે. આ નેતાઓ સામા પ્રવાહે તરીને કૉંગ્રેસ સામે લડેલા. કૉંગ્રેસ એકદમ મજબૂત હતી ત્યારે પણ તેની સામે પડવાની હિંમત બતાવનારા આ નેતા કદી સૌજન્ય નહોતા ચૂક્યા. એ વખતે કૉંગ્રેસ સત્તામાં હતી ને કૉંગ્રેસની સામે હલકી કક્ષાની કોમેન્ટ્સ કરવાનો ભરપૂર મસાલો પણ હતો પણ ભાજપના મૂળ કલ્ચરમાં કોઈને હલકા ચિતરીને પોતે મહાન બનવાની વૃત્તિ જ નહોતી.
વાજપેયીજીએ તો એક આદર્શ સ્થાપિત કરેલો. બાંગ્લાદેશ સામેના યુદ્ધમાં ભારતની ભવ્ય જીત માટે ઈન્દિરા ગાંધીને યશ આપવાની વાત હોય કે નહેરુના યોગદાનને સ્વીકારવાની વાત હોય, વાજપેયીએ ખેલદિલીથી તેનો સ્વીકાર કર્યો. સામે કૉંગ્રેસની ટીકા કરવાની હોય ત્યારે પણ કદી છિછરાપણાનું પ્રદર્શન કર્યા વિના કે હલકા દેખાયા વિના પણ વાજપેયીએ વિરોધીઓની બોલતી બંધ કરેલી છે.
રાજનાથે જે મુદ્દે નહેરુની ટીકા કરવાનું ટાળ્યું એ જ મુદ્દે કૉંગ્રેસની ટીકા કરીને પણ વાજપેયી ગૌરવપૂર્ણરીતે વર્ત્યા જ છે. ભાજપના નેતાઓ રેકર્ડ વગાડ્યા છે એ કૉંગ્રેસે કશું ના કર્યું ને નહેરુ-ગાંધી ખાનદાને દેશને ફોલી ખાધો. વાજપેયીએ એ મુદ્દો ઉઠાવેલો જ ને સંસદમાં ખુલ્લેઆમ કૉંગ્રેસના શાસનમાં શું થયું તેની વાત કરેલી.
વાજપેયીએ સંસદમાં સાફ શબ્દોમાં કહેલું કે, કૉંગ્રેસના શાસનમાં વિકાસ થયો નથી એવું આપણાથી બિલકુલ ના કહી શકાય. કૉંગ્રેસે દેશને વિકાસ ના કરાવ્યો હોત તો આપણે ક્યાં હોત તેની કલ્પના પણ ના થઈ શકે કેમ કે અંગ્રેજો તો આપણને સાવ ભિખારી જેવી હાલતમાં છોડી ગયેલા. આપણે કૉંગ્રેસના રાજમાં વિકાસ ના થયો એવું ના કહી શકીએ પણ જે વિકાસ થયો એ પૂરતો છે ખરો? દુનિયામાં આપણી સાથે જ આઝાદ થયેલા બીજા દેશો ક્યાં છે ને આપણે ક્યાં છીએ એ વિચારવું જોઈએ. ચીન, જાપાન, જર્મની સહિતના દેશો ક્યાંના ક્યાં પહોંચી ગયા ને આપણો વિકાસ રગશિયા ગાડાની જેમ ચાલે છે. વાજપેયીએ દેશના વિકાસમાં કૉંગ્રેસના યોગદાનને નકાર્યા વિના જ જનોઈવઢ ઘા કરી લીધેલો.
રાજનાથે ભાજપના હાલના વર્તમાન કલ્ચરથી વિપરીત વર્તીને પોતાનું ગૌરવ જાળવ્યું છે. સાથે સાથે વાસ્તવવાદી અભિગમ પણ બતાવ્યો છે કેમ કે ભાજપના નેતાઓના કહેવાથી નહેરુનું યોગદાન ઓછું થઈ જવાનું નથી. નહેરુ દેશના પહેલા વડા પ્રધાન હતા ને અંગ્રેજોએ ચૂસી લીધેલા આ દેશને ફરી બેઠો કરવામાં તેમણે આપેલા યોગદાનને ભૂલી ના જ શકાય. નહેરુ વિઝનરી હતા ને તેમણે આ દેશમાં ખેતી અને ઉદ્યોગોને સાથે લઈ જવાનું જે વિઝન આપ્યું એ વિઝન અદ્ભૂત હતું.
મોદી અત્યારે સ્કિલ ઈન્ડિયાની ને એ બધી વાતો કરે છે પણ નહેરુએ સિત્તેર વર્ષ પહેલાં તેનો અમલ કરી બતાવેલો. એન્જિનિયરો પેદા કરવા માટે આઈઆઈટી અને સ્કિલ્ડ પર્સન્સ પેદા કરવા માટે આઈટીઆઈ નહેરુએ બનાવડાવેલી. દેશના ચાર ખૂણે ચાર મોટા બંધ બનાવીને નદીઓનાં પાણીનાં ઉપયોગ કરવાનો ને એ રીતે ખેતીને સમૃદ્ધ કરવાનો વિચાર પણ નહેરુએ અમલમાં મૂકેલો. નહેરુ વિઝનરી હતા એ સાબિત કરવા બે મુદ્દા જ પૂરતા છે. મોદીએ આઝાદીનાં પંચોતેર વર્ષ પછી પણ નહેરુની જ નકલ કરવી પડે છે એ શું સૂચવે છે? એ જ કે નહેરુનું યોગદાન બહું મોટું છે ને તેને કોઈ નકારી ના શકે, અવગણી ના શકે.
ભાજપના નેતાઓએ આ વાત સમજવાની જરૂર છે. રાજનાથની જેમ ગૌરવપૂર્ણ રીતે વર્તવાની જરૂર છે. બાકી આજે તમે નહેરુના યોગદાન વિશે સવાલ કરો છો એ રીતે કાલે કોઈ તમારા યોગદાન અંગે શંકા કરશે.

3 thoughts on “ભાજપના નેતાઓએ રાજનાથ પાસેથી શીખવું જોઈએ

  1. કોન્ગ્રેસ પાસે વાજપાઈ કે રાજનાથ જેવા મહાન નેતા કેમ નથી? એ લોકો શા માટે surgical strike અને બાલાકોટ strike નો વિરોધ કરે છે?એ લોકો મોદી ના સારા કામ ના વખાણ કેમ નથી કરી શકતા? શીખવાનું તો કોન્ગ્રેસે છે એ લોકો વિરોધ પક્ષ મા છે

  2. નહેરું અને ગાંધી પરીવારે કામ કર્યું હોય તો દેશ ઉપર કાંઈ મહેરબાની નથી કરી પોતાની એકોતેર પેઢી ખાય એટલું ભેગું પણ કર્યું છે

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.