પ. બંગાળમાં ભાજપના નેતા રાજુ ઝાની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. રાજુ ઝા કોલ માફિયા તરીકે ઓળખાતો હતો. તેના ઉપર ઘણા ગંભીર આરોપો પણ છે. ભાજપના નેતા રાજુ ઝાને મીઠાઇની દુકાનની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઝા કારમાં કોલકાતા જઇ રહ્યા હતા. કારમાં તેમની સાથે અન્ય બે વ્યક્તિ પણ હતી. આ ઘટના બર્ધમાનના શક્તિગઢ વિસ્તારમાં બની હતી. હુમલાખોર ગોળી મારીને ભાગી ગયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. હત્યાનો હેતુ હજી સુધી જાણી શકાયો નથી.
પોલીસે જણાવ્યું હતું કે ગોળી વાગ્યા બાદ બીજેપી નેતા રાજુ ઝાને નજીકની હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અન્ય ઘાયલોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાજુ ઝા ડિસેમ્બર 2021માં યોજાયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ડાબેરી મોરચાના શાસન દરમિયાન રાજુ ઝા પર સિલ્પંચલમાં ગેરકાયદે કોલસાનો કારોબાર ચલાવવાનો આરોપ હતો. તૃણમૂલ સરકારે તેમની સામે અનેક કેસ કર્યા છે.