કર્ણાટક ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા કે.એસ. ઇશ્વરપ્પાએ નમાજ અદા કરતા પહેલા મસ્જિદોમાંથી આપવામાં આવતી અઝાનને લઈને ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઇશ્વરપ્પાના આ નિવેદનથી અઝાન વિવાદ ફરી શરૂ થવાની સંભાવના છે.
પૂર્વ નાયબ મુખ્યપ્રધાન કે.એસ. ઇશ્વરપ્પા એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે નજીકની મસ્જિદમાંથી અઝાન સંભળાઈ. આ અંગે તેમણે કહ્યું કે, “હું જ્યાં પણ જાઉં છું, અઝાન મને માથાનો દુખાવો કરે છે. સુપ્રીમ કોર્ટનો આદેશ આવવાનો જ છે. આજે નહીં તો કાલે, અઝાન ચોક્કસ બંધ થઈ જશે….”
તેમણે સવાલ ઉભો કર્યો કે શું અલ્લાહ તમારી પ્રાર્થના ત્યારે જ સાંભળશે જ્યારે અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવે. મંદિરોમાં પણ છોકરીઓ અને મહિલાઓ પ્રાર્થના કરે છે, ભજન ગાય છે. અમે પણ ધાર્મિક છીએ, પરંતુ અમે લાઉડસ્પીકરનો ઉપયોગ કરતા નથી.
કે.એસ ઇશ્વરપ્પાનો વિવાદો સાથે જૂનો સંબંધ રહ્યો છે. અગાઉ પણ તેમણે 18મી સદીના મૈસૂરના શાસક ટીપુ સુલતાનને ‘મુસ્લિમ ગુંડા’ તરીકે ઓળખાવતા વિવાદ સર્જાયો હતો. ગયા વર્ષે એક કોન્ટ્રાક્ટરની આત્મહત્યાને પગલે ઈશ્વરપ્પાએ પ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. કોન્ટ્રાક્ટરે તેના છેલ્લા સંદેશાઓમાં ઇશ્વરપ્પાને તેના મૃત્યુ માટે જવાબદાર ગણાવ્યા હતા અને તેથી જ તેનું નામ પોલીસ કેસમાં સામેલ કરવામાં આવ્યું હતું.
‘અઝાન માથાનો દુખાવો કરે છે’ કર્નાટક ભાજપના નેતાનું વિવાદાસ્પદ નિવેદન
RELATED ARTICLES