એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં છેલ્લાં કેટલાંક વરસોમાં રાજકારણ સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી ને સત્તાલક્ષી થઈ ગયું છે. લોકો મતદાન કરે અને જનપ્રતિનિધિ ચૂંટીને સત્તા માટે જનાદેશ આપે તેની પણ રાજકારણીઓ પરવા કરતા નથી. જનાદેશની ઐસીતૈસી કરીને ગમે તે ભોગે સત્તા હાંસલ કરવી એ જ રાજકીય પક્ષોનો ઉદ્દેશ હોય છે ને તેના માટે નીતિમત્તા, નિયમો, સિદ્ધાંતો વગેરેને કોરાણે મૂકી દેવાં પડે તો તેનો પણ તેમને વાંધો હોતો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (એમસીડી)ના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં આ માનસિકતાનો વરવો નમૂનો જોવા મળ્યો.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે. દિલ્હીનાં લોકોનો જનાદેશ સ્પષ્ટ છે કે, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીની સત્તા હશે ને તેના જ મેયર તથા બીજા પદાધિકારીઓ હશે પણ શુક્રવારે એમસીડીના મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ માટે છ સભ્યોની ચૂંટણી કરવાની હતી એ પહેલાં જુદો જ સીન થઈ ગયો.
મેયરપદ માટે આમ આદમી પાર્ટીએ શૈલી ઓબેરોયને મેદાને ઉતાર્યા છે, જ્યારે ભાજપ તરફથી રેખા ગુપ્તા મેદાનમાં છે. ડેપ્યુટી મેયરપદ માટે આપના મોહમ્મદ ઈકબાલ અને ભાજપના કમલ બાગડી મેદાનમાં છે. એમસીડીમાં સંખ્યાબળ જોતાં શૈલી ઓબેરોય અને મોહમ્મદ ઈકબાલની જીત પાકી લાગતી હતી પણ તેના બદલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના, આમ આદમી પાર્ટીના નેતાઓ અને ભાજપ ત્રણેયે મળીને લોકશાહીના ધજાગરા ઉડાવી દીધા. સાથે સાથે આબરૂનો પણ ધજાગરો પણ કરી નાંખ્યો.
એમસીડીની ચૂંટણી શાંતિથી પતવાના બદલે તાયફો બનીને રહી ગઈ ને છેવટે નવા ચૂંટાયેલા કોર્પોરેટર અને મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ માટે છ સભ્યોની ચૂંટણી મોકૂફ રાખવાની ફરજ પડી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના હવે નવી તારીખ જાહેર કરશે ને ત્યાં લગી દેશની સૌથી મોટી મ્યુનિસિપલ કોર્પોરેશન ધણીધોરી વિનાની સરકારી અધિકારીઓના હવાલે રહેશે.
એમસીડીમાં થયેલા તાયફાની શરૂઆત દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ કરાવી. સામાન્યરીતે ચૂંટણીની પ્રક્રિયા કરાવવા માટે પ્રીસાઈડિંગ ઓફિસર તરીકે જે પક્ષની બહુમતી હોય તે પક્ષના નેતાની વરણી થતી હોય છે. આમ આદમી પાર્ટીએ પોતાના ધારાસભ્યને પ્રીસાઈડિંગ ઓફિસર નિમવાની રજૂઆત કરી હતી પણ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ તેને ફગાવી દઈને ભાજપના સત્ય શર્માને પ્રીસાઈડિંગ ઓફિસર બનાવ્યા તેમાં મોંકાણ મંડાઈ ગઈ.
સત્ય શર્માએ પ્રીસાઈડિંગ ઓફિસર તરીકે પહેલાં ચૂંટાયેલા કોર્પોરેટરોની શપથવિધિ કરાવવાની પરંપરાને કોરાણે મૂકીને નોમિનેટેડ સભ્યોની થપથવિધિ કરાવી તેમાં હોહા થઈ ગઈ. દિલ્હીમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીની પ્રક્રિયા બહુ અટપટી છે. સામાન્ય રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં ચૂંટાયેલા કોર્પોરેટરો ભાગ લેતા હોય છે પણ દિલ્હીમાં વિધાનસભાના કુલ સંખ્યાબળના ૨૦ ટકા ધારાસભ્યો અને તમામ સાંસદો પણ ભાગ લેતા હોય છે.
સત્ય શર્માએ જનપ્રતિનિધિઓને બાજુ પર મૂકીને આ નોમિનેટેડ સભ્યોને શપથ લેવડાવ્યા તેમાં આમ આદમી પાર્ટીએ વાંધો ઉઠાવ્યો ને દંગલ ફાટી નિકળ્યું. કોર્પોરેટરો વચ્ચે મારામારી થઈ, ખુરશીઓ ઉછળી ને ગાળાગાળીની તો વાતો જ થાય તેમ નથી. એમસીડીની બહાર પણ સામસામી આક્ષેપબાજી ચાલી ને અંદર મારામારી થઈ ગઈ. તેના કારણે એમસીડીની કાર્યવાહી શક્ય જ ના બની ને લોકશાહી માટે એક કલંકિત પ્રકરણ લખાઈ ગયું.
ભાજપ અને આમ આદમી પાર્ટી બંને આ માટે એકબીજા પર દોષારોપણ કરી રહ્યાં છે. આપ વતી રાજ્યસભાના સાંસદ સંજય સિંહે ભાજપ સામે પરંપરા તોડવાનો આક્ષેપ મૂક્યો છે. ભાજપના નેતાઓએ એમસીડી સભાગૃહમાં અમારા કાઉન્સિલરોને ફટકાર્યા છે. દિલ્હીની જનતાએ ચૂંટણીમાં ભાજપના નેતાઓને હરાવ્યા તેનો ખાર કાઢીને ભાજપના નેતાઓ અમારા લોકોના જીવ લેવાના છે કે શું એવો સવાલ પણ સંજયે કર્યો છે.
ભાજપ વતી લોકસભાના સભ્ય મનોજ તિવારીએ આક્ષેપ કર્યો કે, આમ આદમી પાર્ટી ગૃહને ગુંડાગીરીનો અખાડો બનાવ્યો છે. અમારી પાસે ઓછા કોર્પોરેટર છે તેનો લાભ લઈને અમને ફટકાયા છે ને ગુંડાગીરી કરી છે. આમ આદમીને ડર છે કે મેયરની ચૂંટણીમાં તેમના કોર્પોરેટરો જ તેમનો સાથ નહીં આપે. ભાજપનો આક્ષેપ છે કે, આપના કોર્પોરેટરોએ પ્રિસાઇડિંગ ઓફિસર સાથે ધક્કા-મુક્કી કરી હતી.
આ બંનેમાં સાચું કોણ છે એ કહેવું મુશ્કેલ છે પણ ભાજપનો વાંક વધારે છે એ સ્પષ્ટ છે. ભાજપ એમસીડીમાં હારી ગયો છે એ વાત પચાવી શકતો નથી તેથી સત્તાનો દુરુપયોગ કરીને ધાગડિયા કરાવે છે. લેફ્ટનન્ટ ગવર્નર પણ લોકશાહીના જતનના બદલે રાજકીય દાવપેચ કરી રહ્યા છે.
એમસીડી પર શાસનનો અધિકાર લોકોએ આમ આદમી પાર્ટીને આપ્યો છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ ૨૫૦ કોર્પોરેટર છે અને ૨૪ નોમિનેટેડ સભ્યો સાથે મળીને મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં ૨૭૪ સભ્યો થાય તેથી બહુમતી માટે ૧૩૮ મત જરૂરી છે. અત્યારે દિલ્હી વિધાનસભાની કુલ સભ્ય સંખ્યા ૭૦ છે તેથી ૧૪ ધારાસભ્યો એમસીડી ગૃહ માટે નોમિનેટ થાય છે. આ ધારાસભ્યો ગૃહમાં જે તે પક્ષના સંખ્યાબળના આધારે નોમિનેટ થાય છે. આમ આદમી પાર્ટી પાસે ૭૦ ધારાસભ્યોની વિધાનસભામાં ૬૩ ધારાસભ્યો હોવાથી ૧૩ ધારાસભ્યો તેના જ્યારે એક ધારાસભ્ય ભાજપનો નોમિનેટ થયો છે.
દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો છે. આ તમામ બેઠકો ભાજપે જીતી હોવાથી ભાજપના સાત લોકસભા સાંસદ પણ મતદાન કરી શકે. આમ ભાજપ પાસે સાત લોકસભા સભ્યો અને એક ધારાસભ્ય મળીને ૮ નોમિનેટેડ સભ્યો છે. દિલ્હીમાંથી રાજ્યસભાની ત્રણ બેઠકો છે. આ ત્રણેય બેઠકો આમ આદમી પાર્ટી પાસે હોવાથી આમ આદમી પાર્ટી પાસે ૧૩ ધારાસભ્યો અને ૩ રાજ્યસભા સાંસદ મળીને ૧૬ નોમિનેટેડ સભ્યો છે.
આમ આદમી પાર્ટી પાસે ૧૩૪ કોર્પોરેટર, રાજ્યસભાના ૩ સાંસદ અને ૧૩ ધારાસભ્યો મળીને ૧૫૦ મત છે. ભાજપ પાસે મ્યુનિસપલ કોર્પોરેશનમાં ૧૦૪ કોર્પોરેટર, ૭ સાંસદ અને ૧ ધારાસભ્ય સાથે કુલ ૧૧૨ મત છે. કૉંગ્રેસના ૯ અને અપક્ષના ૨ કોર્પોરેટર છે પણ કૉંગ્રેસ મતદાનથી અલિપ્ત રહેવાની જાહેરાત કરી ચૂકી છે. આમ આદમી પાર્ટી પાસે પૂરતા સભ્યો છે તેથી ભાજપે બીજા અખાડા કરવાના બદલે તેના મેયરની નિર્વિઘ્ને ચૂંટણી કરાવડાવી જનાદેશને આદર આપવો જોઈએ.