Homeએકસ્ટ્રા અફેરભાજપે આખા લાડવાની લ્હાયમાં હતું એ પણ ખોયું

ભાજપે આખા લાડવાની લ્હાયમાં હતું એ પણ ખોયું

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન એટલે કે એમસીડીની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને એક્ઝિટ પોલમાં થયેલી આગાહી પ્રમાણે આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. ૨૫૦ વોર્ડની એમસીડીમાં આમ આદમી પાર્ટીએ ૧૩૪ બેઠકો જીતી છે જ્યારે ભાજપે ૧૦૪ બેઠકો જીતી છે. કૉંગ્રેસનો સાવ સફાયો થઈ ગયો છે અને માત્ર ૯ બેઠકો પર જીત મેળવી છે જ્યારે ૩ બેઠક પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે.
દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન એક મ્યુનિસિપલ કૉર્પોરેશન જ છે તેથી તેનાં પરિણામોને કોઈ રાજ્યના પરિણામો સાથે ના સરખાવી શકાય છતાં આ પરિણામો મહત્વનાં છે કેમ કે દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં દિલ્હી રાજ્યનો મોટાભાગનો વિસ્તાર આવી જ જાય છે. કોઈ નાના રાજ્યમાં હોય તેના કરતાં વધારે મતદારો દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં છે. આ પરિણામો એ રીતે પણ મહત્ત્વનાં છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી બંને માટે આ જંગ પ્રતિષ્ઠાનો હતો.
ભાજપ ૧૫ વર્ષથી દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સત્તામાં હતો. આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભાની સળંગ બે ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથેની ભવ્ય જીત મેળવી પણ ભાજપને દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં હરાવી નહોતી શકતી. દિલ્હીની ત્રણેય મ્યુનિસિપલ કૉર્પોરેશન પર ભાજપનો કબજો હતો. તેના કારણે આપ પર કટાક્ષ પણ થતા હતા. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતીને આમ આદમી પાર્ટીએ એ મહેણું ભાંગ્યું છે અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી સૌથી લોકપ્રિય પક્ષ છે એ સાબિત પણ કર્યું છે.
આમ આદમી પાર્ટી માટે આ જીતી બીજી રીતે પણ મહત્ત્વની છે. આમ આદમી પાર્ટી પોતે લોકોના કામ કરીને પગપેસારો કરી રહ્યો હોવાનો દાવો કરે છે. દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સત્તા મળતાં આપને તેનો એજન્ડા અમલમાં મૂકીને પ્રચારની વધુ એક તક મળશે. દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનની જવાબદારી સામાન્ય જનતાને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાની છે. આરોગ્ય સુવિધાઓ, રસ્તા, ફૂટપાથ અને બજારોની સફાઈ વગેરે કૉર્પોરેશનનાં કામ છે. આ સિવાય પ્રાથમિક શાળાઓનું સંચાલન અને રસ્તાઓ, ઓવરબ્રિજ, જાહેર શૌચાલયોનું બાંધકામ કરવું તથા જાળવણી કરવી પણ કોર્પોરેશનનું જ કામ છે. આ સિવાય સ્લમ વિસ્તારોમાં પાણીપુરવઠો, ડ્રેનેજ વ્યવસ્થા વ્યવસ્થાપન, વિકાસનાં કામો પણ કૉેર્પોરેશન હાથ ધરે છે. બગીચા, લાયબ્રેરીઝ, સ્ટ્રીટલાઇટ, પાર્કિંગ વિસ્તારોની જાળવણી, દરેક ઘરમાંથી અને કલેક્શન પોઈન્ટ્સમાંથી કચરો એકઠો કરવો પણ કૉર્પોરેશનનું કામ છે. આમ આદમી પાર્ટી પાસે સત્તા આવશે તો આ બધા કામો સારી રીતે કરીને પોતાની લોકપ્રિયતા વધારી શકશે.
દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસે પાર્કિંગ લોટ માટે કોન્ટ્રેક્ટ આપવાની, બિલ્ડિંગ ક્ધસ્ટ્રક્શનના નકશા પાસ કરવા અને બાંધકામ નિયમ પ્રમાણે થાય છે તેનું ધ્યાન રાખવું, ઈ-રિક્ષા, રિક્ષા અને કારનાં લાયસન્સ આપવાં વગેરેની પણ સત્તા છે. આ સત્તાનો ઉપયોગ કરીને પણ આમ આદમી પાર્ટી પોતાનો વ્યાપ વધારી શકશે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર પાસે કાયદો અને વ્યવસ્થા સહિતની જે મહત્વની બાબતો છે તે સિવાયનું બધું હવે આમ આદમી પાર્ટીના નિયંત્રણ હેઠળ આવી જશે તેથી આપનો પ્રભાવ વધશે. આપ પ્રચારમાં પાવરધી પાર્ટી છે તેથી દિલ્હી સરકારની કામગીરીની સાથે સાથે દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનની કામગીરીનો પણ જોરશોરથી પ્રચાર કરીને પોતાની તાકાત વધારશે.
ભાજપ માટે આ મોટી હાર છે કેમ કે દિલ્હીમાં કેજરીવાલ સામે ભાજપ ફરી વામણો સાબિત થયો છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પૂરી તાકાત લગાવી દીધેલી છતાં આપને હરાવી શક્યો નહોતો. આ વખતે પણ પૂરી તાકાત લગાવવા છતાં કેજરીવાલ બળુકા સાબિત થયા છે ને ભાજપ ભૂંડી રીતે પછડાયો છે.
જો કે આ હાર માટે ભાજપ પોતે જ જવાબદાર છે કેમ કે ભાજપને આખો લાડવો ખાવાના અભરખા જાગ્યા હતા. દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં વરસોથી ભાજપનું વર્ચસ્વ હતું. દિલ્હીમાં હજુ હમણાં સુધી દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન, ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન અને પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન એમ ત્રણ મ્યુનિસિપલ કૉર્પોરેશન હતી. આ ત્રણેય મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી હતી. આ ત્રણેય મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભાજપના મેયર સહિતના હોદ્દદારો ચૂંટાતા ને તેની જ પાસે વહીવટ હતો.
જો કે ભાજપને આખા દિલ્હી પર કબજો કરવાના અભરખા હતા પણ કેજરીવાલ તેમાં નડતા હતા. ભાજપે કેજરીવાલને હરાવવા બહુ પ્રયત્ન કર્યા પણ ફાવ્યા નહીં તેથી દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનને એક કરીને કેજરીવાલને નાથવાનો દાવ ખેલી નાંખ્યો હતો. ભાજપે પણ એ જ રસ્તો અપનાવ્યો કે જે વરસો પહેલાં શીલા દિક્ષીતે અજમાવ્યો હતો. કૉંગ્રેસનાં શીલા દિક્ષિતે ભાજપને કાબૂમાં રાખવા માટે દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનને ૨૦૧૨માં ત્રણ ભાગમાં વહેંચી દીધી હતી. કૉંગ્રેસ દ્વારા દાવો કરાયેલો કે, દિલ્હીને ત્રણ ભાગમાં વહેંચવાની મહાનગરપાલિકાની કામગીરીમાં સુધારો થશે અને પ્રજાના પ્રતિનિધિ અસરકારક રીતે પ્રજાની સેવા કરી શકશે.
શીલાનો આ દાવ નહોતો ચાલ્યો ને ભાજપ ત્રણેય કૉર્પોરેશનમાં જીત્યા કરતો હતો પણ દિલ્હીમાં સરકાર નહોતી આવતી તેથી દિલ્હીની સરકારને સમાંતર સરકાર ચલાવવા મોદી સરકારે દિલ્હીની ત્રણેય મ્યુનિસિપલ કૉર્પોરેશનનું વિલીનીકરણ કરીને એક મ્યુનિસિપલ કૉર્પોરેશન કરી નાંખી. ભાજપને એમ કે, દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ત્રણેય કોર્પોરેશન જીતતા હતા એ રીતે એક કૉર્પોરેશનમાં પણ જીતીને ફરી સત્તા હાંસલ કરીને કેજરીવાલને હંફાવી દઈશું પણ એ ધારણા ખોટી પડી નથી. ભાજપે મોટો લાડવો ખાવાની લ્હાયમાં જે હતું એ પણ ખોયું છે.
દિલ્હીની જીત સાથે આમ આદમી પાર્ટીએ પોતાની દિલ્હી પરની પકડ તો મજબૂત કરી જ છે પણ એ માન્યતાને પણ પ્રબળ કરી છે કે, હિન્દી પટ્ટામાં ભાજપને કોઈ હરાવી શકે એમ હોય તો એ આમ આદમી પાર્ટી છે. કોંગ્રેસ ભાજપને ટક્કર આપી શકે એમ નથી એ વાત સાબિત જ થઈ છે. તેના કારણે ભાજપ વિરોધી મતદારો આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યા છે એ આ ચૂંટણીએ ફરી સ્પષ્ટ કર્યું છે. ભવિષ્યમાં આ પ્રક્રિયા તેજ બનશે તેમ તેમ કૉંગ્રેસ વધારે ધોવાતી જશે ને આમ આદમી પાર્ટી ભાજપનો વિકલ્પ બનીને ઉભરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular