ફિલ્મ જગતમાં એવા ઘણા કપલ્સ છે કે જેમાં પતિ-પત્ની વચ્ચે ઉંમરનો ઘણો તફાવત હોય. મોટે ભાગે પતિ પત્ની કરતા મોટો હોય છે, આવી એક સમાજ સ્વીકૃત માન્યતા પણ છે. જોકે આ તફાવત વધારે હોય ત્યારે નજરે ચડે છે. નેવુંની સાલમાં તો ઉંમરનો તફાવત બહુ મોટી વાત ગણાતી ત્યારે આજની બર્થ ડે સેલિબ્રિટીએ 90ના દાયકામાં પોતાનાથી બાર વર્ષ નાના યુવાનને પ્રેમ કર્યો અને તેને પરણી ગઈ, પરંતુ 13 વર્ષના લગ્નજીવન અને બે બાળકોની માતા બન્યા બાદ આ સંબંધ તૂટી ગયો કારણ કે પતિ પોતાનાથી 13 વર્ષ નાની મહિલાના પ્રેમમાં પડી ગયો. ખૈર આ વાતને પણ 17-18 વર્ષ વીતી ગયા ને આજે તે જીવનના 65માં વર્ષે પહોંચી ગઈ. નવમી ફેબ્રુઆરીએ જન્મેલી અમૃતા સિંહ પણ આજે ભલે જીવનના છ દાયકા વીતાવી 65 વર્ષની થઈ ગઈ છે, પરંતુ તેની મારકણી અદાઓએ 80ના દાયકામાં સૌને ઘાયલ કર્યા હતા. ફિલ્મ બેતાબથી બોલીવૂડમાં ધામેકાદર એન્ટ્રી કરનાર આ બેલી ડાન્સરે સાહેબ, ચમેલી કી શાદી, નામ, મર્દ,આયના, વારિસ, ખુદગર્ઝ જેવી ઘણી સારી ફિલ્મો આપી છે અને લોકોનું મનોરંજન કર્યું છે. દસેક વર્ષના બ્રેક બાદ તે 2002માં ફરી કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે સક્રિય થઈ.
તે સૈફ અલી ખાનને એક ફિલ્મના સેટ પર મળી અને બંન્ને એકબીજામાં ખોવાઈ ગયા. 1991માં બન્નેએ લગ્ન કર્યા. જોકે માનવામા આવે કે બન્નેના પરિવાર આ લગ્નથી ખુશ ન હતા. 2004માં લગ્ન તૂટ્યા.
અમૃતાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. લોકો એ તો જાણે છે કે સૈફ નવાબી પરિવારમાંથી આવે છે, પરંતુ બહુ ઓછાને ખબર હશે કે અમૃતાની માતા પણ રાજવી પરિવાર સાથે નાતો ધરાવે છે. અમૃતાના પિતા પંજાબી શીખ હતા અને આર્મી સાથે જોડાયેલા હતા જ્યારે માતા રૂક્સાના સુલતાન મુસ્લિમ હતા અને રાજકીય કાર્યકર્તા હતા. કટોકટી સમયે તેમણે સંજય ગાંધીને ઘણો સાથ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. સંજય ગાંધીના નસબંધીના અભિયાનને મુસ્લિમ વિસ્તારોમાં ફેલાવવામાં પણ તેમણે ભૂમિકા ભજવી હતી. અમૃતાના જન્મ બાદ જ તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા. દિલ્હીમાં મોટી થયેલી અમૃતા અને શાહરૂખ ખાન મિત્ર હતા અને તેમની માતાઓ પણ એકબીજાની પરિચિત હતી.
પોતાના જીવનમાં પણ એ એવો વણાંક આવ્યો અને સારા અને ઈબ્રાહમ નામના બે સંતાન થયા ને તે બાદ અમૃતા પતિથી દૂર થઈ. જોકે અમૃતા પોતાની દિકરી અને અભનેત્રી સારાથી ખૂબ જ નજીક છે અને બન્નેના સંબંધોની ઘણી વાતો સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. સારા અમૃતાની કાર્બન કોપી લાગતી હોવાથી આજે પણ અમૃતાના ઘણા ચાહકો તેનામાં અમૃતાને જુએ છે. જન્મદિવસના દિવસે આ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ અભિનેત્રીને શુભેચ્છા.