હિન્દી ફિલ્મોમાં એક સમયે માત્ર હિરોઈન જ નહીં, પરંતુ હીરોએ પણ સુંદર દેખાવું જરૂરી હતું. આવા જ એક ચોકલેટી હીરો વિનોદ મહેરાનો આજે જન્મ દિવસ છે. 13, ફેબ્રુઆરી, 1945ના રોજ જન્મેલા વિનોદ ઘણું ટૂંકુ જીવન જીવ્યા અને 45 વર્ષની ઉંમરે જ હૃદયરોગના હુમલએ તેનો જીવ લીધો. આટલા નાના જીવનમાં તેમણે ઘણી સારી ફિલ્મો આપી, પણ પોતાની લવલાઈફને લીધે વધારે ચર્ચામાં રહ્યા.
મહેરાએ અનુરાગ, સાજન બિના સુહાગન, ઘર, બેમિસાલ જેવી ફિલ્મોમાં યાદગાર રોલ કર્યા છે. આ સાથે તેમના પર ફિલ્માવવમાં આવેલા ગીતો પણ ઘણા લોકપ્રિય બન્યા હતા. જોકે તેમની વ્યક્તિગત જિંદગી હંમેશાં ચર્ચામાં રહી. તેમનના પહેલા લગ્ન મીના નામની એક યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ તેમને પહેલો હૃદયરોગનો હુમલો પણ આવ્યો હતો. કરિયર પણ થોડું ડગમગ થઈ રહ્યું હતું. મીના સાથે તેમને ફાવ્યું નહીં અને તે અરસામાં તેઓ હીરોઈન બિંદીયા ગૌસ્વામીના સંપર્કમા આવ્યા. સાથે ફિલ્મો કરતા કરતા બન્ને પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા. તેમણે લગ્ન કર્યા કે લીવ ઈનમાં રહેતા હતા તે મામલે અલગ અલગ મત છે, પરંતુ ચારેક વર્ષ બાદ આ સંબંધ પણ તૂટ્યો. વિનોદની હાલકડોલક કરિઅર કે પછી બિંદીયાનો જેપી દત્તા સાથેનો સંબંધ આની માટે જવાબદાર માનવામાં આવે છે. તે બાદ વિનોદના જીવનમાં રેખા આવી. આ બન્નેનો સંબંધ ઘણો ચર્ચાસ્પદ રહ્યો. એક પુસ્તક અનુસાર બન્નેએ કલક્તામાં લગ્ન કરી લીધા હતા, પરંતુ વિનોદની માતાને આ સંબંધ પસંદ ન હોવાથી તેણે રેખા સાથે ગેરવ્યવહાર કર્યો હતો. તેમનો સંબંધ કેટલો ને કેવો ચાલ્યો તે અંગે પણ માત્ર વાતો કે અફવાઓ જ છે. તે બાદ વિનોદે કિરણ નામની એક યુવતી સાથે 1987માં લગ્ન કર્યા. બન્નેનો સંસાર સારો ચાલતો હતો અને તેમને સંતાનમાં એક દીકરો અને દીકરી થયા, પરંતુ ઓક્ટોબર, 1990માં વિનોદનું મૃત્યુ થયું. વિનોદ મહેરાના સંતાનો પણ ફિલ્મજગત સાથે જોડાયેલા છે. તેમણે આપેલી યાદગાર ફિલ્મનું ગીત છે, દિલ કે ટૂકડે ટૂકડે કરકે મુસ્કુરા કે ચલ દીયે…વિનોદનો હસતો ચહેરો પણ તેના પરિવાર અને પ્રશંસકોના દિલના ટુકડા કરતો ચાલ્યો ગયો…