હેં ? અનિલ કપૂરે ક્યારે ગીત ગાયા ? અને એ પણ 4000 ? હા વાત તો આંખો પહોળી કરી દે એવી છે જ, પણ સાચી પણ છે. અરે ભાઈ આજના બર્થ ડે સેલિબ્રિટીનું નામ પણ છે તો અનિલ કપૂર પણ આપણે બધા તેમને ઓળખીએ છીએ અન્નુ કપૂરના નામથી, અને રહી વાત 4000 ગીતની તો યાદ છે ને ટીવી પરની અંતાક્ષરી ? હા, ભારતના ઘરેઘરમાં રમાતી-પિકનીક કે ગેધરીંગમાં રમાતી આ સૌથી લોકપ્રિય ગેમને ટીવીના પડદે લાવ્યા હતા અન્નુ કપૂર અને લાંબા ચાલેલા તેમના અલગ અલગ સેગમેન્ટ્સ દરમિયાન તેમણે કુલ 4000 ગીત ગાયા છે અને તેમનો અવાજ પણ એટલો જ કર્ણમધુર છે. આજના દિવસે એટલે કે 20 ફેબ્રુઆરી, 1956ના રોજ ભોપાલ ખાતે તેમનો જન્મ થયો હતો. ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ભણવાનું અધવચ્ચેથી જ છૂટી ગયું અને અન્નુ કપૂર કામે લાગ્યા. ચા વેચી, ચૂરણ વેચ્યુ, લોટરી વેચી જેવા ઘણા નાના કામો કર્યા. અંતમાં પિતાજીએ કહ્યું કે કંઈ ન ફાવે તેમ હોય તો મારી થિયેટર કંપનીમાં આવી જા. અન્નુ કપૂર જોડાયા. તેમનો રસ જોઈને ભાઈએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)જોઈન કરવા કહ્યું. કપૂરે જોઈન કર્યું. મુંબઈ ખાતે એક ડ્રામા કરતા સમયે શ્યામ બેનેગલે તેમને જોયા. વખાણનો પત્ર મોકલ્યો અને સાથે તેમની ફિલ્મ મંડીમાં કામ કરવાની ઓફર આપી. તે બાદ તેઓ અલગ અલગ ભૂમિકામાં આપણને મનોરંજન પીરસી રહ્યા છે. એ વાત ખરી કે એક અભિનેતા તરીકે અન્નુ કપૂરને તેમની પ્રતીભા અનુસાર નામના નથી મળી, પરંતુ તેમણે પોતાની આ જ વિશિષ્ટ ક્ષમતા અને સૂઝથી જે પણ કંઈ મળ્યું તે દ્વારા દર્શકોને પોતાની ઉપસ્થિતિનિ નોંધ લેતા કરી દીધા છે. ઓછું ભણ્યા હોવા છતાં વેદ, ઉપનીષદ, ઊર્દૂ શાયરી-ગઝલ અને કલાક્ષેત્રનું તેમનું જ્ઞાન તેમને એક ખૂબ જ સારા એન્કર બનવામાં મદદરૂપ થયા છે. પોતાની આગવી અભિનય ક્ષમતા, અલગ પ્રકારની ડાયલોગ ડિલિવરી, વિશાળ વાંચન અને ભાષા અને અભિવ્યક્તિ પરની પકકડથી અનુ કપૂરે એક અલગ જ સ્થાન મેળવ્યું છે.
હવે આવીએ અનિલ કપૂરમાંથી અન્નુ કપૂર કઈ રીતે બન્યા તે વાત પર. બન્યુ એવું કે યશ ચોપરાની ફિલ્મ મશાલમાં તેમણે એક નાનકડી ભૂમિકા અદા કરી હતી અને તેમને રૂ. 4000 આપવાની વાત થઈ હતી, પણ ચેક આવ્યો રૂ.10,000નો. હવે આ ફિલ્મમાં આપણા ઝકાસ બોય અનિલ કપૂર પણ હતા અને આ ચેક તેમનો હતો. આ કન્ફ્યુઝન બાદ તેમણે ઈન્ડસ્ટ્રીના મિત્રોની સલાહથી પોતાનું નામ અનિલમાંથી અન્નુ કપૂર રાખી લીધું. આજે તેમના જન્મદિવસે તેમને ખૂબ સૂરીલી શુભેચ્છાઓ.
બર્થ ડે સ્પેશિયલઃ ગાયક ન હોવા છતાં 4000 ગીત ગાઈને લોકોના દિલમાં વસી ગયા હતા આ અનિલ કપૂર
RELATED ARTICLES