ગુજરાતી ફિલ્મો કે સંગીતના શોખિન હોવ કે ન હોવ, એક પણ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સાંભળ્યો હોય કે કોઈ ગુજરાતી સંગીતના કાર્યક્રમમાં ગયા હોવ તો આ ગીત અચૂક સાંભળ્યું હશે. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી…મનહર ઉધાસના અવાજમાં ગવાયેલું આ ગીત સદાબહાર છે અને ગુજરાતી શ્રોતાઓને તળબોળ કરવા માટે કાફી છે. આ ગીત જેમની કલમથી ટપક્યું છે તે વેણીભાઈ પુરોહિતનો આજે જન્મદિવસ છે. તેઓ પહેલી ફેબ્રુઆરી, 1916ના દિવસે સૌરાષ્ટ્રના ખંભાળિયામાં જન્મ્યા હતા અને શિક્ષણ લીધા બાદ મુંબઈ આવ્યા હતા. અહીં તેઓ
‘બે ઘડી મોજ’ દૈનિકમાં જોડાયેલા તે બાદ 1939 – 42 અમદાવાદમાં પ્રભાત, ભારતીય સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્ય સાથે પ્રૂફ રીડર તરીકે કામ કર્યું. 1942 – સ્વાતંત્ર્ય ચળવળમાં જેલવાસ ભોગવ્યો હતો. 1949 થી આમરણ – મુંબાઇમાં જન્મભૂમિ સાથે રહ્યા. અખાભગતના ઉપનામથી પદ્યમાં કટાક્ષ કટાર ચલાવેલી, કાવ્યોના આસ્વાદો અને ચલચિત્રોના અવલોકન કર્યા. ગુજરાતી ચલચિત્ર ‘કંકુ’ ના બધા ગીતો તેમના લખેલા છે. ઉમાશંકર જોશી તેમને ‘ બંદો બદામી’ કહેતા તો તેઓ બાલમુકુંદ દવે તેમના ખાસ મિત્ર હતા. તેમની મુખ્ય રચનાઓ જોઈએ તો કવિતા – સિંજારવ, ગુલઝારે શાયરી, દીપ્તિ, આચમન, સહવાસ – બાલમુકુંદ દવે સાથેનો સંયુક્ત કાવ્ય સંગ્રહનો સમાવેશ થાય છે જ્યારે વાર્તાસંગ્રહમાં અત્તરના દીવા, વાંસનું વન, સેતુનો સમાવેશ થાય છે.
તેઓ રંગદર્શી અને વ્યંગ- વિનોદવાળી રચનાઓમાં માહિર હતા. સંગીતની સૂઝ વાળા કવિ
ગીતો અને ગઝલોમાં શબ્દ અને લયનું માધુર્ય અને ભાવની સચ્ચાઇ અને કલ્પનાશક્તિ તેમના કામમાં છલકાતી હતી. ત્રીજી જાન્યુઆરી, 1980માં તેઓ કામ કરતા કરતા જ હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમણે વિદાય લીધી. તેમણે ગુજરાતી સાહિત્યજગત અને પત્રકારત્વજગતને આપેલા અણમોલ યોગદાન બદલ તેઓ સાદાકાળ જીવંત જ રહેશે. તેમના જન્મદિવસે તેમને સ્મૃતિવંદન.