Homeઉત્સવઅંગ્રેજો અને ખ્રિસ્તી મિશનરી સામે બિરસા મુંડાનું સ્વધર્મ, સ્વભૂમિ, સ્વસંસ્કૃતિ માટેનું બલિદાન

અંગ્રેજો અને ખ્રિસ્તી મિશનરી સામે બિરસા મુંડાનું સ્વધર્મ, સ્વભૂમિ, સ્વસંસ્કૃતિ માટેનું બલિદાન

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

ભારતનું રાંચી ક્ષેત્ર પોતાની પ્રાકૃતિક સંપત્તિ માટે વિશ્ર્વવિખ્યાત છે. તે ભૂ-ભાગમાં વૃક્ષો, વનસ્પતિથી ભરપૂર તેમજ ધરતી માતાએ પોતાના ગર્ભમાં અનેક મૂલ્યવાન પદાર્થ છુપાવેલા રાખ્યા છે. આ ધરતી પર રાંચીના એક અનમોલ રત્ન બિરસા મુંડાનો જન્મ થયો હતો.
કિશોર મકવાણા પોતાના પુસ્તક ‘બિરસા મુંડા’ માં લખે છે કે, બિરસાની જન્મતારીખ અને વર્ષને લઈને વિભિન્ન મતો છે. સોસાર મુંડા તિથિનાં લખાણો રાખતા ન હતા. રોગોટો પાંડુલિપિમાં બિરસાનો જન્મ ૧૮૭૬માં થયો હોવાનું જણાવ્યું છે. ભરમી મુંડાના વિવરણમાં બિરસા મુંડાનું જન્મ વર્ષ ૧૮૭૨ લખ્યું છે. સરકારી દસ્તાવેજો મુજબ ૧૮૯૦માં એની ઉંમર ૨૨ વર્ષ અને ૧૮૯૫માં ૨૫ વર્ષ બતાવી છે. ઈસાઈ મિશનરીએ ૭ માર્ચ, ૧૮૮૬ના રોજ ખ્રિસ્તી મતમાં વટલાવ્યો ત્યારે એની ઉંમર ૧૨ વર્ષની હતી. જો કે મોટાભાગના લોકો ગુરુવાર – ૧૫ નવેમ્બર, ૧૮૭૫ના રોજ જન્મ થયો હોવાનું માને છે. ગુરુવારે એનો જન્મ થયો હોવાથી એનું નામ ‘બિરસા’ રાખવામાં આવ્યું.
ગોપી કૃષ્ણ કુંવર પોતાના પુસ્તક ‘બિરસા મુંડા’ માં જણાવે છે કે, બિરસાના જન્મસ્થાનને લઈને પણ વિવાદ છે. ઘણા લોકો એનો જન્મ ઉલિહાતુમાં, તો ઘણા લોકો બંબામાં માને છે, જે ચાલકદ નજીક સિજુરીનું એક નાનકડું ટીંબું છે (બંબાની કોઈ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ-સામગ્રી મળતી નથી). લોકગીતોમાં પણ આ વિવાદ દેખાય છે. અમુક લોકગીતોમાં એનું જન્મસ્થાન ઉલિહાતુ બતાવાયું છે, તો કેટલાંક ગીતોમાં ચાલકદ બતાવ્યું છે. ભરમી મુંડાએ એનું જન્મસ્થાન ચાલકદ બતાવ્યું છે. અંતે મહત્તમ લોકો ઉલિહાતુ નામના ગામમાં બિરસાનો જન્મ થયો હોવાનું માને છે.
મુંડા મૂળ એક આદિવાસી જાતિ છે તેનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ઉલિહાતુમાં રહેવાવાળા મુંડાઓને પણ જમીનદારના અત્યાચારો સહન કરવા પડતા. જમીનદાર અને શાહુકાર તેઓને ગામના કૂવાઓમાં પાણી ભરવાનો અધિકાર ન આપતા એટલું જ નહીં તેમની સ્ત્રીઓ પર ગિદ્ધ-દૃષ્ટિ રાખતા. શરૂઆતમાં તેઓ આદિવાસીઓને અસભ્ય અને જંગલી સમજતા. આ આખાય વિસ્તારમાં ઈસાઈ મિશનરીઓનું જબરજસ્ત વર્ચસ્વ હતું.
ડાયલ ઠાકોર પોતાના પુસ્તક અમર સેનાની ‘બિરસા મુંડા’ માં લખે છે કે, ઉચ્ચ શિક્ષણ માટે ખૂંટી અને તમાડ વિસ્તારના પર્વતીય પ્રદેશનાં બાળકો ચાઈબાસાની લૂથરન મિશનરી સ્કૂલમાં ભણવા જતાં હતાં. ચાઈબાસામાં જર્મન મિશનરી સ્કૂલ આવેલ હતી. અહીં ઉચ્ચ પ્રાથમિક શિક્ષણની સુવિધા હતી. ઈ.સ. ૧૮૮૬માં આ વિસ્તારના કેટલાક વિદ્યાર્થીઓ દાખલ થયા તેમાં બિરસા પણ હતા. તેમની સાથે લાંડીરુઈના યોકન્નાનો દીકરો અભિરામ, કુંડારીના દાઉદ પ્રચારકનો પુત્ર ઈસાક વગેરે હતા. બિરસાને ભણવું હતું. પણ પરદેશીઓની વર્તણૂક સામે ભારે સૂગ હતી. બિરસા ચાઈબાસામાં ૧૮૮૬થી ૧૮૯૦ સુધી રહ્યા. આ એમના વ્યક્તિત્વનો ઘડતર કાળ હતો.
આ સમયે જર્મન, લૂથરન અને રોમન કેથલિક ખિસ્તીઓના ભૂમિ આંદોલન ચાલી રહ્યા હતા. ચાઈબાસા આ પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. બિરસા બધી પ્રવૃત્તિઓથી અજાણ પણ નહોતા. આ બધી પ્રવૃત્તિઓમાં એમના મિત્રો પણ સામેલ હતા. એક દિવસ ચાઈબાસામાં મિશન સ્કૂલમાં ઉપદેશ આપતાં ડૉ. નૌટ્રીટે સ્વર્ગના રાજ્યના સિધ્ધાંતો ઉપર પ્રકાશ પાડ્યો. સાંભળનાર બિરસા પણ હતો. ડૉ. નૌટ્રીટે એમ પણ કહ્યું કે, જે લોકો ખ્રિસ્તી બન્યા છે, તેઓ સાચા દિલથી ખ્રિસ્તી બની રહેશે તો મારું વચન છે કે, તેમની ગયેલી જમીનો હું શાહુકારો અને જમીનદારો પાસેથી જરૂર પરત અપાવીશ. ઉપરાંત આર્થિક અને સામાજિક સ્થિતિમાં સુધારો કરશે તેવું વચન આપતા.
બિરસાએ ધ્યાન આપ્યું અને આ વાત યાદ રાખી લીધી ઈ.સ. ૧૮૮૬-૮૭માં ચાઈબાસાના મિશનરીઓ અને જમીનદારો તથા સ્થાનિક સરદારો સાથેના સંબંધો બગડ્યા ત્યારે મિશનરીઓએ જમીનદારો અને ઠાકુરોને દગલબાજ અને લુચ્ચા કહેવાનું શરૂ કર્યું. આમ થવાનું કારણ મુખ્યત્વે ભૂમિ આંદોલન હતું. નૌટ્રીટ અને મિશનરીઓની આ વાત ગમી નહિ. બિરસાને ડૉ. નૌટ્રીટ અને મિશનરીની વાતો ગમી નહીં એટલે વિરોધ કર્યો. તેમણે બિરસાને પોતાની સ્કૂલમાંથી બરતરફ કર્યો. આ લડાઈની પહેલી ઘટના હતી. બિરસાના જીવનનો નવો વળાંક હતો. બિરસાનું જીવન અહીંથી નવી દિશા તરફ વળે છે. બિરસા અને એમના પરિવારે ચાઈબાસ ૧૮૯૦માં છોડી દીધું. સાથે સાથે તેમના પરિવારે જર્મન ખ્રિસ્તી મિશનરીઓના અંગીકાર કરેલા ખ્રિસ્તી ધર્મને પણ છોડી દીધો. ખ્રિસ્તીધર્મને રામ રામ કરી તેમણે હિંદુ-મુંડા ધર્મનો-પોતાના સ્વધર્મનો પુન: સ્વીકાર કરી લીધો. તેમનો પરિવાર પોતાના મૂળ ધર્મના પ્રવાહમાં જોડાઈ ગયો.
શરૂઆતમાં બિરસાને મિશનરીઓએ અંગ્રેજી પધ્ધતિ પ્રમાણે ઘડતર કરવા પ્રયાસ કરેલો. છાત્રાલયના છાત્રોને ગૌમાંસ આપવામાં આવતું. બિરસાએ એનો વિરોધ કરેલો. ગાય તો અમારી માતા છે. કહીને તેમણે સૂકો રોટલો ખાધેલો. મિશનરીઓના ચડાવવાથી મિશન સ્કૂલના વિદ્યાર્થીઓએે બિરસાની ચોટલી કાપી લીધેલી. આ બધી ઘટનાઓથી બિરસા મિશનરીઓ અને અંગ્રેજોની વિરુદ્ધ થઈ ગયા હતા. ૧૮૯૧માં તેઓ બંદગામ ગયા.
મિશનરીઓએ આદિવાસીઓને પોતાના શબ્દોની જાળમાં ફસાવીને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા હતા. જો કે તેઓ આદિવાસીઓને જમીનદારોના ચુંગાલમાંથી મુક્ત કરવાની વાત કરતા હતા પરંતુ વાસ્તવમાં તેઓ પણ જમીનદારોની જેમ તેમના શોષક સાબિત થયા હતા. એક તરફ જમીનદારો આદિવાસીઓનું આર્થિક શોષણ કરી રહ્યા હતા તો બીજી તરફ મિશનરીઓ તેમના માનસિક અને ધાર્મિક શોષણમાં સામેલ હતા. તેમનો ધ્યેય ભારતના ગરીબ અને અસહાય વર્ગને કોઈપણ રીતે ખ્રિસ્તી બનાવવાનો હતો. આ માટે અનેક અસત્ય અને લાલચ આપતા, પરંતુ તેમનો ભ્રમ લાંબો સમય ટકી શક્યો નહીં. ધીમે ધીમે લોકો તેના ઉદેશ્ય સમજી ગયા. પરિણામે મુંડા સરદારોએ મિશનરીઓની ઉપેક્ષા કરવાનું શરૂ કર્યું. લાલચને છોડીને તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવવાની ના પાડી. ટૂંક સમયમાં જ મુંડા સરદારોએ મિશનરીઓ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. આ ચળવળનું કામ કરવા લાગી.
આદિવાસીઓ સદીઓથી તેમના અસ્તિત્વ અને અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યા હતા. જમીનદારો સામેનો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો ત્યારે આદિવાસીઓએ એક થઈને તેમનો વિરોધ કર્યો. ઐતિહાસિક તથ્યો અનુસાર આદિવાસીઓનું પ્રથમ આંદોલન ૧૭૭૯ થી ૧૮૨૯ સુધી ચાલ્યું હતું. જેને ‘કોલ વિદ્રોહ’ તરીકે ઓળખવામાં આવે છે. આ ચળવળમાં તમામ આદિવાસી જાતિઓએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો. જમીનદારો તેમની ગેરિલા યુદ્ધ પદ્ધતિ સામે લાચાર બન્યા અને ત્યાંથી ભાગી ગયા, પરંતુ આ સફળતા લાંબો સમય ટકી નહીં. ધીમે ધીમે આદિવાસીઓ વચ્ચે મતભેદો ઊભા થયા અને તેઓ વિખરાયેલા અને અલગ પડી ગયા. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને જમીનમાલિકોએ ફરીથી ત્રાસ આપવાનું શરૂ કર્યું. ૧૮૨૯ થી ૧૮૫૯ નો સમયગાળો આદિવાસીઓ માટે અંધકારમય કાળ જેવો હતો. આ દરમિયાન જમીનદારોએ તેમનું ઘણું શોષણ કર્યું. આ કામમાં અંગ્રેજ સરકાર પણ તેમની સાથે હતી. આના પરિણામે આદિવાસીઓએ આંદોલન શરૂ કર્યું.જે જમીર આંદોલન તરીકે
પ્રખ્યાત થયું. આ આંદોલન ૧૮૫૯ થી ૧૮૮૧ સુધી ચાલ્યું. સમગ્ર આદિવાસી સમાજ આ આંદોલનની આગમાં ભસ્મીભૂત થવા તૈયાર હતો. આમાં માત્ર પુરૂષો જ નહીં, પરંતુ મહિલાઓએ પણ મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આ આંદોલનમાં લગભગ ૩૦ હજાર આદિવાસીઓ માર્યા ગયા હતા. આ ઘટના ૩૦ જૂન, ૧૮૫૫ના રોજ બની હતી, જેને આજે પણ
‘શહીદ દિવસ’ અને ‘સ્વર્ણ રેખા દિવસ’ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૧૮૮૨માં આદિવાસીઓએ ખંડ વિદ્રોહ કર્યો.
૧૮૬૨ માં આદિવાસીઓએ ખંડમાં બળવો કર્યો. સરકાર આ હિલચાલથી પરેશાન હતી. તેથી તેણે જમીનદારોને તેમની જમીનો પાછી આપવાનો આદેશ પસાર કર્યો, પરંતુ જમીનદારો અત્યંત કપટી અને તાનાશાહી હતા. તેણે સરકારને પોતાની તરફ લલચાવી. પરિણામે આ આંદોલનને ખરાબ રીતે કચડી નાખવામાં પ્રયત્ન અને સખત ત્રાસ આપવાનું શરૂ કર્યું.
આદિવાસીઓની સામાજિક અને આર્થિક સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જતી હતી. અથાક મહેનત કર્યા પછી ન પૂરતું ભોજન મળતું કે ન તો તેની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો હતો. જમીનદારોના પગ નીચે તેમના ઘરનું માન કચડાઈ રહ્યું હતું. જમીનદારોએ તેમની જમીનો પહેલેથી જ પોતાના કબજામાં લઈ લીધી હતી. તેથી તેમની પાસે તેમની ગુલામી સિવાય અસ્તિત્વનું કોઈ સાધન નહોતું. એ વખતે એમના દુ:ખ અને દર્દને સમજી શકે એવું કોઈ નહોતું એમના કલ્યાણ માટે કોઈ નક્કર પગલું ભર્યું હોત.
બિરસાએ શરૂ કરેલી ચળવળ સૌ પ્રથમ ધાર્મિક હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ખ્રિસ્તી મિશનરીઓ સામે એકજૂટ કરવાનો અને હિંદુ ધર્મની રક્ષા કરવાનો હતો. સ્વાર્થ, લોભ, હિંસા વગેરે માટે કોઈ સ્થાન ન હતું. આ જ કારણ હતું કે આંદોલન શરૂ થતાં જ બિરસાની ભક્તિ થવા લાગી.
બિરસા આંદોલન આદિવાસીઓની પ્રગતિ અને અધિકારો વિશે હતું જ્યારે મુંડા સરદારોનું ‘સરદાર ચળવળ’ જમીન સાથે સંબંધિત હતું. જુદા જુદા હેતુઓ હોવા છતાં બંને ચળવળો એકબીજાની પૂરક હતી. આદિવાસીઓની સામાજિક અને આર્થિક દુર્દશાનું મુખ્ય કારણ ભૂમિહીનતા હતી. તેઓએ જંગલ કાપીને ખેતી માટે જે જમીન તૈયાર કરી હતી. તે જમીન માલિકોએ સરકાર સાથે કરાર કરીને તેમની સત્તા હેઠળ લઈ લીધી હતી. આદિવાસીઓ એ જમીન પર અથાક મહેનત કરતા હતા, પરંતુ તેમાંથી મળતો નફો જમીનદારોની તિજોરીમાં બંધ થઈ જતો હતો. તેથી જ્યાં સુધી તેઓને તેમની જમીન પાછી ન મળે ત્યાં સુધી તેમની પ્રગતિ અશક્ય હતી. બીજી તરફ મુંડા સરદારો પણ બિરસાના નેતૃત્વમાં આંદોલન કરવા સંમત થયા. તેથી બિરસાએ તેની સાથે કદમથી ચાલવાનું નક્કી કર્યું. આંદોલન દબાવી દેવાના પ્રયત્ન થયા અને બિરસા પર કેસ ચલાવી ૧૮૯૫માં ધરપકડ કરી તેમણે બે વર્ષની સજા કરવામાં આવી બે વર્ષ બાદ ૩૦ નવેમ્બર ૧૮૯૭માં છોડી મુકવામાં આવ્યા. ૧૮૯૮માં તેઓ ધાર્મિક યાત્રાઓ કરી અને ગુપ્ત બેઠકો લેતા હતા.
અંગ્રેજ સરકારે બિરસા અને તેમના સાથીઓના સાચા ઉદ્દેશ્યનો ખોટો અર્થ કર્યો હતો. એમને ઉપદ્રવીની વ્યાખ્યા અંતર્ગત દોષી માની લેવાયા હતા. કાયદાની ભાષામાં એમને મૂલવવાની વાત યોગ્ય પણ હતી. કારણકે તેઓ રાજ કરવા આવેલા હતા. જ્યારે બિરસા એમના રાજને ફગાવી દેવા માગતા હતા.
બિરસા અને એમના અનુયાયીઓએ વિદ્રોહ માટેનો દિવસ નક્કી કરી લીધો હતો. આ દિવસ હતો ખ્રિસ્તીઓના બડા દિવસ ક્રિસમસના આગળનો દિવસ. ૨૪ ડિસેમ્બર ૧૮૯૯ દિવસ નક્કી થયો. ૧૮૯૯ના અંતિમ દિવસોમાં બ્રિટિશ સરકારને સમાચાર અને માહિતિ મળી કે, બિરસા પ્રગટ થવાની તૈયારીમાં છે. રાંચીના ડેપ્યુટી પોલીસ કમિશ્ર્નરે તરત જ એક મુંડારી ભાષાના જાણકાર પોલીસ ઈન્સ્પેક્ટરને અને કેટલાક પોલીસના જવાનોને છુપાવેશમાં બિરસાની ગતિવિધિઓ જાણાવા મોકલી દીધા. જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને પણ નિયુક્ત કર્યા કે જેથી તેઓ સ્થાનિક રીતે સાવધાની રાખીને તપાસ કરે. અને માહિતી એકત્રિત કરે. પછીથી ડોમરી પહાડ થી દૂર સઈલ રકબ પહાડી પર આદિવાસીઓ એકત્ર થયા અને અંગ્રેજ સરકારને જાણ થતા જ તેમની ધરપકડ કરવામાં આવી. સાથે જ બિરસાની ધરપકડ માટે રૂ ૫૦૦-નું ઇનામ જાહેર કરવામાં આવ્યું..
૯મી જાન્યુઆરી ૧૯૦૦ના દિવસે ડોમરી પહાડ પર એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું. હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા. તત્કાલીન અગ્રેજ કમિશ્ર્નર સ્ટ્રીટફિલ્ડના હુકમથી પહાડીને ઘેરી લેવામાં આવી. અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. અસંખ્ય લોકોના મૃત્યુ થયાં. જલિયાંવાલા બાગથી પણ વધારે ભયાનક આ હત્યાકાંડ હતો. બિરસા આ હત્યાકાંડમાંથી બચી ગયા..
છેવટે ૩જી ફેબ્રુઆરી ૧૯૦૦ના દિવસે જાણભેદુ તથા ગુપ્તચરોની મદદથી બિરસાને જીંદગામમાંથી પકડીને રાંચિની જેલમાં મોકલી દેવાયા હતા. ૯, જૂન ૧૯૦૦ના દિવસે રહસ્યમય રીતે તેમનું મૃત્યુ થયું. જેલ સત્તાવાળાઓએ જાહેર કર્યું કે તેમને કોલેરા થયો હતો, પરંતુ લોકધારણા મુજબ તેમને ઝેર આપીને મારી નખાયા હતા. જે ઈસાઈ મિશનરીઓના વિરોધમાં શતાબ્દી પહેલાં બિરસા ભગવાને અવાજ ઉઠાવ્યો હતો તેમના દ્વારા ધર્માન્તરણના ષડ્યંત્ર અને છળકપટ આજે પણ ચાલે છે. જેને રોકવા માટે બિરસા મુંડા જેવા નરવીરોની જરૂર છે.
તું મેં એક્ટ – બિરસામુંડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular