Homeવીકએન્ડકુદરત-સંલગ્ન (Biophilic) સ્થાપત્ય

કુદરત-સંલગ્ન (Biophilic) સ્થાપત્ય

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા

નવાં નવાં શબ્દો, નવીન વાત છે. તેમ સાબિત કરવાનાં પ્રયત્નો અને તે માટે જોરશોરથી વગાડાતાં વાજાં-આ એક પ્રથા પ્રચલિત થતી જાય છે. આવી જ એક બાબત સ્થાપત્યના ક્ષેત્રમાં આજકલ ચર્ચામાં છે. તે છે બાયોફિલિક અર્થાત કુદરત સાથે સંકળાયેલું-કુદરત-સંલગ્ન સ્થાપત્ય. બાયોફિલિક એટલે બાયોફિલિઆ સાથે સંકળાયેલું છે. એક અર્થમાં જોતાં આ શબ્દનો સાર એવો નીકળે છે કે “વિશ્ર્વમાં જીવનની શરૂઆત તથા વિકાસ સાથે સંકળાયેલું વાત બહુ મોટી છે. ઉદ્દેશ્ય પણ પ્રશંસનીય છે. પરિણામ આવવાનું બાકી છે.
અહીં વપરાશકર્તાને કુદરતની વધુ નજીક લાવવાનો પ્રયત્ન કરાય છે. જાણે વાતાવરણ તથા કુદરતનાં વિવિધ પાસાંઓ સાથે વ્યક્તિને રૂબરૂ કરાય છે. આ માટે ચોક્કસ પ્રકારની “ટુલકીટ-સાધન સામગ્રી વિકસાવવામાં આવી છે. મકાનની અંદર કુદરતી પ્રકાશ-તડકો-છાંયડો આવવા દેવો, મકાનના અંદરના ભાગે પણ ઝાડપાન-છોડ-વેલ- ઉગી શકે તેવી વ્યવસ્થા રાખવી, દીવાલોને પણ વેલ-આચ્છાદિત બનાવવી, મકાનના આંતરિક ભાગમાં પાણીનાં વિવિધ પ્રમાણ માપવાળા કુંડનું આયોજન કરવું મકાનની અંદર જ કંઇક અંશે અનિયંત્રિત લાગે તેવી લીલોતરી ઉગાડવી, બાંધકામમાં નજરે ચઢે તેવી જગ્યાઓએ ખાસ-કુદરતી સામગ્રીનો ઉપયોગ કરવો, મકાનમાં કુદરતી, હવા-પવનના પ્રવેશની સંભાવનાઓ વધારવી, કુદરતના ઉત્સવીય અંગોને મકાન થકી જાણે આલિંગન અપાતું હોય તેવો ભાવ રચનાના પ્રકારથી સ્થાપિત કરવો, કુદરતી જણાય તેવાં રંગોનો વ્યૂહાત્મક ઉપયોગ કરવો, ઉપકરણોનાં ઉપયોગ વગર મકાનની અંદરનું તાપમાન યોગ્ય સ્તરે જળવાઇ રહે તેવું આયોજન કરવું, કુદરતમાં જોવા મળતાં આકારો-ભાત-પેટર્ન ગોઠવણને વધુ સાંદર્ભિક રીતે પ્રયોજવાં, પર્યાવરણ-કુદરતના સ્થાનિક પરિબળોને હકારાત્મકતાથી સંમ્મેલિત કરવા: આ અને આવી બાબતોથી મકાનની રચનાને વધુ કુદરત-સંલગ્ન બનાવાય છે.
આમ કરવાથી મકાનનો અંગારપાદ-ચિહ્ન-કાર્બન ફૂટ પ્રિન્ટ ઓછી થવાની સંભાવના રહે છે. પણ તે કેટલી અસરકારકતાથી ઓછી થાય છે તે માટે કોઇ ચોક્કસ આંકડા પ્રાપ્ત નથી. અહીં કુદરત સાથે જોડાવાની માનવીની તત્પરતા માટેની લાગણીને ન્યાય અપાતો હોય તેમ લાગે છે. પણ તે ન્યાયની માત્રા, પ્રકાર તથા હેતુ માટે હજુ ચોક્કસ તારણો નીકળ્યાં નથી. અહીં માનસિક શાંતિની વાત થતી હોય છે, જે ક્યાંક કારગત પણ નીવડે છે. આજુબાજુ રહેલી કુદરતી પરિસ્થિતિ માનસિક તંદુરસ્તી માટે મદદગાર થઇ શકે. જોવાનું એ છે કે માનસિક અશાંતિ સર્જનાર પરિસ્થિતિને જુદા જ પરિપ્રેક્ષ્યમાં નિયંત્રિત રાખવાનો પ્રયત્ન કરાય છે કે કુદરત સાથે જોડાવાથી શારીરિક ફાયદા પણ થતાં હોય છે. માત્ર તેની માત્રા સમજવાની જરૂર છે.
કુદરત-સંલગ્ન સ્થાપત્ય આમ સરળ લાગે પણ રચનાકીય પાસાં જોતાં તેમ જણાતું નથી. તેની પણ પોતાની જટીલતા છે. કુદરત પ્રત્યેનો લગાવ એક બાબત છે અને આર્થિક સમીકરણો બીજી બાબત છે. શું આ પ્રકારની રચના સમાજના પ્રત્યેક વર્ગને અનુલક્ષીને હોઇ શકે! અત્યારસુધીના પ્રાપ્ય ઉદાહરણો પરથી તો એમ જણાય છે કે કુદરતથી વિમુખ થતો વર્ગ-અને તે પણ પોતાની સંપન્નતાના માપદંડને કારણે-આ પ્રકારે કુદરત સાથે ‘નિયંત્રિત’ રીતે જોડાવાની ચેષ્ટા કરે છે, જે વ્યક્તિ કુદરત સાથે લાગણીથી જોડાયેલી છે તેની માટે આવાં બાહ્ય પ્રયાસો જરૂરી નથી. તેઓની જીવનશૈલીમાં જ કુદરત વણાઇ જાય છે. અને જે લોકો માટે ‘આશરો’ જ મહત્ત્વનો છે તે વર્ગ બીજી લાગણીઓથી પોતાને અલગ જ રાખવી જરૂરી ગણે છે. જયાં બાંધકામનું ક્ષેત્રફાળ જ જરૂરી માત્રામાં ઉપલબ્ધ ન હોય ત્યાં ઝાડ-પાણી માટે એક ‘ઓરડો’ કેવી રીતે ફાળવી શકાય!
કુદરત-સંલગ્ન સ્થાપત્યમાં કયાંક અંદર-બહારની રેખાને લુપ્ત કરવાનો પ્રયત્ન કરાય છે. આપણા પરંપરાગત રહેણાંકના સ્થાપત્યમાં આ બાબત સામાન્ય હતી. કુદરત-સંલગ્ન સ્થાપત્યમાં મકાનની અંદરના ભાગમાં આકાશ સુધી ખુલ્લો વિચાર રચવામાં આવે છે. આ પ્રકારની રચના પણ આપણા પરંપરાગત આવાસમાં ચોકના નામે પ્રખ્યાત હતી; જયાંથી હવા-ઉજાસ સાથે વરસાદનું પાણી પણ પ્રવેશતું જેનો સંગ્રહ ટાંકાંમાં કરી આખું વરસ તે પીવા માટે વપરાતું. પરંપરાગત આવાસમાં હવામાનનાં વિપરિત પરિબળો સામે પણ પરોક્ષ રીતે રક્ષણ મળી રહેતું. ઘરનાં આંગણમાં આસોપાલવ કે લીમડો વાવી તે સ્થળના તાપમાનને નિયંત્રિત કરાતું. મકાનના ખુલ્લાપણાંથી પણ હવા-ઉજાસની માત્રા ઇચ્છનીય સ્તરે જળવાતી. અને આ બધું સ્થાનિક આબોહવાને અનુરૂપ રહેતું. આપણું પરંપરાગત સ્થાપત્ય જ નહીં આપણું તો જીવન જ કુદરત-સંલગ્ન રહ્યું છે.
કુદરતને આપણે સ્વીકારી છે-આવકારી છે-ગ્રહણ કરી છે-સન્માનિત કરી છે અનુસરી છે – પામી છે યથાયોગ્ય માની છે અને તેને સર્વદા હિતકારી તથા ઇચ્છનીય ગણી તેની પૂજા પણ કરી છે.
આ નવી ઊભરેલી સ્થાપત્યની બાયોફિલિક શૈલી ક્યાંક આપણને એમ જણાવવા માગે છે કે આપણી સંસ્કૃતિમાં જે મૂલ્યો અનુસરાતાં તે આજે પણ અનુસરવાં યોગ્ય-એટલાં જ સાંદર્ભિક અને એટલાં જ યથાર્થ છે. જોકે આજના સમયે આ નવી વાત-નવી શૈલી-નવી ફેશન ગણાય છે. પણ આ શૈલીની એક મુખ્ય ઊણપ-આજના સ્થાપત્યમાં એ છે કે મકાનને જેમનું તેમ જ બનાવી વચ્ચે એક ‘કૂંડું’ કે પાણીનો ‘ડબ્બો’ મૂકી તેને કુદરત-સંલગ્ની માની લેવાય છે. મકાન વધુ અસરકારક રીતે તથા પરિણામલક્ષી બનીને કુદરત સાથે સંલગ્ન થાય તે
જરૂરી છે.

RELATED ARTICLES

Most Popular