(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોવિડ મહામારી દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાની શાળા સહિત ઑફિસોમાં હાજરી માટેના બાયોમેટ્રિક મશીન્સ બંધ કરવામાં આવ્યા હતા. હવે જોકે ફરી એક વખત શિક્ષકો સહિતના અન્ય શૈક્ષણિક કર્મચારીઓને હાજરી પૂરાવવા માટે બાયોમેટ્રિક મશીન બેસાડવામાં આવવાના છે. તે માટે લગભગ ૩૬૮ જેટલા મશીન ખરીદવામાં આવવાના છે.
મુંબઈ મહાનગરપાલિકાની શાળાઓ અને શિક્ષણ વિભાગની ઑફિસોમાં બેસાડવામાં આવેલા બાયોમેટ્રિક મશીનની જાળવણીનો કૉન્ટ્રેક્ટ પૂરો થઈ ગયો છે. કોવિડ કાળ દરમિયાન આ મશીનનો ઉપયોગ થઈ શક્યો નહોતો. તેથી તમામ મશીન બગડી ગયા છે. તેમ જ આ મશીનની જાળવણીનો કૉન્ટ્રેક્ટ પર પૂરો થયો છે, તેથી પાલિકાએ તમામ ઠેકાણે નવેસરથી બાયોમેટ્રિક મશીન બેસાડવા માટે મશીન ખરીદવાનો નિર્ણય લીધો છે.
પાલિકાના શિક્ષણ વિભાગની ભાયખલા ઈ-વોર્ડ, વડાલા-સાયન એફ-ઉત્તર વોર્ડ, પરેલ-શિવડી એફ-દક્ષિણ વોર્ડ, વરલી જી-દક્ષિણ વોર્ડ, બાંદરાથી સાંતાક્રુઝ (પૂર્વ) એચ-પૂર્વ વોર્ડ, ચેંબૂર એમ-પશ્ર્ચિમ વોર્ડ, અંધેરીથી જોગેશ્ર્વરી કે પશ્ર્ચિમ વોર્ડ, મલાડ-પી ઉત્તર વોર્ડ, કાંદિવલી આર-દક્ષિણ, દહિસર આર-દક્ષિણ, ગોવંડી, દેવનાર એમ-પૂર્વ વોર્ડ મુલુંડ-ટી વોર્ડ વગેરે વોર્ડ માટે સરેરાશ ૨૦થી ૨૫ મશીન પ્રમાણે લગભગ ૨૬૮ મશીન ખરીદવામાં આવવાના છે.
આ મશીન માટે પાલિકા લગભગ એક કરોડ ૨૭ લાખ ૧૨ હજાર રૂપિયાનો ખર્ચ કરવાની છે. એક મશીનની ખરીદી માટે ૨૯,૭૮૬ રૂપિયા ખર્ચવાની છે.