Homeલાડકીબિંદી લગાઉં યા ના લગાઉં મેરી મરઝી...!

બિંદી લગાઉં યા ના લગાઉં મેરી મરઝી…!

પ્રાસંગિક -દર્શના વિસરિયા

મહિલાએ કુમકુમનો ચાંદલો કરવો કે નહીં એક માત્ર હિંદુ મહિલાઓ જ કુમકુમનો ચાંદલો કે ટિકલી લગાવે છે? વિધવા મહિલા જો કુમકુમનો ચાંદલો કરે તો પણ ક્યાં કોઈનું કંઈ બગડે છે? આ અને આવા અનેક પ્રશ્ર્નો મહિલાઓ સોશિયલ મીડિયા પર તેમ જ જ્યાં મંચ મળે ત્યાં પૂછી રહી છે. કોઈ કહે છે કે કુમકુમનો ચાંદલો, ટિકલી, બિંદી વગેરે હિંદુ ધર્મનું પ્રતીક છે તો કોઈ પાછું એવું બોલે છે આવું જરાય નથી. વળી કોઈ એવું પણ બોલે છે કે જો અમારે ચાંદલો કરવો હશે તો જ કરીશું. એક ચપટી કુમકુમ પર આટલી લાંબી લાંબી ચર્ચા કેમ થાય છે અને કુમકુમ કે ચાંદલો લગાવ્યો છે કે નહીં એના પરથી કોઈ મહિલાનું કેરેક્ટર કઈ રીતે નક્કી થઈ શકે?
હવે તમને થશે કે આ વાદ-વિવાદ અત્યારે થવાનું કારણ શું તો આ આખા વિવાદની શરૂઆત થઈ એક પ્રતિષ્ઠિત ફેશન બ્રાન્ડની જાહેરાત પરથી. આ બ્રાન્ડ દ્વારા પોતાના એક સ્પેશિયલ કલેક્શનને ઉર્દૂ નામ આપવામાં આવ્યું, જે કેટલાક હિંદુત્ત્વવાદી વિચારધારા ધરાવનારા સોશિયલ મીડિયા યુઝર્સને ખટકી ગયું, કારણ કે તેમનું એવું માનવું છે કે ઉર્દૂ એ મુસ્લિમોની ભાષા છે. બ્રાન્ડ દ્વારા જાહેરાતને પાછી ખેંચી લેવામાં આવી, પણ વિવાદ ત્યાં જ શાંત પડ્યો નહીં. કેટલાક ખણખોદિયા નેટિઝન્સે એવું શોધી કાઢ્યું કે જાહેરાતમાં દેખાનારી મોડેલ્સે પારંપારિક વેશ તો ધારણ કર્યો છે, પણ ચાંદલો લગાવ્યો નથી. એટલે આ હિંદુ તહેવારની જાહેરાત હોઈ જ ના શકે, એવી ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી થવા લાગી. મહિલાઓનું અસ્તિત્ત્વ કુમકુમ લગાવવાથી જ પરિપૂર્ણ થાય છે કે? આ બધી બાબતો પુરુષો અને પુરુષપ્રધાન સમાજ કેમ નક્કી કરે છે એવો સૂર પણ સંભળાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ટિકલીનો વિવાદ એટલો બધો ચાલ્યો કે ‘નો બિંદી નો બિઝનેસ’ હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યો.
મહિલાઓ માટે કામ કરતાં એક પ્રખ્યાત સમાજસેવિકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે આ વિવાદ મહિલાઓએ ચાંદલો લગાવવો કે નહીં એનો નથી, પણ કોઈ બ્રાન્ડ હિંદુ વાર-તહેવાર માટે પ્રોડક્ટ લૉન્ચ કરે છે પણ લૉન્ચની પ્રક્રિયામાં તે હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડે છે. જો હિંદુઓ પાસેથી પૈસો, બિઝનેસ જોઈએ છે તો હિંદુઓ અને હિંદુઓની લાગણીનો આદર કરવો જ પડશે.
બસ પોસ્ટ પછી તો સોશિયલ મીડિયા યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા. મહિલાઓએ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે હું ચાંદલો લગાવું છું કે નહીં એ પરથી હું હિંદુ છું કે નહીં એ નક્કી કરી શકાય નહીં. કેટલીક મહિલાઓએ એવું પણ લખ્યું કે અમે લોકો મોટાભાગે ચાંદલો નથી લગાવતા, પણ જ્યારે પણ લગાવીએ છીએ ત્યારે એક જ કારણસર ચાંદલો કરીએ છીએ, કારણ કે તે અમને પસંદ છે. એક ચાંદલો અમારી રાષ્ટ્રીય નાગરિકતા કે ધર્મ કેવી રીતે નક્કી કરી શકે?
આજના આધુનિક સમયમાં કુમકુમ એ ધર્મ કરતાં ફેશનનું માધ્યમ વધુ બની ચૂક્યું છે. વારે-તહેવારે પોતાની બંગાળી, મરાઠી જેવી ઓળખ દેખાડવા માટે કુમકુમ, ચંદ્રાકાર ચાંદલો ચોક્કસ કરે છે. આપણે ત્યાં ચાંદલાને સૌભાગ્ય સાથે જોડીને પણ જોવામાં આવે છે. સમય બદલાયો તેમ તેમ કુમકુમ અને પતિ વિષયના વિચારોમાં પણ પરિવર્તન આવ્યું છે. પતિનું મૃત્યુ થઈ ગયું હોય એવી મહિલાઓ પણ ચાંદલો લગાવે છે. પણ આ કુમકુમ વિશે કોઈ પણ પ્રકારની સખ્તાઈ મહિલાઓ પર લાદવામાં આવે તે જરા પણ યોગ્ય નથી, એવું મહિલાઓનું માનવું છે.
અત્યારની જનરેશનની કેટલીય યુવતી-કિશોરીઓ લગ્ન-પ્રસંગે કે પછી વારે-તહેવારે બસ એક નાનકડી ટિકલી લગાવે છે, જે સમાજે માન્ય કર્યું છે. પણ આજકાલ આ વસ્તુને બળજબરીપૂર્વક મહિલાઓ પર થોપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સાંસ્કૃતિક ઓળખ તરીકે આ બાબત મહિલાઓ પર બળજબરીપૂર્વક લાદવાનો પ્રયત્ન ખરેખર ચિંતાજનક છે.
કોઈ એકાદ મહિલા ટિકલી લગાવે છે કે નહીં તે પરથી તે પોતાના ધર્મનો આદર કે અનાદર કરે છે એ બાબત કોઈ બીજી વ્યક્તિ કેવી રીતે નક્કી કરી શકે? એક પ્રખ્યાત સમાજસેવિકા કહી ગયા છે કે જ્યારે મહિલાઓ વિચાર કરવા લાગશે ત્યારે માણસ તરીકે જીવવાનું શરૂ કરશે અને માણસ તરીકે જીવવું એટલે વિચાર કરી કરીને જીવવું અને ત્યારે જ તેઓ આગળ વધી શકશે.
એવું નથી કે ચાંદલાનો આ વિવાદ માત્ર ભારતમાં જ થઈ રહ્યો છે, પાકિસ્તાન સહિત દુનિયાભરમાં સુદ્ધા આ મુદ્દે વિવાદ છેડાઈ ચૂક્યો છે. દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં અનેક મહિલાઓ કુમકુમ લગાવે છે. બાંગ્લાદેશમાં તો પોહેલા બૈશાખ એટલે કે બંગાળી નવા વર્ષની ઊજવણી દરમિયાન અનેક મુસ્લિમ મહિલાઓ પણ કુમકુમ લગાવે છે. આનું કારણ એટલું જ મોટું અને આંખે ઊડીને દેખાય એવો મોટો કુમકુમનો ચાંદલો કરવાને ત્યાં ધર્મ સાથે નહીં પણ બંગાળી હોવા સાથે જોડવામાં આવે છે. પાકિસ્તાનમાં ચાંદલો કર્યો એટલે સનમ બલોચ, હિના આગા જેવી સેલિબ્રિટીઝને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો, પણ એ સમયે પણ એમના સમર્થનમાં અનેક લોકો આવીને ઊભા રહ્યા.
ટૂંકમાં આટલી લાંબી ચર્ચાનો સાર તો એવો જ નીકળે છે કે મહિલાઓએ ચાંદલો લગાવવો કે નહીં એ નક્કી કરવાનો અધિકાર સંપૂર્ણપણે મહિલાઓના આધિન જ છે. અન્ય કોઈ પણ વ્યક્તિ બળજબરીપૂર્વક તેમને પોતાનો નિર્ણય બદલવા માટેની ફરજ પાડી શકે નહીં..

RELATED ARTICLES

Most Popular