બિલકિસ કેસ, બળાત્કારીઓનું સન્માન કઈ હિંદુ સંસ્કૃતિ છે?

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણો વખતે સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી લીમખેડાની યુવતી બિલકિસ બાનોના બળાત્કારીઓને છોડી મૂકવાનો કેસ અંતે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ કેસમાં દોષિતોને ગુજરાત સરકારે છોડી મૂક્યા તેની સામે થયેલી અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે.
ગોધરાકાંડ પછી બનેલા ૨૦૦૨ના બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં તમામ ૧૧ દોષિતને ૨૦૦૮માં સીબીઆઈની વિશેષ અદાલતે આજીવન કેદની સજા સંભળાવી હતી. આ બધા ૨૦૦૪થી જેલમાં હતા પણ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ગુજરાત સરકારે તમામને આજીવન કેદને બદલે ૧૫ વર્ષની સજા પૂરી થવાના આધારે મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયનો અમલ કરીને તમામ ૧૧ દોષિતોને ૧૫ ઑગસ્ટના રોજ ગોધરા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
ગુજરાત સરકારે રિમિશન એટલે કે માફીની નીતિ હેઠળ તમામ ૧૧ બળાત્કારીને મુક્ત કર્યા છે. સીઆરપીસીની કલમ ૪૩૩ અને ૪૩૩અ હેઠળ રાજ્ય સરકાર કોઈપણ દોષિતની મૃત્યુદંડને અન્ય કોઈ સજામાં બદલી શકે છે. એ જ રીતે ૧૪ વર્ષની કેદ પૂરી થયા બાદ આજીવન કેદની સજા પણ માફ કરી શકાય છે. રાજ્ય સરકાર આકરી કેદની સજાને સાદી જેલ અથવા દંડ અને સાદી કેદને માત્ર દંડમાં બદલી શકે છે. રાજ્યોને અપાયેલા આ અધિકારને રિમિશન પોલિસી કહેવામાં આવે છે. ગુજરાત સરકારે પોતાના અધિકારનો ઉપયોગ કરીને ૧૧ બળાત્કારીને મુક્ત કરી દીધા છે.
ગુજરાત સરકારના આ નિર્ણયને સામાજિક કાર્યકર સુભાષિની અલી સહિત ૪ લોકોએ પડકારીને ગુજરાત સરકારના નિર્ણયને રદ કરવાની માગ કરી છે બળાત્કાર જેવા ગંભીર અપરાધમાં દોષિત ઠરેલા લોકોને કઈ રીતે છોડી શકાય એવો મુદ્દો તેમણે ઉપસ્થિત કર્યો છે. અરજીની પ્રાથમિક લસુનાવણીમાં બંને પક્ષને સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટે હવે બે સપ્તાહ પછી સુનાવણી થશે એવી જાહેરાત કરી છે તેથી પખવાડિયાનો ટેબ્લો પડ્યો છે.
એક પખવાડિયા પછી કેન્દ્ર અને ગુજરાત સરકાર શું જવાબ આપશે તેના પર સૌની નજર છે પણ બંનેનો જવાબ શું હશે એ લગભગ નક્કી જ છે કેમ કે રાજ્ય સરકારે પોતે જ આ
નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે તેમાં મૂક સંમતિ આપી છે
કેમ કે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની દિલ્હીના રીમોટ કંટ્રોલથી ચાલતી સરકારમાં પોતાની રીતે કોઈ નિર્ણય લેવાની ક્ષમતા
જ નથી.
મોદી સરકારની આ દોષિતોને છોડવામાં મૂક સંમતિ છે તેનો પુરાવો એ છે કે, મોદી સરકારે જ બળાત્કારીઓને છોડવાની મનાઈ ફરમાવી છે. મોદી સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે કેદીઓને મુક્ત કરવા માટેની માર્ગદર્શક રેખા મોકલી છે. તેમાં સ્પષ્ટપણે લખેલું છે કે, બળાત્કારના કેસમાં દોષિત ઠરેલા કોઈપણ અપરાધી સજા પૂરી કર્યા પહેલાં મુક્ત થવા માટે હકદાર નહીં બને.
બિલકિસ બાનો હત્યા કેસના દોષિતો તો સામૂહિક બળાત્કાર ઉપરાંત હત્યા કેસમાં પણ દોષિત ઠર્યા હતા. આ સંજોગોમાં આ દોષિતો તો કોઈ પણ સંજોગોમાં મુક્ત જ થઈ શકે તેમ નથી. ભૂપેન્દ્ર પટેલ સરકારે નરેન્દ્ર મોદી સરકારે બનાવેલા નિયમની ઐસીતૈસી કરી નાંખી એ મોદી સરકારની મૂક સંમતિ વિના શક્ય નથી જ. તેના પરથી સ્પષ્ટ છે કે, મોદી સરકારની ઈચ્છાથી જ આ બધું થયું છે.
આ સંજોગોમાં કેન્દ્ર કે ગુજરાત સરકારનું વલણ શું હશે તે સ્પષ્ટ છે. ટૂંકમાં તેમની પાસેથી કોઈ આશા નથી પણ સુપ્રીમ કોર્ટ દોષિતોને છોડવાના નિર્ણયને રદ કરે એવી ચોક્કસ આશા છે. આ આશાનો આધાર સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે. ૨૦૧૨ના એક કેસમાં સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહેલું કે, કોર્ટ આજીવન કેદ ફટકારે તેણે જીવનભરની કેદ ભોગવી જ પડે. જસ્ટિસ કે.એસ. રાધાકૃષ્ણન અને મદન બી. લોકુરની બેન્ચે ઓન રેકોર્ડ ઓબ્ઝર્વેશન કરેલું કે, આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને ૧૪ કે ૨૦ વર્ષની જેલની સજા પૂરી થતાં મુક્ત થવાનો અધિકાર છે એવી ખોટી માન્યતા છે.
સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહેલું કે, આજીવન કારાવાસના કેદીને એવો કોઈ અધિકાર નથી. આજીવન કેદ અથવા આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતે જીવનના અંત સુધી જેલમાં રહેવું પડે છે. આજીવન કેદની સજા પૂરી થાય એ પહેલાં દોષિતને સરકાર સીઆરપીસીની કલમ ૪૩૨ હેઠળ માફી આપીને મુક્ત કરી શકે પણ સીઆરપીસીની કલમ ૪૩૩-એ મુજબ, સંબંધિત સરકાર આજીવન કેદની સજાને ઘટાડી શકતી નથી. સુપ્રીમ
કોર્ટ આ ચુકાદાને આધાર બનાવે તો દોષિતો પાછા જેલભેગા થઈ જાય.
સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપશે એ ખબર નથી. એ ચુકાદો આવશે ત્યારે તેની વાત કરીશું પણ બિલકિસ બાનો કેસે ભાજપના નેતાઓની માનસિકતાને છતી કરી દીધી છે. એક સગર્ભા સ્ત્રી પર બળાત્કાર ગુજારનારા બળાત્કારીઓને ભાજપની સરકારે છોડી મૂક્યા ને તેની સામે ભાજપના નેતા ચૂં કે ચાં કરતા નથી એ જોઈને આઘાત લાગે છે.
થોડા સમય પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ માટે કૉંગ્રેસના અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપત્નિ શબ્દ વાપર્યા તેમાં તો ભાજપે આભ તૂટી પડ્યું હોય એવો દેકારો કરી નાંખેલો. ચૌધરીએ કરેલી ગુસ્તાખી સામે ભાજપની મહિલા નેતાઓ તો એટલી ઉગ્ર બની ગયેલી કે રણચંડી જ લાગતી હતી. દેશની મહિલાઓનું અપમાન થઈ ગયું હોવાનો દેકારો તેમણે કરી નાંખેલો.
આજે એક યુવતીના બળાત્કારીઓને તેમની જ સરકારે છોડી મૂક્યા છે ત્યારે એ બધી સન્માનનિય મહિલાઓ ચૂપ છે. શા માટે? બિલકિસ બાનો એક મુસ્લિમ યુવતી છે એટલે ? બળાત્કારીઓ હિંદુ છે એટલા માટે ? વધારે આઘાતજનક એ છે કે, આ બળાત્કારીઓ જંગ જીતીને આવ્યા હોય એમ તેમનાં સન્માન થઈ રહ્યાં છે, મીઠાઈઓ વહેંચાઈ રહી છે ને તેની
સામે પણ ભાજપની સન્માનનિય મહિલાઓ ચૂપ છે, મહાન નેતા ચૂપ છે.
આ ચૂપકીદીનું કારણ શું છે તેનો જવાબ તો ભાજપ જ આપી શકે પણ ભાજપના નેતાઓની ચૂપકીદી શરમજનક છે. એક માત્ર દેવેન્દ્ર ફડણવીશે કહ્યું કે, આ રીતે સન્માન કરવું યોગ્ય નથી કેમ કે દોષિત તો દોષિત જ છે.
ભાજપ હિંદુ સંસ્કૃતિની વાતો કરે છે. આપણે તો અસહાય દ્રૌપદીનાં ચિર પૂરનારા કૃષ્ણની હિંદુ સંસ્કૃતિનો ગર્વ અનુભવતા રહ્યા છીએ પણ બળાત્કારીઓને છોડી મૂકવા, તેમનું સન્માન કરવું એ ક્યા પ્રકારની હિંદુ સંસ્કૃતિ છે એ ખબર નથી.

1 thought on “બિલકિસ કેસ, બળાત્કારીઓનું સન્માન કઈ હિંદુ સંસ્કૃતિ છે?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.