Ahmedabad: વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ગુજરાતભરમાં ફાટી નીકળેલા કોમી રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને ગુજરાત સરકારે મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. 14 વર્ષથી ગોધરા જેલમાં કેદ તમામ દોષિતોને 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના આ નિર્ણયની ચારે તરફથી ટીકા કરવામાં આવી રહી છે.

દોષિતોને મીઠાઈ ખવડાવી સ્વાગત કરતા પરિવારજનો

દોષિતો ગોધરા જેલમાંથી બહાર આવ્યા ત્યારે પરિવારજનો તેમને મીઠાઈ ખવડાવી સ્વાગત કરતા હોય અને ચરણસ્પર્શ કરી આશીર્વાદ લેતા હોય એવો વિડીયો બહાર આવ્યો છે.

શું હતો આ ભયંકર બનાવ?

ગોધરાકાંડ પછી ગુજરાત ભરમાં ફાટી નીકળેલા કોમી રમખાણો દરમિયાન 3 માર્ચ 2002ના રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રણધિકપુર ગામમાં રહેતા બિલ્કીસ બાનોના ઘરમાં તોફાની હિંદુઓનું એક ટોળું ઘુસી ગયું અને પરિવાર પર હુમલો કર્યો. તોફાનીઓએ બિલ્કીસ બાનોની ૩ વર્ષની દીકરી સહીત તેના પરિવારના સાત સભ્યોની નિર્મમ હત્યા કરી નાખી. ત્યાર બાદ એ સમયે પાંચ મહિનાની ગર્ભવતી બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો. બિલ્કીસ બાનો ગેંગ રેપ કેસ ગુજરાત રમખાણોના સૌથી દર્દનાક કેસમાંનો એક કેસ છે. તે સમયે બિલ્કીસ 21 વર્ષની હતી અને તે ગર્ભવતી હતી. સામૂહિક બળાત્કાર બાદ તેને મરવા માટે છોડી દેવામાં આવી હતી.
ગેંગરેપ બાદ તે લગભગ ત્રણ કલાક સુધી બેભાન હતી. તેના શરીરમાં એટલી પીડા થતી હતી કે તે ઉઠી પણ શકતી ન હતી. તેના મનમાં એવો ડર પણ હતો કે જો તે હજુ થોડો સમય અહીં રહી તો તેને પણ મારી નાખવામાં આવશે. હિંમત એકઠી કરી એ નિર્વસ્ત્ર હાલતમાં ભાગી છૂટી ત્યારે રસ્તામાં એક આદિવાસી મહિલાએ તેને કપડાં આપ્યા. ત્યાર બાદ કોન્સ્ટેબલ તેમને મળ્યો તે તેને લીમખેડા પોલીસ સ્ટેશન લઈ ગયો જ્યાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી.

ન્યાય માટે સંઘર્ષ:

સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેસ તો નોંધવામાં આવ્યો હતો પરંતુ પોલીસે પુરાવાના અભાવે કેસને ફગાવી દીધો હતો. ત્યાર બાદ બીલ્કીસે માનવ અધિકાર આયોગની સહાયતાથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને આ મામલાની નવેસરથી તપાસ કરવાનો આદેશ આપ્યો. આ કેસના તમામ આરોપીઓની 2004માં ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ ચાર્જશીટમાં 18 લોકોને દોષિત જાહેર કર્યા હતા. તેમાં 5 પોલીસકર્મીઓ સહિત બે ડોક્ટરો પણ સામેલ હતા જેમના પર આરોપીઓને મદદ કરવા પુરાવા સાથે ચેડા કરવાનો આરોપ હતો.

પ્રેસ કોન્ફરન્સમાં બિલ્કીસ બાનો

બીજી તરફ બિલ્કીસના પરિવારજનોને સતત ધમકીઓ મળતી રહી. તેણે બે વર્ષમાં 20 વાર ઘર બદલવું પડ્યું. બિલ્કિસે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી કે તેનો કેસ ગુજરાત બહાર અન્ય રાજ્યમાં શિફ્ટ કરે ત્યાર બાદ આ કેસ મુંબઈ શિફ્ટ કરવામાં આવ્યો. 2008માં મુંબઈની સેશન્સ કોર્ટે 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. તેમાંથી ત્રણ દોષિતોએ બિલ્કીસ પર બળાત્કાર કર્યાનું કબૂલ્યું હતું. ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મૃત્યુ થયું હતું. જ્યારે બાકીના 7 આરોપીઓને પુરાવાના અભાવે છોડી મુકવામાં આવ્યા હતા. બોમ્બે હાઈકોર્ટે મે 2017ના રોજ તમામ આરોપીઓની આજીવન કેદની સજાને યથાવત રાખી. તેમાં પુરાવા સાથે છેડછાડ કરનારા પોલીસકર્મીઓ અને ડૉક્ટરોનો પણ સમાવેશ થાય છે. કોર્ટે તમામ દોષિતોને બિલ્કીસને વળતર તરીકે 55 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

શા માટે દોષિતોને છોડી મુકાવમાં આવ્યા?

એક દોષીતે CrPCની કલમ 432 અને 433 હેઠળ માફી માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ સમગ્ર કેસની સુનાવણી મુંબઈમાં થઈ હોવાથી ગુજરાત હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દેતા કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર જ તેના પર નિર્ણય લઈ શકે છે.
આ પછી આરોપીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુનો ગુજરાતમાં થયો હતો, તેથી દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય માત્ર ગુજરાત સરકાર જ લઈ શકે છે. આ પછી ગુજરાત સરકારની એક સમિતિએ દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લીધો.
CrPCની કલમ 432 હેઠળ, ગુનેગારે જેલમાં 14 વર્ષ પૂર્ણ કર્યા પછી રાજ્ય સરકાર દોષિતની સજા માફ કરી શકે છે અને તેને મુક્ત કરી શકે છે. સરકાર દોષિતોને શરતો સાથે અથવા કોઈ પણ શરત વિના મુક્ત કરી શકે છે. તે જ સમયે, કલમ 433 હેઠળ, રાજ્ય સરકારને દોષિતની સજા ઘટાડવાનો અધિકાર છે.
આ એક ગેરસમજ છે કે આજીવન કેદની સજા પામેલા ગુનેગારને 14 વર્ષ કે 20 વર્ષની સજા બાદ છોડી દેવામાં આવે છે. પણ એવું થતું નથી આજીવન કેદની સજા પામેલા દોષિતને મૃત્યુ સુધી જેલમાં રહેવું પડે છે. જો કે, 14 વર્ષ પૂર્ણ થયા પછી, દોષિત સજા માફી અથવા સજા ઓછી કરવા માટે અરજી કરી શકે છે.

Google search engine