બિલકિસ બાનો કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 આરોપીઓને તેમની સજા પૂરી થાય તે પહેલા જ છોડી દેવામાં આવ્યા હતા. ગુજરાત સરકાર તેમને છઓડી મૂકવાનો આદેશ આપ્યો હતો, જેના કારણે દેશભરમાં આક્રોશ ફેલાયો હતો. આ આદેશને પડકારતી બિલકિસ બાનોની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે આરોપીઓને કયા આધારે છોડવામાં આવ્યા હતા તેના દસ્તાવેજો રજૂ કરવા આદેશ આપ્યો છે. જસ્ટિસ કેએમ જોસ અને જસ્ટિસ બી.વી. નગરરત્નની સંયુક્ત ખંડપીઠે આ કેસમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર તેમજ આરોપીઓને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે બિલકિસ બાનો કેસ ખૂબ જ ભયાનક હતો. આ કેસમાં દોષિતોને તેમની સજા પૂરી કરતા પહેલા કયા આધારે મુક્ત કરવામાં આવ્યા તે સંબંધિત દસ્તાવેજો અને ફાઇલ તૈયાર રાખવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સૂચના આપવામાં આવી છે. આ મામલામાં આગામી સુનાવણી 18 એપ્રિલે થશે.
ઉલ્લેખનીય છે કે આરોપીઓને તેમની સજા પૂરી થાય તે પહેલા જ છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણય સામે બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે, “હું, મારી મોટી થઈ ગયેલી દીકરી, મારો પરિવાર આ કેસમાં દોષિતોને નિર્દોષ જાહેર કરવાથી આઘાતમાં છે. એટલું જ નહીં, પરંતુ મને લાગે છે કે આ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સમાજ માટે એક ફટકો છે.” બિલકિસ બાનોની અરજી બાદ સુપ્રીમ કોર્ટે હવે આ મામલે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. એત્રે એ જાણવું જરૂરી છે કે મે 2022માં જસ્ટિસ રસ્તોગીની બેન્ચે બિલકિસ બાનો કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 આરોપીઓને છોડી મૂકવાનો નિર્ણય સંભળાવ્યો હતો. તે સમયે તેમણે કહ્યું હતું કે, આરોપીઓને છોડવાનો કે ન છોડવાનો અધિકાર ગુજરાત સરકારને છે. કારણ કે જે ગુના થયા છે તે ગુજરાતમાં થયા છે. આ પછી, બિલકિસ બાનો કેસમાં 11 આરોપીઓને 16 ઓગસ્ટ 2022ના રોજ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ આ આરોપીઓનું કેટલાક લોકોએ હાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને ઘણા લોકોએ મીઠાઈઓ વહેંચીને તેમનું સ્વાગત કર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં રોષનું વાતાવરણ સર્જાયું હતું. ગુજરાત સરકારે સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ તમામે જેલમાં સારું વર્તન કર્યું છે અને 14 વર્ષની સજા ભોગવી છે. બિલકિસ બાનોએ ગુજરાત સરકારના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
શું છે બિલકિસ બાનો કેસઃ
27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગુજરાતના ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચમાં લાગેલી આગમાં અયોધ્યાથી પરત ફરેલા 59 કારસેવકોના મોત થયા હતા. આ ઘટના બાદ ગુજરાતભરમાં રમખાણોનો ફાટી નીકળ્યા હતા. રમખાણોથી બચવા માટે બિલકિસ બાનો અને તેના પરિવારે ગામ છોડી દીધું હતું. 3 માર્ચ, 2002 ના રોજ 20 થી 30 લોકોનું એક જૂથ બિલકિસ બાનો અને તેનો પરિવાર છુપાયો હતો ત્યાં આવ્યું હતું. તેઓએ બિલકિસ બાનો ના પરિવાર પર લાકડીઓ અને તલવારો વડે હુમલો કર્યો હતો. બિલકિસ બાનો પર આ લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. તે સમયે બિલકિસ બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી. આટલું જ નહીં, આરોપીઓએ બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોની હત્યા કરી હતી. આ હુમલા દરમિયાન છ લોકો બચી ગયા હતા.