‘બીલી’ મિલે, દિલ ખીલે…. ઔર જીને કો ક્યા ચાહિએ?

દેશ વિદેશ સ્પેશિયલ ફિચર્સ

શ્રાવણની સરવાણી -મુકેશ પંડ્યા

પદાર્થ પાઠ – ૧૩
ભગવાન શંકરને બિલ્વપ્રિયાય પણ કહેવાય છે. તેમને બીલીપત્ર ખૂબ પ્રિય છે. ત્રણ પાનનો સમૂહ એવું આ બીલીપત્ર સૃષ્ટિમાં વ્યાપી રહેલી ત્રણ પ્રકૃતિ સત્ત્વ, રજસ અને તમસનું સમતુલન જાળવે છે. બીલીપત્રનું વૃક્ષ વાતાવરણમાંથી નકારાત્મક ઊર્જા શોષી લઇ, હકારાત્મક ઊર્જા ફેલાવે છે.
ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયૂધમ,
ત્રિજન્મ પાપ સંહારમ્ એક બિલ્વં શિવાર્પણમ્ !
જગદ્ગુરુ આદિ શંકરાચાર્યે રચેલા બિલ્વાષ્ટકમની આ પહેલી પંક્તિ ઘણું કહી જાય છે. ત્રણ પાનવાળું, ત્રણ ગુણોના પ્રતીકવાળું, ત્રણ આંખોના આકારવાળું અને ત્રણ શસ્ત્ર જેટલી શક્તિવાળું એક બીલીપત્ર શિવને ચઢાવવાથી ત્રણ જન્મોના પાપનો નાશ થાય છે.
બીલીપત્ર તનમનના સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. આપણે બીલીપત્ર શિવલિંગ પર ચઢાવીએ છીએ, પણ પછી તે કચરાપેટીમાં જાય છે. ખરેખર તો બીલીપત્રનો શિવલિંગ પર અર્પણ કરીને પછી તેને પ્રસાદરૂપે ગ્રહણ કરવું જોઇએ. બીલીપત્રમાં અનેક આયુર્વેદિક ગુણો છે.
બીલીપત્ર હાઇ બ્લડપ્રેશરના દર્દીઓ માટે અક્સીર ઔષધ છે. શરીરમાંની સાકરને નિયંત્રણમાં રાખે છે. કૉલેસ્ટ્રેલને કાબૂમાં રાખે છે. એસિડિટીમાં અક્સીર છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બીલીપત્રમાં વિટામિન એ, બી-૧, બી-૨, અને સી પૂરતા પ્રમાણમાં છે. તમને યાદ છે? કોરોનાની મહામારી ફેલાઇ ત્યારે ડૉક્ટરો તરફથી આપણને વિટામિન બી અને વિટામિન સી લેવાની સલાહ આપવામાં આવતી હતી. બીલીપત્રમાં આ બેઉ વિટામિન મૌજૂદ છે.
સનાતન ધર્મ ખરેખર વૈજ્ઞાનિક છે. આપણા શાસ્ત્રોમાં જે પણ પરંપરાઓ છે, રીતરિવાજોનું વર્ણન કર્યું છે, પ્રસાદોની પ્રથા છે તેની પાછળ તર્ક છે, વિજ્ઞાન છે. લોકોના તન-મનને સાચવવાની ભાવના છે.
બીલીપત્રના ઉપરોક્ત ગુણોને ધ્યાનમાં રાખીએ તો એમ કહી શકાય કે તે હૃદયને હેમખેમ રાખી શકે છે. એટલે જ શિર્ષકમાં નબીલી મિલે, દિલ ખીલે… ઔર જીને કો ક્યા ચાહિએ? એમ ગાવાનું મન થાય છે. ખરેખર આજે આપણે લાખો રૂપિયા દવા કે સારવાર માટે ખર્ચીએ છીએ ત્યારે આપણા શાસ્ત્રોમાં જે પણ કંઇ સારી વસ્તુ હોય, તર્કસંગત હોય કે વિજ્ઞાનની કસોટીએ પાર ઊતરી શકે એવી હોય તેને નસ્ટાન્ડર્ડાઇઝથ કરીને સંતાનોને શીખવવી જોઇએ. નિ:શુલ્ક કે ઓછા ખર્ચે પણ શરીરને નીરોગી રાખી શકાય તેવી ઘણી વસ્તુઓ આપણા ધર્મશાસ્ત્રોમાંથી શીખવા મળે છે.
શું આ શ્રાવણ મહિનામાં તમારામાંથી કોઇ નબીલીપત્રથને પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે? તો અમને જરૂર જણાવજો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.