ઉત્તરપ્રદેશના હઝરતગંજમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન દિવાલ ધરાશાયી થતા 9 શ્રમિકોના મોત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

લખનઉના હઝરતગંજમાં ભારે વરસાદને કારણે આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દિલકુશા કોલોનીમાં નિર્માણાધીન દિવાલ ધરાશાયી થતા નવ લોકોના મોત થયા હતા અને બે ઘાયલ થયા હતા. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. દિલકુશા કોલોનીમાં દિવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, જેના માટે શ્રમિકો ત્યાંજ રોકાયા હતા. મજૂરો બાંધકામ હેઠળની દિવાલના ટેકાથી ઝૂંપડા બાંધી રહેતા હતા અને ગત રાત્રે દિવાલનો એક ભાગ ધરાશાયી થતા આ દુર્ઘટના સર્જાઈ છે.
અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને લખનઉ સાંસદ તથા કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહે મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન યોગીએ દુર્ઘટનામાં જાનહાનિ પર શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.
જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે ગત રાત્રિથી થઇ રહેલા વરસાદના કારણે નિર્માણાધીન દિવાલ ધરાશાયી થવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. બંને ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં ડોક્ટરોએ બંનેને સ્વસ્થ હોવાનું જણાવ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને આપત્તિ રાહત હેઠળ રૂ.4 લાખ આપવામાં આવશે.
અકસ્માતમાં ઘાયલ ઝાંસીના રહેવાસી રાઘવેન્દ્રનું કહેવું છે કે આ ઘટના રાત્રે લગભગ 12 વાગે બની હતી. અકસ્માતમાં બેહોશ થઈ ગયેલા એક વ્યક્તિનો ફોન આવતાં તેણે 108 નંબર પર ફોન કર્યો, ત્યારબાદ અમને હોસ્પિટલ લાવવામાં આવ્યા.
લખનઉના સાંસદ અને રક્ષા પ્રધાન રાજનાથ સિંહે ટ્વીટ કરીને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કર્યું કે લખનઉમાં દિવાલ ધરાશાયી થવાથી લોકોના મોતના સમાચારથી હું ખૂબ જ દુખી છું. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ સાથે હું આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
ઉન્નાવ જિલ્લાના કાંથામાં પણ એક કાચું મકાન તૂટી પડતાં બે ભાઈઓ અને એક બહેન સહિત ત્રણનાં મોત થયાં હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.