Homeઆમચી મુંબઈજિતેન્દ્ર આવ્હાડને મોટી રાહત: મોલમાં મારપીટ કરવાના પ્રકરણે જામીન મંજૂર

જિતેન્દ્ર આવ્હાડને મોટી રાહત: મોલમાં મારપીટ કરવાના પ્રકરણે જામીન મંજૂર

થાણે: થાણેના વિવિયાના મોલમાં ફિલ્મ જોવા માટે આવેલા એક પ્રેક્ષકની મારપીટ કરવાના પ્રકરણે એનસીપીના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડને ૧૪ દિવસની અદાલતી કસ્ટડી ફટકારવામાં આવી હતી. જિતેન્દ્ર આવ્હાડને ૧૪ દિવસની અદાલતી કસ્ટડી ફટકારાયા બાદ તેમણે કરેલી જામીન અરજીને મંજૂર કરવામાં આવી હતી અને તેમનો જામીન પર છુટકારો થયો હતો. રૂ. ૧૫ હજારના કેશ બોન્ડ પર તેમને જામીન આપવામાં આવ્યા હતા.
હર હર મહાદેવ ફિલ્મનો શો ચાલી રહ્યો હતો ત્યારે એનસીપીના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે પક્ષના કાર્યકર્તાઓની સાથે થાણેના વિવિયાના મોલમાં ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો. એ સમયે ફિલ્મમાં ધમાચકડી મચી હતી અને જિતેન્દ્ર આવ્હાડના કાર્યકર્તા તેમ જ હાજર પ્રેક્ષકોમાં વિવાદ થયો હતો. એ સમયે જિતેન્દ્ર આવ્હાડ સાથે ૧૦૦ કાર્યકર્તા હોવાનું કહેવાઇ રહ્યું છે. દરમિયાન આવ્હાડ અને તેમના કાર્યકર્તાઓએ એક પ્રેક્ષકની મારપીટ કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
વિવિયાના મોલમાં મારપીટ કરવાના પ્રકરણમાં આવ્હાડની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. બંને તરફ જોરદાર દલીલ કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આવ્હાડને ૧૪ દિવસની અદાલતી કસ્ટડી આપી હતી.
અદાલતી કસ્ટડી ફટકારવામાં આવ્યા બાદ આવ્હાડે જામીન માટે અરજી કરી હતી. એ જામીનનો તપાસ અધિકારીએ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ કોર્ટે આવ્હાડના રૂ. ૧૫ હજારના કેશ બોન્ડ પર જામીન મંજૂર કર્યા હતા.
——–
આવ્હાડની ધરપકડ કરનારા ડીસીપી રાઠોડની અચાનક બદલી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીના થાણેના નેતા જિતેન્દ્ર આવ્હાડની ધરપકડ કરનારા થાણેના ડીસીપી વિનય રાઠોડની અચાનક બદલી કરી નાખવામાં આવી છે. મારી ધરપકડ કરવા માટે ડીસીપી પર ખાસ્સું દબાણ હતું અને એટલે જ તેણે ધરપકડ કરી હતી એવું જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું. આને પગલે હવે રાઠોડની ઝોન પાંચમાંથી પરિવહન ખાતામાં બદીલ કરી નાખવામાં આવી છે.
હર હર મહાદેવ ફિલ્મનો શો બંધ પાડીને કેટલાક દર્શકો સાથે મારપીટ કરવાના આરોપ હેઠળ જિતેન્દ્ર આવ્હાડ અને અન્ય ૧૨ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ધરપકડ પણ કરવામાં આવી હતી. શનિવારે જામીન મળ્યા બાદ આવ્હાડે કહ્યું હતું કે મારી ધરપકડ પાછળ ચાણક્યનો હાથ હતો પરંતુ ચાણક્યની નીતિ નિષ્ફળ ઠરી હતી.
જામીન મળ્યા બાદ પત્રકારો સામે આવ્હાડે કહ્યું હતું કે દર ત્રીજી મિનિટે ડીસીપી ઊભા થતા હતા અને યસ.. યસ.. કરીને બહાર જતા હતા અને પાછા ફરતા હતા. જોકે, આને કારણે મારી જે ધરપકડ કરવામાં આવી તે ખોટી હતી એવો દાવો હું કરતો નથી. તેમણે થાણેના ડીસીપી વિનય રાઠોડનું નામ પણ લીધું હતું. આથી રાઠોડની બદલી આટલી અચાનક કેમ કરવામાં આવી તેની ચર્ચા થઈ રહી છે.
આવ્હાડે કહ્યું હતું કે શુક્રવારે બપોરે એક વાગ્યાની આસપાસ વર્તકનગરના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર નિકમનો ફોન આવ્યો હતો અને નોટિસ લેવા માટે હું વ્યક્તિ મોકલીશ નહીં તમે જાતે પોલીસ સ્ટેશનમાં આવો એમ કહ્યું હતું. હું મુંબઈ જવાનો હતો એટલે મેં તેમને કહ્યું કે પોલીસ સ્ટેશનમાં થઈને હું મુંબઈ જઈશ. હું પોલીસ સ્ટેશનમાં ગયો ત્યારે તેમણે મને વાતોમાં રોકી રાખ્યા હતા. ત્યારે ડીસીપી વિનય રાઠોડ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. તેમની આંખો અને ચહેરા પર તણાવ જોઈ શકાતો હતો. તેઓ અત્યંત આદરપુર્વક બોલ્યા હતા કે આમાં હું કશું કરી શકતો નથી. મને ઉપરથી આદેશ આવ્યો છે અને મારે તમારી ધરપકડ કરવી પડશે. આ પોલીસ શક્તિનો દુરુપયોગ છે અને હવે હું લડવા માટે તૈયાર છું. ફાંસી આપશો તો પણ ચાલશે, પરંતુ જે ગુનો મેં કર્યો નથી તે કબૂલ કરીશ નહીં, એમ પણ આવ્હાડે કહ્યું હતું.
———
કોઇ પણ બાબતને ચગાવવી એ આવ્હાડની સ્ટાઇલ: ફડણવીસ
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જિતેન્દ્ર આવ્હાડની જોરદાર ટીકા કરી છે. કોઇ પણ એક વસ્તુને લઇને કાગારોળ મચાવવી એ આવ્હાડની સ્ટાઈલ છે. કોઇ પણ વાતને કેવી રીતે ચગાવવી એ આવ્હાડનો પ્રયાસ રહ્યો છે. તેમણે કાર્યકર્તાઓ સાથે જઇને થિયેટરમાં જે તમાસો કર્યો અને પ્રેક્ષકની મારપીટ કરી હતી, તેને કારણે તેમના વિરુદ્ધ કાર્યવાહ કરવામાં આવી હતી. માત્ર આવ્હાડ નહીં, તેને સ્થાને બીજું કોઇ પણ હોત તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોત, એવું પણ ફડણવીસે જણાવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular