મુંબઈનાં સ્ટેશનોનું બ્રાન્ડિંગ લટકી ગયું: રેલવેને મોટો આર્થિક ફટકો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ભારતીય રેલવે પ્રશાસન દ્વારા ગૂડસ ટ્રેનના સંચાલનની સાથે પેસેન્જર સેક્ટરમાંથી નોંધપાત્ર આવક મળી રહી છે, પરંતુ નોન-ફેર સેક્ટર મારફત આવક વધારવાની યોજના અંતર્ગત રેલવે સ્ટેશનના બ્રાન્ડિંગની યોજનાનો સમાવેશ થાય છે. મુંબઈનાં રેલવે સ્ટેશનના બ્રાન્ડિંગની યોજના અંતર્ગત ખાનગી કંપનીઓ પાસેથી બિડ મંગાવવામાં આવી હતી, પરંતુ એક પણ કંપનીએ રસ દાખવ્યો નથી. રેલવે સ્ટેશનના પરિસરમાં સ્વચ્છતા નહીં હોવાને કારણે બદનામીના ડરથી રેલવેની યોજનામાં તૈયાર નથી. કોઈ કંપની કો-બ્રાન્ડિંગ માટે મળતી નહીં હોવાને કારણે રેલવેની આવકમાં સૌથી મોટો ફટકો પડશે, એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
ગયા મહિના દરમિયાન રેલવે પ્રધાન અશ્ર્વિની કુમાર વૈષ્ણવે નોન-ફેર રેવન્યૂ (એનએફઆર), કમર્શિયલ અર્નિંગ માટે ઈ-ઓક્શન પોલિસી અને પોર્ટલ લોન્ચ કર્યું હતું. ભારતમાં ગમે ત્યાંથી બિડરને આ પોર્ટલ દ્વારા ભારતીય રેલવેના કોઈ પણ ક્ષેત્ર એકમની હરાજીમાં ભાગ લેવા માટે માત્ર એક જ વાર નોંધણી કરવાનું જરૂરી રહેશે. જોકે, નોન-ફેર ઈન્કમ પૈકી સ્ટેશનના કો-બ્રાન્ડિંગ ઈ-ઓક્શન કેટલોગ્સ અને ટેન્ડર નોટિસ/એક્સપ્રેસન ઓફ ઈન્ટરેસ્ટ્સ (ઈઓઆઈ)ને તાત્કાલિક પાછી ખેંચી લેવામાં આવે છે, એવો રેલવે બોર્ડે તાજેતરમાં પરિપત્ર જાહેર કર્યો હતો.
રેલવેનાં ધારાધોરણો અલગ અલગ છે, જે પૈકી રેલવે સ્ટેશનના બ્રાન્ડિંગ માટે રેલવે સ્ટેશનની બિલ્ડિંગની સાથે પેસેન્જર સર્ક્યુલેટિંગ એરિયામાં જ્યાં સ્ટેશનનું નામ હોય ત્યાં અને જ્યાં નામ નથી ત્યાં પણ બ્રાન્ડિંગ કરી શકાય છે. તેનાથી વિપરીત રેલવે ટિકિટ, પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ, વેબસાઈટ, રૂટ મેપ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, રેલવે ડિસ્પ્લે નેટવર્ક વગેરેમાં કંપનીનું નામ લખી શકાતું નથી. ધારાધોરણો અલગ અલગ હોવાને કારણે કંપની બ્રાન્ડિંગ માટે તૈયાર નથી, એમ રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
ભારતીય રેલવેને નોન-ફેર રેવન્યૂ પૈકી ૨૦૧૭-૧૮માં ૨૦૪.૧૦ કરોડ રૂપિયા તથા ૨૦૧૮-૧૯માં ૨૨૩.૫૩ કરોડ રૂપિયાની આવક થઈ હતી, પરંતુ નોન-ફેર ઈન્કમમાં સ્ટેશન બ્રાન્ડિંગની યોજના પડતી મૂકવામાં આવે તો રેલવેને આર્થિક રીતે વધુ ફટકો પડી શકે છે, એમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

મેટ્રો સ્ટેશનો બન્યા પહેલા વેચાઈ ગયા, રેલવેનાં ધારાધોરણો બેવડાં

મુંબઈનાં રેલવે સ્ટેશનોના બ્રાન્ડિંગ માટે કોઈ કંપની તૈયાર નથી, પરંતુ મેટ્રો સ્ટેશનોના બ્રાન્ડિંગ માટે કંપનીઓ ઓટોમેટિક તૈયાર થઈ છે. રેલવે સ્ટેશનના બ્રાન્ડિંગ માટે વાસ્તવમાં રેલવેના નિયમો જડ છે, જેથી ખાનગી કંપની તેના માટે તૈયાર થતી નથી. રેલવે સ્ટેશનોના નામ ખાસ કરીને મહાપુરુષો, પ્રભાવશાળી વ્યક્તિ, રાજકીય નેતા, શહીદોના નામે કો-બ્રાન્ડિંગ કરી શકાય નહીં. એટલું જ નહીં, દારૂ-આલ્કોહોલ, સિગારેટ, તમ્બાકુ ઉત્પાદક કંપનીઓને પણ બ્રાન્ડિંગ કરવાની માન્યતા પણ નથી, તેથી કોઈ કંપની બ્રાન્ડ માટે તૈયાર થતી નથી, એવું અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.