ઝારખંડના સીએમ હેમંત સોરેનને મોટો ફટકો, વિધાનસભાની સદસ્યતા રદ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરનને ગુરુવારે સવારે મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચે સીએમ સોરેનની વિધાનસભા સદસ્યતા રદ કરી દીધી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યપાલને પત્ર મોકલ્યો છે. કમિશને આ ભલામણ સોરેન વતી તેમના નામે ખાણ કરાવવાના મામલે કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ગેરકાયદે માઈનિંગ કેસ સાથે જોડાયેલા હોવાના આરોપમાં સોરેનનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ રમેશ બૈસ બપોરે 12 વાગ્યે દિલ્હીથી રવાના થશે અને લગભગ 2 વાગ્યે રાંચી પહોંચશે. લગભગ ત્રણ વાગ્યા સુધીમાં ગેઝેટમાં આ પત્ર પ્રસિદ્ધ થશે.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન રાંચીના અનગડામાં 88 ડેસિમિલ જમીનના લીઝના મામલે છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં હતા. ભાજપે આ મામલાને ઓફિસ ઓફ પ્રોફિટ સાથે જોડીને રાજ્યપાલને ફરિયાદ કરી હતી. આ ફરિયાદના પ્રકાશમાં રાજ્યપાલે ચૂંટણી પંચનો અભિપ્રાય માંગ્યો હતો. ચૂંટણી પંચે સોરેનની વિધાનસભા સદસ્યતા રદ કરી દેતા હવે શું એવો સવાલ ઊભો થયો છે.
ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની સદસ્યતા રદ થતા તેમની આગામી રણનીતિ શું હશે એના પર હવે ચર્ચા તેજ થઇ છે. જાણકારી મુજબ હેમંત સોરેનના પક્ષે ઘણી રણનીતિઓ બનાવી છે. એમ માનવામાં આવે છે કે તેઓ પહેલા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. તેઓ રાજભવન ખાતે જઇને રાજીનામુ પણ આપી શકે છે. રાજીનામા બાદ તેઓ નવી સરકાર માટે દાવો કરી શકે છે. મહાગઠબંધનમાં નવા નેતાની પસંદગી કરવાના વિકલ્પ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. એમ પણ જાણવા મળ્યું છે કે જેવી રીતે લાલુ યાદવે 1997માં જેલમાં જતા પહેલા રાબડી દેવીને બિહારના મુખ્ય પ્રધાન બનાવ્યા હતા એવી જ રીતે સીએમ હેમંત સોરેન પોતાની પત્ની કલ્પના સોરેનને ઝારખંડના નવા સીએમ બનાવી શકે છે. જો કલ્પના સોરેનના નામ પર પક્ષમાં સર્વસંમતિ નથી સધાતી તો હેમંત સોરેન તેમની કેબિનેટમાં એકમાત્ર મહિલા મંત્રી જોબા માંઝી પર દાવ લગાવી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.