આંધ્રપ્રદેશમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન કિરણ કુમાર રેડ્ડીએ શનિવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. અવિભાજિત આંધ્રપ્રદેશના છેલ્લા મુખ્યપ્રધાન કિરણ કુમાર રેડ્ડીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેઓ ઘણા સમયથી એક્ટિવ નહોતા. હાલ કોંગ્રેસ છોડ્યા બાદ હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
શનિવારે કિરણ કુમાર રેડ્ડીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને એક પત્ર મોકલ્યો હતો, જેમાં માત્ર એક જ લાઇનમાં પોતાનો મત રજૂ કર્યો હતો. પૂર્વ મુખ્યપ્રધાને પત્રમાં લખ્યું છે કે, કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી તેમનું રાજીનામું સ્વીકારવામાં આવે. પૂર્વ મુખ્યપ્રધાનનું કોંગ્રેસ છોડવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.