ગુજરાતમાં એસટી બસની મુસાફરી વધુ આરામદાયક બનશે. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની નવી 151 બસનું લોકાર્પણ કર્યું હતું. મુસાફરોની સુવિધા માટે ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન વાહન વ્યવહાર રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિતિ રહ્યા હતા.
ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મુસાફરોને કાર્યદક્ષ, સમયસર અને પર્યાવરણ પ્રિય સુવિધા લોકોને પૂરી પાડવા માટે ગુજરાત એસટી નિગમને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યપ્રધાને બે ડ્રાઇવરોને બસ ની ચાવી પ્રતીક રૂપે આપીને નવી બસોનું લોકાર્પણ કર્યું હતું.
ગુજરાત એસટી નિગમ દ્વારા 53 કરોડ રૂપિયાના ખર્ચે આ નવી 151 બસ સામેલ આવી છે. આ 151 બસોમાં 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરી કોચ બસનો સમાવેશ થાય છે. આ બસનું નિર્માણ એસ ટી નિગમ દ્વારા ઈન હાઉસ કરવામાં આવ્યું છે. આ નવી બસ સેવાઓ રાજ્યમાં મુસાફરોની સફર વધુ આરામ દાયક તેમજ સગવડ્યુક્ત બનાવશે.
મુખ્યપ્રધાને એસ.ટી. નિગમની અન્ય એક વધુ મુસાફર સુવિધા સેવા ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ સિસ્ટમ કાર્યરત થવાથી મુસાફરોને પૂછપરછ બારીનો ઉપયોગ કર્યા વગર ઓડિયો સિસ્ટમ મારફતે બસનો રૂટ, બસ નંબર, સ્ટોપેજીસ અને બસ ક્યા પ્લેટફોર્મ પર આવશે તેની સંપૂર્ણ વિગતો મળતી થઈ જશે.
નોંધનીય છે કે એસટી નિગમે રૂપિયા 310 કરોડની નાણાકીય જોગવાઈ સાથે એક હજાર નવી બસ સંચાલનમાં મૂકવા આયોજન કર્યું છે. આ 1,000 બસમાંથી 500 સુપર એક્સપ્રેસ, 300 લક્ઝરી અને 200 સ્લીપર કોચ બસનો સમવેશ થાય છે.
પરિવહન પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નાગરિકો માટે વધુ બસનો ઉમેરો થયો છે. તમામ બસોમાં પાણી અને મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા મળશે. આ નવી બસો એવી છે જેમાં બેસીને ચા રકાબીમાં પણ પીવો તો ન ઢોળાય, ઉમરલાયક લોકોને ઝટકા ન લાગે તેવી બસો છે. તબક્કાવાર 150-150 બસો શરૂ થશે.
હાલ ગુજરાત એસટી નિગમ દ્વારા 274 સ્લીપર કોચ, 1193 સેમી લક્ઝરી અને 5296 સુપર ડિલક્સ સુપર અને 1203 મીની બસ સહીત 7966 બસ દોડાવવામાં આવી રહી છે. જેમાં ભવિષ્યમાં તબક્કાવાર નવી બસો સામેલ કરવમાં આવશે.
ભુપેન્દ્ર પટેલ સરકારની મુસાફરોને ભેટ, 151 નવી એસટી બસનું લોકાર્પણ કરાયું
RELATED ARTICLES