ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતી મળ્યા આજે ભાજપના વિધાનસભ્યદળની બેઠક મળી હતી જેમાં ભૂપેન્દ્ર પટેલને સર્વાનુમતે વિધાનસભ્યદળના નેતા પસંદ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ભુપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યા હતા અને સરકાર રચવાનો દાવો કર્યો હતો. ત્યાર બાદ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દિલ્હી જવા રવાના થયા હતા. તેઓ સાંજે વડાપ્રધાન મોદી સાથે મીટીંગ કરશે.
ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળશે. આ દરમિયાન નવા પ્રધાનમંડળને લઈને તેમેની વચ્ચે ચર્ચા થઈ શકે છે.
પ્રધાનમંડળની રચના માટે ભાજપે ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરી છે. કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, અર્જુનસિંહ મુંડા તેમજ કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાને નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપાઈ છે. આ નરીક્ષકોની અધ્યક્ષતામાં આજે બેઠક યોજાઇ હતી. 12મી ડિસેમ્બરે ગાંધીનગરમાં નવી સરકારની શપથવિધિ યોજાશે.
ભૂપેન્દ્ર પટેલ ફરી એક વખત રાજ્યનું સુકાન સંભાળવા જઇ રહ્યા છે. આજે ભાજપની મળેલી વિધાનસભા દળની બેઠકમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કનુભાઇ દેસાઇએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. બેઠકમાં આ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર થયો હતો.