Homeઆપણું ગુજરાતકચ્છના ગાંધીધામના ચુડવાની જમીન ફાળવણીના કૌભાંડ અંતર્ગત પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની ભુજ...

કચ્છના ગાંધીધામના ચુડવાની જમીન ફાળવણીના કૌભાંડ અંતર્ગત પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની ભુજ સી.આઇ.ડીએ ધરપકડ કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: સરહદી કચ્છના પૂર્વ જિલ્લા સમાહર્તા અને સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી પ્રદીપ નિરંકરનાથ શર્મા તેમજ પૂર્વ નિવાસી નાયબ કલેક્ટર ફ્રાન્સીસ સુવેરા અને પૂર્વ ટાઉન પ્લાનર નટુ દેસાઈ પર જમીનને લગતાં વધુ એક કૌભાંડની ભુજ સીઆઇડી ક્રાઈમ પોલીસ મથકે ફોજદારી ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી છે. ફરિયાદ દાખલ થયા બાદ સીઆઇડી ક્રાઈમે પ્રદીપ શર્માની તેમના ગાંધીનગર ખાતે આવેલા નિવાસસ્થાનેથી ધરપકડ કરી લીધી છે. ગાંધીધામના વર્તમાન મામલતદાર ભગીરથસિંહ હરપાલસિંહ ઝાલાએ શર્મા સહિત ત્રણ અધિકારી સામે ઈપીકો કલમ ૪૦૯, ૧૨૦-બી અને ૧૧૪ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, ચુડવા ગામે રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલી સર્વે નંબર ૩૦/૨ની ૧ એકર ૮ ગુંઠા જમીન પર સરકારી નિયમ મુજબ દબાણ ના હોવા છતાં તેને ટેકનિકલ દબાણ ગણી, લાગુની જમીનના ધારક કીર્તિભાઈ ચંદુલાલ ઠક્કરે કરેલી અરજીના આધારે સરકારી પરિપત્રોનું ઉલ્લંઘન કરી બજાર ભાવ કરતાં જમીનના દરનું નીચું મૂલ્યાંકન કરી દબાણ નિયમિત કરી આપીને તે જમીન ફાળવણી કરીને સરકારી તીજોરીને નુકશાની પહોંચાડવામાં આવી હતી.
અરજદાર કીર્તિ ઠક્કરે વર્ષ ૧૯૯૮માં ચુડવાની સર્વે નંબર ૩૦/૨ની ૨ એકર ૧૬ ગુંઠા જમીન ખરીદી હતી અને માપણી શીટ મુજબ ઠક્કરે લાગુની ૧ એકર ૮ ગુંઠા દબાણવાળી જમીન નિયમિત કરી આપવા ૦૮-૧૧-૨૦૦૪ના રોજ અરજી કરેલી. મામલતદારે જમીનની કિંમત પ્રતિ એકરે ૯૮ હજાર ૮૩૭, જંત્રી મુજબ ૩૩ હજાર ૩૭૬ અને પંચકામ મુજબ પ્રતિ એકર ૧ લાખ રૂપિયા કિંમત અંદાજી સમગ્ર પ્રકરણ અંજાર નાયબ કલેક્ટરને મોકલી આપ્યું હતું. અંજાર નાયબ કલેક્ટરે જમીનનું લોકેશન, વિકસીત વિસ્તાર વગેરે બાબતો ધ્યાને લઈ જમીનની કિંમત પ્રતિ એકર ૪ લાખ અંદાજી, તે કિંમતની અઢી ગણી કિંમત વસૂલી દબાણ નિયમિત કરી આપવાના અભિપ્રાય સાથે કલેક્ટરને પત્ર મોકલી આપેલો. તત્કાલિન નાયબ કલેક્ટર ફ્રાન્સીસ સુવેરાએ જમીન દબાણ નિયમિત કરી આપવાના ૮-૧-૧૯૮૦ના સરકારી પરિપત્ર મુજબ આ જમીનની કિંમત નક્કી કરવા તત્કાલિન ટાઉન પ્લાનરને વિગતો આપ્યા બાદ ટાઉન પ્લાનર નટુ દેસાઈએ નગર આયોજન મૂલ્યાંકન વિભાગના ૦૩-૦૯-૨૦૦૨ના પરિપત્ર મુજબ સવાલવાળી જમીનની આસપાસ એકથી દોઢ કિલોમીટરની ત્રિજ્યાના વેચાણોનું પાંચ વર્ષનું જમીન આકારણી માટે સરખાવવા પાત્ર/ ધ્યાને લીધેલા વેચાણોનો દાખલો અને વિગતો પરથી અંદાજીત મૂલ્યાંકન દર્શાવતા પત્રક સહિતના ત્રણ પત્રકના આધારે આ જમીનની કિંમત પ્રતિ ચોરસ ૧૯ રૂપિયા ઠેરવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular