ગ્લેમરમાં પાસિંગ માર્ક, પણ એક્ટિંગમાં ડિસ્ટિંક્શન સાથે આગળ વધેલી ‘દમ લગા કે હૈસા’ની હિરોઈનની અડધો ડઝન ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની છે, જે એક વિક્રમ માનવામાં આવે છે
કવર સ્ટોરી -હેન્રી શાસ્ત્રી
ડ્રોઈંગરૂમની ડોલ કે બેડરૂમની બ્યુટીની વ્યાખ્યામાંથી આજની હિરોઈન સર્વાંગી રીતે બહાર આવી ગઈ છે. ગ્લેમરની સરખામણીમાં એક્ટિંગનું પલડું અનેકગણું વજનદાર હોય એવી અભિનેત્રીઓ આજે વધુ જોવા મળે છે. ૨૦૧૫માં ’દમ લગા કે હૈસા’થી અભિનયની યાત્રા શરૂ કરનાર ભૂમિ પેડણેકર આ વ્યાખ્યામાં ફિટ બેસે છે. આઠ વર્ષમાં ૧૫ ફિલ્મ કરનાર ભૂમિ માટે ૨૦૨૩નું વર્ષ અસાધારણ સાબિત થવાનું છે. કાયમ ચેલેન્જિંગ અને અલાયદા રોલ કરવા માટે જાણીતી મિસ પેડણેકરની આ વર્ષે છ ફિલ્મ રિલીઝ થવાની છે. એમાં અનુભવ સિન્હાની ‘ભીડ’, અજય બહલની ‘ધ લેડી કિલર’, સુધીર મિશ્રાની ‘અફવા’, ગૌરી ખાન નિર્મિત ‘ભક્ષક’, મુદસ્સર અઝીઝની ‘મેરે હસબન્ડ કી બીવી’ અને અનિલ કપૂર સાથેની એક ફિલ્મનો સમાવેશ છે.
એક્ટર તરીકે આ વર્ષ પોતાને માટે યાદગાર બની રહેશે એવું ભૂમિનું માનવું છે. ખાસ નોંધવાની વાત એ છે કે એક વર્ષમાં કોઈ હીરોની દસેક ફિલ્મ રિલીઝ થઈ હોય એવા ઘણા ઉદાહરણ છે (જુઓ ફ્લેશબેક કોલમ) પણ એક વર્ષમાં કોઈ હિરોઈનની છ ફિલ્મ રિલીઝ થાય એ એક વિક્રમ માનવામાં આવે છે. ભૂતકાળમાં કોઈ એક હિરોઈનની આટલી સંખ્યામાં ફિલ્મ રિલીઝ થઈ હોવાનું સ્મરણમાં નથી.
પહેલી જ ફિલ્મ ‘દમ લગા કે હૈસા’માં ભારેખમ શરીરની યુવતીનો રોલ કરી વિવેચકોની વાહ વાહ, દર્શકોની શાબાશી અને સાત ઍવોર્ડ જીતનાર ભૂમિએ આઠ વર્ષની નાનકડી કરિયરમાં વૈવિધ્યપૂર્ણ ભૂમિકા કરવાને પ્રાધાન્ય આપ્યું છે. ૨૦૨૩ની છ ફિલ્મ વિશે મિસ પેડણેકર જણાવે છે કે ‘આ એક વર્ષમાં સિને રસિકોને છ જુદી જુદી ભૂમિ રૂપેરી પડદા પર જોવા મળશે એનો રોમાંચ હું સુધ્ધાં અનુભવી રહી છું. કોઈ પણ કલાકાર માટે નવા પડકાર, રોલની વરાયટી ઉત્સાહ વધારનાર જ હોય અને એમાં કલાકારને એક્ટર તરીકે ખીલવાની તક મળતી હોય છે. હું મારી જાતને નસીબદાર ગણું છું કે આવી તક મને મળી છે. આનાથી બહેતરની આશા તો મેં સ્વપ્નેય નહોતી રાખી. ફિલ્મ જોવા આવતા દરેક દર્શકનું મનોરંજન થાય એવી મારી ઈચ્છા છે. સાથે ઉત્તમ અભિનય કરી લોકોના હૃદયમાં એક ઉમદા અભિનેત્રીનું સ્થાન બનાવી લેવાની પણ મહેચ્છા છે. હું જાણું છું કે બોલવું સહેલું છે, પણ કરવું મુશ્કેલ છે અને એ મેળવવા માટે હું બનતું બધું જ કરી છૂટીશ.
શ્રેષ્ઠ અભિનેત્રીઓની પંગતમાં બેસવાની તમન્ના ઉત્તમ પ્રયાસ કરાવે.’ ફિલ્મના નામ પરથી ભૂમિના રોલમાં રહેલી વરાયટીનો અંદાજ તો જરૂર આવી જાય છે.
પડકારરૂપ ભૂમિકા માટે ભૂમિ તેની કરિયરના આઠ વર્ષ દરમિયાન દિગ્દર્શકોની પહેલી પસંદ રહી છે. એની પ્રદર્શિત થઈ ગયેલી ફિલ્મોની યાદી પર એક નજર દોડાવતા નાનકડા ગામ કે શહેરની મક્કમ મનોબળ ધરાવતી ક્ધયાના રોલમાં એ મોટેભાગે નજરે પડી હોવાનું ધ્યાનમાં આવે છે. આ બધી ક્ધયા પૂર્વગ્રહનો સામનો કરી આત્મસન્માન અકબંધ રાખી સંઘર્ષ કરી આગળ વધી છે અને તેમ છતાં કોઈ બે પાત્ર એક સરખા નથી લાગ્યા. ‘દમ લગા કે હૈસા’ની ભારેખમ શરીર ધરાવતી હોવા છતાં અસલામતીથી પીડાતા પતિને સાચવી લેતી પત્ની હોય કે પતિ ઘરમાં ટોયલેટ નહીં બંધાવે તો ભેગી નહીં રહું એવો વટ રાખતી ‘ટોયલેટ: એક પ્રેમકથા’ની ગૃહિણી હોય કે જાતીય સમસ્યાના શિકાર પતિનું માર્ગદર્શન કરતી ‘શુભ મંગલ સાવધાન’ની પત્ની હોય કે પછી સેક્સ્યુઅલ રિલેશનશિપ વિશે છોછ ન રાખતી ‘લસ્ટ સ્ટોરીઝ’ની નોકરાણી હોય, ‘સોન ચીડિયા’ની કડક સ્વભાવની ઘૂમટો તાણી બંદૂક ચલાવી શકતી ઠાકુરની પત્ની હોય કે ‘સાંડ કી આંખ’ની રિયલ લાઈફની ૬૦ વર્ષની શાર્પ શૂટર ચંદ્રો દાદી હોય અને આ રિલીઝ થયાના એક જ મહિના પછી ‘બાલા’માં ભેદભાવ સામે લડત ચલાવતી લોયર – એક્ટિવિસ્ટ તરીકે પણ ઠસ્સો ઉમટાવ્યો હોય. એ જ વર્ષે ‘પતિ પત્ની ઔર વો’માં પતિના લગ્નેતર સંબંધો સાંખી ન લેતી ીના રોલમાં પણ
પ્રભાવી લાગે. ‘દુર્ગામતી’નું જટિલ પાત્ર હોય કે ‘બધાઈ દો’ની પીટી ટીચરનું કોમિક પાત્ર હોય, એક્ટિંગ કી સબ ભૂમિ મિસ પેડણેકર કી એવો હિસાબ કિતાબ રહ્યો છે.
ગયા વર્ષની સુપરફ્લોપ ‘રક્ષા બંધન’
અને ઓટીટી પર રિલીઝ થયેલી ‘ગોવિંદા નામ મેરા’માં પણ ભૂમિના પરફોર્મન્સની પ્રશંસા
થઈ. અક્ષય કુમારે તો જાહેરમાં કહ્યું છે કે ભૂમિ એકલે હાથે ફિલ્મ પ્રભાવી બનાવવાની ક્ષમતા
ધરાવે છે.
ભૂમિની આઠ વર્ષની નાનકડી કારકિર્દી પર નજર નાખતા એક વાત સમજાય છે કે તેણે બોક્સ ઑફિસ પર કેવો દેખાવ રહેશે એનો વિચાર કર્યા વિના મીનિંગફુલ સિનેમા – અર્થપૂર્ણ ફિલ્મોમાં કામ કરવાને પ્રાધાન્ય આપ્યું છે. પોતાના આ નિર્ણય વિશે મિસ પેડણેકર સ્પષ્ટપણે જણાવે છે કે ‘ફિલ્મ બોક્સ ઑફિસ પર સફળ સાબિત થશે કે નહીં આ મારા હાથમાં નથી, પણ કેવી ફિલ્મ કરી અને કેવી નહીં એનો નિર્ણય તો હું લઈ શકું ને. કાયમ મારી ઈચ્છા એવી ફિલ્મ કરવાની રહી છે જેમાં સરસ મજાની વાર્તા હોય, દર્શકોને જોઈને જલસા પડે અને અભિનેત્રી તરીકે મારા માનપાન વધે.
સદનસીબે અત્યાર સુધી કોઈએ મને એવું નથી કહ્યું કે યાર ભૂમિએ આ કેવી ફિલ્મ કરી?’ દર્શકોએ વિવિધ રોલમાં ભૂમિને સ્વીકારી એની પીઠ થાબડી હોવાથી એનો આત્મવિશ્ર્વાસ વધી ગયો છે. આ જ આત્મવિશ્ર્વાસ તેને કારકિર્દીના એક મહત્ત્વના વળાંક પર પહોંચાડવામાં નિમિત્ત બન્યો છે. આ છ ફિલ્મની સફળતા -નિષ્ફળતાની સાથે સાથે એ ફિલ્મના પરફોર્મન્સ ભૂમિને અલગ ઊંચાઈ પર પહોંચાડે છે કે કેમ એ જાણવું રસપ્રદ રહેશે.