ભોલાપન તેરા ભા ગયા મુજ કોં…

આમચી મુંબઈ સ્પેશિયલ ફિચર્સ

શ્રાવણની સરવાણી -મુકેશ પંડ્યા

પદાર્થ પાઠ – ૧૨
શિવજીને આપણે ભોળાનાથ સ્વરૂપે પણ પૂજીએ છીએ. શિવજી ખરા અર્થમાં ભોળા છે. પોતાનું કે સમાજનું અહિત કરતી વ્યક્તિ પણ તેમને શરણે આવે. તેમનું ધ્યાન ધરે તો પ્રસન્ન થઈને વરદાન આપી દે. તેમનો વરદ મુદ્રા વાળો હાથ જેમના તરફ ઊઠે તેનો બેડો પાર થઈ જાય. તેમનું તપ કરીને રાવણ, ભસ્માસુર જેવા અનેક અસુરોએ વરદાન માગ્યા હતા. આ વરદાનને જોરે આવા અસુરોનો અહંકાર વધી ગયો હતો.
જે સૂર એટલે કે દેવી કક્ષાની વ્યક્તિ હોય છે એ પોતાને મળેલ વરદાન કે સત્તાનો ઉપયોગ લોકોના કલ્યાણ અને સમાજના ભલા માટે કરે છે, જ્યારે જે આસુરી કક્ષાના લોકો હોય છે તેઓ આવા વરદાનનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરે છે. શિવજીને આ વાતની ખબર હોવા છતાં એ વરદાન આપી બેસે છે. કારણ કે તેમને ખબર છે કે સમાજમા આવા લોકો અધર્મ આચરે ત્યારે વિષ્ણુ નામની એક શક્તિ તેને પાઠ ભણાવશે.
વિષ્ણુ જેવા કર્મ તેવા ફળની નીતિમાં માને છે. તેઓ વરદાનધારી કે સત્તાધારી લોકોને પણ જો તેઓ કર્મથી ચલિત થયા હોય તો તેના ફળ ચખાડે છે.
ભોળાનાથ આપણને શીખવાડે છે કે તમે મહેનત કરીને , તપશ્ર્ચર્યા કરીને જે પણ ઇચ્છશો એ તમને મળશે જ. પણ એ મળ્યા પછી જો તમારામાં અહંકાર આવ્યો. તમે સમાજ વિરોધી પ્રવૃત્તિ કરી તો તેનો અંત નિશ્ર્ચિત છે.
આજે પણ આ વાત એટલી જ પ્રસ્તુત છે. જે પોતાને મળેલી સત્તા કે પ્રિવિલેજને જવાબદારી માનીને તેનો ઉપયોગ જનકલ્યાણ માટે કરે છે તેની સંરાહના થાય છે.
જે લોકો પોતાને મળેલી સત્તા કે અધિકારોનો ઉપયોગ ફક્ત પોતાના સ્વાર્થ માટે અને પ્રજા વિરોધી કાર્ય કરવા માટે કરે છે તેનું પતન એક દિવસ નિશ્ર્ચિત છે.
દસ માથાળા અને વીસ ભુજાવાળા રાવણનો નાશ થયો તો આપણા જેવા પામર મનુષ્યોની શી વિસાત ?
ભગવાન ભોળાનાથ એ શીખ આપે છે કે હું ભોળો બનીને તમને પ્રિવિલેજ આપું તો તમારે પણ ભોળપણ દાખવી તેનો સદુપયોગ કરવાનો છે, શાણપણ દાખવીને જો તમે તેનો દુરુપયોગ કરવા ગયા તો સમજી લેજો કે વિનાશ
નિશ્ર્ચિત છે.
સત્તા પર બેઠેલા દરેક લોકો પછી એ પ્રધાન હોય સરકારી અધિકારી હોય, કે ખાનગી ઓફિસોમાં ઉચ્ચ હોદા પર હોય તેનો ઉપયોગ ફક્ત અંગત સ્વાર્થ માટે કરવા જશે તેના હાલ અંતે તો રાવણ કે ભસ્માસુર જેવા જ થશે,
ભોળાનાથ પાસેથી ભોળપણ શીખવાનું છે, ખોટું શાણપણ કરવા ગયા તો મર્યા જ સમજજો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.