ભિવંડીઃ ભિવંડી નજીક આવેલા ખોણીગ્રામ પંચાયત હદના એક ગોડાઉનમાં 8મી જાન્યુઆરીએ એક ચોરીના ગુનાની તપાસ કરીને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નિઝામપુરા પોલીસે ઘટનાસ્થળ પરથી મળી આવેલી ખાલી પાણીની બોટલ અને ચિપ્સના રેપર પરથી આખો કેસ સોલ્વ કરીને આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ચોરી થયેલો રુપિયા 99,39,260 કિંમતનું કાપડ અને પાંચ હજાર રુપિયાની કિંમતના સીસીટીવી, ડીવીઆર જપ્ત કર્યો છે.
આરોપીનું નામ પરશુરામ સરવદે હોવાનું પોલીસે જણાવ્યું હતું. નિઝામપુરા પોલીસ સ્ટેશન હદમાં આવેલા મીઠપાડા ખોણી ખાતે આવેલા ગોડાઉનમાં અલગ અલગ કંપનીના શર્ટ, પેન્ટ, ટી-શર્ટ, પડદાનું કાપડ, સલવાર-સુટનું કાપડ અને તૈયાર સલવાર-સુટ રાખવામાં આવ્યા હતા. ગોડાઉનના તાળા તોડીને આરોપીએ ચોરી કરી હતી. પુરાવા ના રહે એ માટે આરોપીએ સીસીટીવી કેમેરા અને ડીવીઆર પણ લઈને ફરાર થઈ ગયો હતો.
ઘટનાસ્થળ પર મળી આવેલી ખાલી પાણીની બાટલી અને વેફર્સના ખાલી પેકેટ પરથી પોલીસે આખો કેસ ઉકેલ્યો હતો. આ પાણીની બોટલ અને વેફર્સ કઈ દુકાનમાંથી ખરીદવામાં આવી છે, કોણે ખરીદી છે એ અંગેની માહિતી એકઠી કરવાનું શરું કરી દીધું હતું. આ બોટલ એક હોટેલની હોવાની માહિતી પોલીસને મળી હતી અને ત્યાંના સીસીટીવી ફૂટેજ તપાસતાં હિસ્ટ્રીશિટર ગુનેગાન પરશુરામ સરવડે પાણીની બોટલ ખરીદતો દેખાયો હતો.
આ હિન્ટ પરથી પોલીસે પરશુરામનો મોબાઈલ ફોન મેળવીને તેની તપાસ કરતાં આરોપી અંજુફાટા સાઠે નગર ખાતે હોવાની માહિતી મળી હતી. ટ્રેપ ગોઠવીને પોલીસે પરશુરામની ધરપકડ કરી હતી. દરમિયાન પરશુરામે તેના ત્રણ-ચાર સાથીદાર સાથે મળીને આ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને ચોરાયેલો માલ જપ્ત કર્યો હતો.