નિ:શુલ્ક શિક્ષણનાં ભેખધારી શિક્ષિકા

લાડકી

કવર સ્ટોરી-મુકેશ પંડ્યા

ગુરુપૂર્ણિમાના શુભ દિવસે આ લેખ લખાઈ રહ્યો હતો ત્યારે દેશની બે ઉત્તમ શિક્ષિકાઓ વિશે વાત કરવાની લાલચ રોકી ન શકાઈ.
આમાંનાં એક છે ભાજપ-એનડીએનાં રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ જેમના રાજકીય પ્રવાસ વિશે અત્યાર સુધીમાં તમે કદાચ ઘણું બધું જાણી ચૂક્યા હશો, પરંતુ આપણે તેમની શિક્ષણ પ્રવૃત્તિ વિશે વધુ પ્રકાશ પાડવો છે.
ઓડિશાના છેવાડેના ગામમાં સંથાલ આદિવાસી જાતિમાં જન્મેલાં દ્રૌપદી મુર્મૂનો પરિવાર ખૂબ ગરીબ. તે વખતે આદિવાસી પરિવારની મહિલાઓમાં ભણતરનું પ્રમાણ ઘણું ઓછું, પણ દ્રૌપદીને ખૂબ ભણવું હતું. ભણીને સારી જગ્યાએ નોકરી મળે – કમાણી થાય તો પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકાય એ જ તેમનો તે વખતે ઈરાદો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ જ્યાં લીધું ત્યાંના એક શિક્ષક વસંતકુમાર ગિરિ આજે ૮૫ વર્ષના છે. તેઓ કહે છે કે ‘દ્રૌપદી ભણવામાં ખૂબ હોશિયાર હતી. દરેક પરીક્ષામાં તે પ્રથમ નંબરે પાસ થતી હતી. તેના પિતા ગામના સરપંચ હતા. તેમના જેવી વક્તૃત્વ કળા દ્રૌપદીને પણ વારસામાં મળી હતી. વક્તૃત્વ સ્પર્ધામાં પણ તેને ઘણાં ઇનામો મળ્યાં હતાં.’
ઓડિશાની રામદેવી વિમેન્સ યુનિવર્સિટીમાં ભણીને તેમણે બી.એ.ની ઉપાધિ મેળવી. તેમની કારકિર્દીની શરૂઆત શિક્ષકની નોકરીથી થઈ અને તે પણ માનદ સેવા રૂપે. તેમણે વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ભણાવ્યા. રૂઢિચુસ્ત સમાજમાં તેમણે અનેક કુરિવાજો પણ સહન કરવા પડ્યા. લગ્ન પછી સાસરિયાંઓએ તેમને નોકરી કરવાની ના પાડી તો તેમણે બાળકોને મફતમાં ભણાવવાનું શરૂ કરી દીધું. આ કામથી જ તેમને સમાજસેવા કરવાની તીવ્ર ઇચ્છા ઉત્પન્ન થઈ.
વિના વેતન શિક્ષક તરીકે કામ કરતાં કરતાં તેમણે મહિલા શિક્ષણને પણ ખૂબ પ્રાધાન્ય આપ્યું. તેમના પ્રયાસોથી તેમના ગામની શાળાઓમાં આજે છોકરાઓ કરતાં છોકરીઓની ટકાવારી વધુ છે. તેમની ભણાવવાની પદ્ધતિ પણ ઘણી જ સરળ હતી. તેઓ વિદ્યાર્થીઓને પોતાનો વિષય એટલો રસપૂર્વક શીખવતાં હતાં કે તેમનો વિષય ભણવામાં સરળ બની જતો હતો. ઘણા વિષય વિદ્યાર્થીઓને અઘરા લાગે તો તેમણે અલગથી ટ્યુશન લેવાં પડતાં હોય છે, પરંતુ દ્રૌપદીએ શીખવેલા વિષયમાં કોઈ પણ વિદ્યાર્થીએ વધારાનાં ટ્યુશન લેવાની જરૂર પડતી નહીં એટલું જ નહીં, તેમણે શીખવેલા વિષયમાં વિદ્યાર્થીઓને ૭૦ ટકા કરતાં પણ વધુ માર્ક્સ આવતા હતા. આ કારણસર જ તેમના ક્ષેત્રમાં તેઓ ખૂબ લોકપ્રિય થયાં હતાં. તેમને તેમના ભણતરનું જરાય અભિમાન પણ નહીં. બીજી આદિવાસી અભણ મહિલાઓ તેમના જેવી ભણેલી સ્ત્રીથી શરમાઈને દૂર ભાગે ત્યારે તેઓ સામેથી તેમના ઘરે જાય. સાથે મળીને ખાય અને તેમનો ક્ષોભ દૂર કરે.
આવા સાદગી, નમ્રતા અને સમાજસેવાના ગુણ થકી જ તેઓ પ્રથમ નગરસેવિકા બન્યાં અને ત્યાર બાદ વિધાનસભ્ય પણ બન્યાં. ઝારખંડનાં રાજ્યપાલ પણ બન્યાં અને આજે આ છેવાડેની વ્યક્તિ દેશની પ્રથમ નાગરિક અર્થાત્ રાષ્ટ્રપતિ બનવા જઈ રહી છે. ૧૮મી જુલાઈએ થનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમનો વિજય નિશ્ર્ચિત ગણાય છે.
નાનપણથી જ ગરીબી અને કુરિવાજોની જાળ તોડીને આગળ વધેલી આ શિક્ષિત મહિલાના અંગત જીવનમાં પણ ઘણી અડચણો આવી હતી. તેમના બે પુત્રો અને પતિ તેમ જ માતા અને ભાઈનું બહુ ટૂંકા ગાળામાં મૃત્યુ થઈ ગયું હતું. એક સમયે તેઓ એટલાં ડિપ્રેશનમાં આવી ગયાં હતાં કે લોકોને થયું કે તેઓ નહીં બચે, પણ આ બધી મુશ્કેલીઓને પાર કરીને આજે તેઓ આ મુકામે પહોંચ્યાં છે ત્યારે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગામડામાં ભણીને સમાજસેવા કરતાં દ્રૌપદી મુર્મૂ વિશે જાણ્યા પછી હવે મુંબઈમાં ભણીને આપણી સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાની સેવા કરતાં, લોકોને નિ:શુલ્ક સંસ્કૃત ભાષા શીખવતાં શિક્ષિકા સ્મિતાબહેન જોષી વિશે થોડું જાણીએ.
સ્મિતાબહેને એમ.એ. વિથ ગુજરાતી-સંસ્કૃત કર્યું છે. એમ.એ. (સંસ્કૃત) પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયાં છે. તેઓ વર્ધા સંસ્થાની હિન્દી પરીક્ષાઓ પણ પાસ કરી ચૂક્યાં છે. કળા, સાહિત્ય, સંગીત અને દર્શનશાસ્ત્રમાં ઊંડો રસ ધરાવનારાં સ્મિતાબહેનની મુખ્ય પ્રવૃત્તિ સંસ્કૃત ભાષાનો પ્રચાર-પ્રસાર કરવાની રહી છે. અત્યારે ભારતીય વિદ્યા ભવન સાથે સંકળાઇને તેઓ આ પ્રવૃત્તિનો વેગ વધારી રહ્યાં છે. આનંદની વાત તો એ છે કે આપણે બધા રવિવારે જમ્યા પછી નીંદર માણવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા હોઇએ તે સમયે આ સ્મિતાબહેન સ્મિત વદને બોરીવલીમાં આવેલા પ્રખ્યાત સાઇબાબા મંદિરે ફાળવેલા હૉલમાં વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા તદ્દન ફ્રીમાં શીખવે છે. તેમના વિદ્યાર્થી વગમાં નાનાં બાળકોથી લઇને મોટી ઉંમરનાં સ્ત્રીપુરુષો પણ છે. હાલ ચાતુર્માસ ચાલી રહ્યા છે ત્યારે સામાન્ય માણસો પણ સંસ્કૃતના શ્ર્લોકો, મંત્રો, ઋચાઓ, સ્તવનો, મહિમ્ન સ્તોત્ર અને પાઠનું પઠન કરતા હોય છે. જર્મની જેવા અનેક યુરોપના દેશો વૈજ્ઞાનિક ભાષા તરીકે સંસ્કૃતને સ્વીકારે છે. એક સમયે કૉમ્પ્યુટર લેંગ્વેજ સંસ્કૃત ભાષાને વધુ ઉપર્યુક્ત થઇ રહેશે તેવી આગાહી પશ્ર્ચિમના અનેક દેશો કરી રહ્યા છે ત્યારે ભારતમાં જ સંસ્કૃત ભાષાને ઘરકી મુર્ગી દાલ બરાબર સમજીને તેની ઉપેક્ષા કરવામાં આવે છે. આમ છતાં વિદેશી ભાષાના આક્રમણ સામે સંસ્કૃતને ટકાવી રાખવાના સ્મિતાબહેનના પ્રયાસો અતિ પ્રશંસનીય છે.
સંસ્કૃત શીખવાની પ્રેરણા ક્યાંથી મળી તેવો પ્રશ્ર્ન પૂછતાં સ્મિતાબહેન જવાબ આપે છે કે તેમના દાદા સંસ્કૃતના વિદ્વાન હતા. તેમના પિતાશ્રી જોડે પણ સંસ્કૃત શ્ર્લોકો અને કાવ્યોની ચર્ચા થતી. પિતા જે સરળતાથી વ્યાકરણના સિદ્ધાંતો સમજાવતા હતા એ સમજીને એમને પણ સંસ્કૃત ભાષામાં નાનપણથી જ સુષુપ્ત રસ જાગ્યો હતો. આખરે એક કોર્પોરેટ કંપનીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇને તેમણે ફરી એમ. એ. વિથ સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો. તેમને આદિ શંકરાચાર્યના ચિંતનમાં – જીવનદર્શનમાં રસ હોવાથી તેમણે વેદાંતશાસ્ત્ર ભણાવવાનું પસંદ કર્યું. સંસ્કૃત ભાષાના મહત્ત્વ વિશે સમજાવતાં સ્મિતાબહેન કહે છે કે આ ભાષા એ માત્ર વિચારોની અભિવ્યક્તિનું સાધન નથી, પણ આ ભાષા તેના સુશ્ર્લિષ્ટ બંધારણથી, શબ્દગઠનની અદ્ભુતતાથી અને અર્થપૂર્ણ શબ્દ સંયોજનોથી આલેખિત વસ્તુનું આખેઆખું ચિત્ર ઊભું કરે છે. તેના વૈજ્ઞાનિક વ્યાકરણની જરૂર આજે કૉમ્પ્યુટર નિષ્ણાતોને પણ પડી રહી છે.
આ ભાષાને આપણા સાધુ-સંત સમાજે જીવિત રાખી છે અને તે માત્ર કર્મકાંડ કે ઉપાસના પદ્ધતિ સુધી સીમિત ન રહેતાં, આધુનિક કૉમ્પ્યુટર યુગમાં પણ પોતાની ઉપયોગિતા સાબિત કરી રહી છે એટલે તેનું ભવિષ્ય પણ ઉજ્જ્વળ છે. સંસ્કૃત ભાષાને એટલે જ દેવભાષા કહેવાય છે. દેવોની જેમ આ ભાષા પણ અમર રહેશે તેવી સ્મિતાબહેનને પૂર્ણ શ્રદ્ધા છે.
સંસ્કૃત ભાષા લોકોને શીખવવાની પ્રેરણા કેવી રીતે મળી તેના જવાબમાં સ્મિતાબહેન કહે છે કે ‘સમાજનું આપણા પર ઋણ હોય છે એ આપણે ચૂકવવું જોઇએ એવી મારી માન્યતા છે. મેં વિદ્યાદાન આપીને સમાજનું ઋણ ચૂકવવાનો નિર્ણય કર્યો. આમ પણ શિક્ષણ આપવાની ઉમદા પરંપરા અમારા કુટુંબમાં હતી. શરૂઆતમાં કોલેજમાં શીખવ્યા પછી મેં શાળાનાં બાળકોને સંસ્કૃત શીખવવાનું શરૂ કર્યું. ઘણા વિદ્યાર્થીઓ સંસ્કૃતને અઘરો વિષય માનીને તેને બાકાત રાખતાં, પણ મેં એને સરળ બનાવ્યો. તેમનામાં વિશ્ર્વાસ આવ્યો. અરે અલ્પસંખ્યકો અને અન્ય ધર્મોનાં બાળકોને પણ આ ભાષામાં રસ ઉત્પન્ન થવા લાગ્યો. બીજું, મને એમ પણ લાગ્યું કે આપણા દ્વારા સંસ્કૃતમાં બોલાતી પ્રાર્થના અને સ્તુતિનો જો અર્થ સમજાય તો હૃદયનો ભાવ વધે અને વધુ આનંદ પ્રાપ્ત થાય. એ વિચારથી સંસ્કૃત શીખવવાનું શરૂ કર્યું.’
સ્મિતાબહેનને અનેક સર્ટિફિકેટ અને એવોર્ડ મળ્યા છે, પણ એમને એનું જરા પણ અભિમાન નથી.
ધન્ય છે આ બેઉ મહિલાઓને. એકે ભણીને સમાજસેવા કરી તો બીજી સંસ્કૃતસેવા કરી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.