રોહિંગ્યા મુદ્દે ભવાઈ, ભાજપ પીછેહઠ ના કરી શકે

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

રોહિંગ્યા મુસ્લિમોના મુદ્દે બુધવારે જોરદાર ભવાઈ ભજવાઈ ગઈ. ભાજપના નેતા વરસોથી રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો ગજવે છે. રોહિંગયા મુસ્લિમો દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે, આતંકવાદ ફેલાવે છે, અપરાધોમાં સામેલ છે વગેરે વગેરે આક્ષેપો કરીને ભાજપના નેતા વરસોથી રોહિંગ્યા મુસ્લિમોને ભારતમાંથી તગેડી મૂકવા જોઈએ એવો દેકારો મચાવે છે ત્યારે બુધવારે મોદી સરકારના શહેરી વિકાસ મંત્રી હરદીપસિંહ પુરીએ ધડાકો કરી નાંખ્યો.
પુરીએ દિલ્હીમાં રોહિંગ્યા મુસ્લિમોને ઈડબલ્યુએસ એટલે કે ગરીબો માટેના ફ્લેટમાં વસાવવાની જાહેરાત કરી નાંખીને સૌને સ્તબ્ધ કરી નાંખ્યા. ભાજપનો રોહિંગ્યાઓ સામેનો વિરોધ બહું ઉગ્ર છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકાર રોહિંગ્યા મુસ્લિમોને પંપાળી રહી છે, તેમને માગે ત્યારે વીજળી, પાણી, રાશન સહિત તમામ જરૂરી સવલતો આપવા ફરમાન કરાયું છે એવો સત્તાવાર પત્ર ભાજપે લખેલો. કૉંગ્રેસે વરસો લગી રોહિંગ્યા મુસ્લિમોને પંપાળીને દેશદ્રોહ કર્યો ને હવે કેજરીવાલ સરકાર રોહિંગ્યા મુસ્લિમોને પોષીને દેશદ્રોહ કરી રહી છે એવો દેકારો ભાજપના નેતા વરસોથી મચાવતા હતા.
પુરીએ કરેલી જાહેરાત ભાજપના આ વલણથી સાવ વિપરીત હતી તેથી સૌને એણ જ લાગ્યું કે, મોદી સરકાર રોહિંગ્યાઓના પગોમાં આળોટી ગઈ છે. કેજરીવાલ સરકાર તો રોહિગ્યા મુસ્લિમોને વીજળી, પાણી, રાશન વગેરે આપે તેની સામે ભાજપના નેતાઓને વાંધો હતો. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તો રોહિંગ્યા મુસ્લિમોને ફ્લેટ આપીને અહીં કાયમ માટે ધામા નાંખવાની સવલત કરી આપવાની છે ને તેમના રક્ષણ માટે પોલીસ પણ ખડે પગે તૈયાર રખાશે એવી જાહેરાતથી સોને આંચકો લાગે જ.
આ વાત વોટ્સએપ યુનિવર્સિટીમાં ફરતા ગપગોળા જેવી પણ નહોતી કેમ કે મોદી સરકારના મંત્રી હરદીપસિંહ પુરીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. પુરીએ ડહાપણ ડહોળ્યું હતું કે, ભારત એવા બધાં લોકોનું સ્વાગત કરે છે કે જે દેશમાં શરણાર્થી તરીકે રહેવા માગે છે. ભારત સંયુક્ત રાષ્ટ્રના રીફ્યુજી ક્ધવેન્શન ૧૯૫૧ને માને છે અને રંગ, ધર્મ કે જાતિના ભેદભાવ વિના જેને પણ જરૂર હોય તેને આશ્રય આપે છે. પુરીનું કહેવું છે કે, જે લોકો ભારતની શરણાર્થીઓ અંગેની ખોટી નીતિ વિશે ખોટી અફવાઓ ફેલાવે છે અને તેને સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) સાથે જોડે છે તેમને નિરાશા સાંપડશે.
પુરીની આ જાહેરાતના પગલે સોશિયલ મીડિયા પર સૌ તૂટી પડેલાં. આ જાહેરાતને ભાજપના ડબલ સ્ટાન્ડર્ડનો વધુ એક પુરાવો ગણાવીને તેના માથે માછલાં ધોવાવા માંડેલાં. ભાજપની માનસિકતા અમે કરીએ એ લીલા ને બીજાં કરે એ છિનાળું એવી છે એવી ટીકાઓએ પણ શરૂ થઈ ગયેલી. વૈશ્ર્વિક દબાણ સામે ઝૂકીને ભાજપ રોહિંગ્યાઓના પગોમાં આળોટી ગયો છે એ દેખાઈ રહ્યું છે એવી ટીકાઓ પણ થઈ.
આ ટીકાઓના પગલે કેન્દ્રના ગૃહ મંત્રાલયે મેદાનમાં આવીને ચોખવટ કરવી પડી કે, રોહિંગ્યા મુસ્લિમોને ઈડબલ્યુએસ ફ્લેટમાં વસાવવાની વાત ખોટી છે અને રોહિંગ્યા અત્યારે જ્યાં રહે છે એ ડીટેન્શન સેન્ટર્સમાં જ રહેશે. એ ચોખવટ પણ કરાઈ કે, રોહિંગ્યાઓને તેમના દેશ પાછા મોકલવાના છે તેમાં શંકા નથી તેથી તેમને નવાં મકાનો આપવાનો સવાલ જ નથી. દિલ્હીના ડીટેન્શન સેન્ટરના ૧૧૦૦ રોહિંગ્યાઓને ક્યાંય ખસેડવાના નથી ને દિલ્હી સરકારને રોહિંગ્યાઓ જ્યાં રહે છે તે જગાને ડીટેન્શન સેન્ટર જાહેર કરવા પણ કહી દેવાયું છે.
ગૃહ મંત્રાલયની ચોખવટ પછી ભાજપ અને મોદી સરકાર સામેનો આક્રોશ શાંત પડ્યો પણ એ પહેલાં લોકોએ એવો જોરદાર ઉકળાટ બતાવેલો કે એ જોઈને ભાજપના નેતા હબકી જ ગયા હશે. બલ્કે પુરીની ટ્વીટ પછી તો રોહિંગ્યા મુસ્લિમોને ભરપેટ ગાળો આપતા ભાજપના નેતા ને અંધ ભક્તોની બોલતી જ બંધ થઈ ગયેલી કેમ કે તેમણે પણ મોદી સરકાર સાવ આવી ગુલાંટ લગાવી દેશે એવી કલ્પના નહીં કરી હોય. એ સ્વાભાવિક પણ છે કેમ કે ભાજપે જ રોહિંગ્યા મુસ્લિમો વિરુદ્ધ દેશભરમાં માહોલ પેદા કર્યો છે. હવે એ જ રોહિંગ્યા પ્રિતીપત્ર થઈ જાય તો લોકોનું લોહી ઉકળે જ. ભાજપ જેમને દેશમાં રખાય જ નહીં એવી વાતો કરતો હતો એ જ રોહિંગ્યા મુસ્લિમો માટે માટે મોદી સરકાર ફ્લેટની વ્યવસ્થા કરે તેનાથી લોકોમાં આક્રોશ પેદા થાય જ.
રોહિંગ્યા મુસ્લિમોના મામલે મોદી સરકારે પહેલાં જ સ્પષ્ટ કરેલું છે કે, અમને આ પારકી પંચાત ખપતી નથી. રોહિંગ્યાઓનો ડખો ક્યારનોય ચાલે છે ને યુનાઈટેડ નેશન્સ પણ આ ડખામાં પડેલું છે. યુનાઈટેડ નેશન્સમાં બેઠેલા નમૂનાઓએ ફાંકા ફોજદારી સિવાય કાંઈ કરવાનું હોતું નથી. આ મામલામાં પણ એ લોકો એ જ ધંધો કરી રહ્યા છે. તેમણે ભારતમાં રોહિંગ્યા મુસ્લિમોને માટે વ્યવસ્થા કરવા ને તેમના માનવાધિકારોનું જતન કરવા ફરમાન કરેલું.
મોદી સરકારે એ વખતે જ જાહેર કરેલું કે, રોહિંગ્યા અમને ધોળે ધરમેય ના ખપે ને અમે તેમને અહીંથી તગેડી મૂકવા માગીએ છીએ. યુનાઈટેડ નેશન્સના માનવાધિકાર પંચે તેની સામે વાંધો લીધેલો ને સૂફિયાણી સલાહ આપેલી કે, તમે લોકોને આ રીતે સાગમટે તગેડી ના શકો. તેમની જીંદગીને જોખમ છે કે અત્યાચાર થવાની સંભાવના છે ત્યાં મોકલી ના શકો.
મોદી સરકારે તડ ને ફડ કરીને કહી દીધેલું કે, રોહિંગ્યા અમારા જમાઈ નથી કે અમારે તેમની પરોણાગત કરવાની હોય. રોહિંગ્યા અમારા માથે આવી પડેલા ગેરકાયદેસર વસાહતી છે ને તેમને સંઘરવા એ અમારી ફરજ નથી. અમને અમારી સલામતી સામે જોખમરૂપ લાગે તેમની સામે કાયદા પ્રમાણે વર્તવાનો હક છે ને તમે આ વાતમાં ડબડબ કરશો નહીં. ભારતે ચોખવટ પણ કરેલી કે અમે સંવેદનશીલ નથી એવું નથી પણ અમારા માટે અમારી સલામતી સૌથી મહત્વની છે ને તેને માટે જે કરવું પડે એ અમે કરીશું.
મોદી સરકારે આ જ વાત સુપ્રીમ કોર્ટમાં કરી હતી. મોદી સરકારના રોહિંગ્યાને ભારતમાં નહીં રહેવા દેવાના નિર્ણય સામે બે રોહિંગ્યા નાગરિકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. એ સંદર્ભમાં મોદી સરકારે કહેલું કે, રોહિંગ્યા મુસ્લિમો ભારતના નાગરિકો નથી તેથી તેમને પોષવાની જવાબદારી સરકારની નથી. રોહિંગ્યા મુસ્લિમોમાંથી કેટલાક પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ ને ઈસ્લામિક સ્ટેટ જેવાં આતંકવાદી સંગઠનોના પીઠ્ઠુ છે.
મોદી સરકાર આ વલણ ના જ બદલી શકે ને આશા રાખીએ કે, ભવિષ્યમાં પણ ના બદલે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.