Homeઈન્ટરવલભવનાથનો મહાશિવરાત્રિ મેળો એટલે કે જાણે મિની કુંભમેળો

ભવનાથનો મહાશિવરાત્રિ મેળો એટલે કે જાણે મિની કુંભમેળો

તસવીરની આરપાર -ભાટી એન.

“મહાશિવરાત્રિ મહા માસના કૃષ્ણપક્ષમાં અમાવાસ્યાના યોગવાળી ચૌદશ. આ તિથિનું અતૂલ્ય માહાત્મ્ય છે…! આ દા’ડે દાન, તપ, અનુષ્ઠાન, પુણ્ય કરવાથી અનેકાનેક ગણા પુણ્યની પ્રાપ્તી ને મોક્ષનાં દ્વાર ખૂલી જાય છે…! શિવજી ભોળાનાથ ત્રૈલોકમાં સર્વોત્કૃષ્ટને શિવસહસ્ત્રનામ ધારી ભજવા-પૂજવા યોગ્ય દેવ છે. લોકકલ્યાણકારી ભોળિયાનો નઝારો નિરખવો હોય’તો સૌરાષ્ટ્રની પ્રાચીનત્તમ ભૂમિ જૂનાગઢમાં ગિરનારની ગોદમાં ભરાતો મહાશિવરાત્રિનો મેળો માણવા આવું પડશે. તેની તસવીરી ઝલક સંગાથે મહામૂલો મેળો માણો.
ગુજરાતની ગરવી ગુર્જર ધરામાં ભાત… ભાતના ચિત્ર વિચિત્ર મેળા અસંખ્ય ભરાય છે. તેમાં ભાતીગળ પ્રેમભીનો તરણેતરનો મેળો – માધવપુરનો મેળો શ્રીકૃષ્ણ ને રૂક્મિણીના ભક્તિભાવથી લગ્ન થાય છે. તેમાં અલભ્ય ભોળાનાથ સાથે એકાકાર થવાનો મેળો એટલે ‘ભવનાથનો મેળો’ (મહાશિવરાત્રિ)નો મેળો આપણી ભોમકાનો હાર… હર… મહાદેવના નાદ અંતર આત્મામાં જળાહળ થઈ જાય સાક્ષાત ભગવાન શંકર તમને સમક્ષ મળવા આવ્યા હોય તેવી અનુભૂતી તંતોતંત થાય છે.
મહાશિવરાત્રિનો મેળો આધ્યાત્મક ને લોકસંસ્કૃતિના દર્શન થાય છે. મહાવદ નોમથી મહાવદ તેરસ મહાશિવરાત્રિ સુધીના પાંચ દિવસ ગિરિકંદરામાં ભક્તિ ને ભોજનની રમઝટ બોલે છે. ગિરનારની કંદરાની વિરાટ ડુંગર જ કોઈ સાધુ અવધુત મહાત્મા સૂતા હોય તેની પ્રતિકવાળું મુખરવિંદ ડુંગરમાં બરાબર નિરખવાથી કળી શકાય છે. ગુજરાતનો વિરાટ ડુંગર છે. ગિરનાર અતિ પ્રાચીન ને ધાર્મિકતા સભર ખરો. ગિરનારની અસંખ્ય ટૂંકો છે. જૈનોનું ભવ્ય તિર્થધામ છે. તેના નયનરમ્ય દેરાસરો છે. ગિરનાર ચઢવા હજારો પગાથિયા ચડીને જવાય છે…! કિલોમીટરના ક્ષેત્રફળમાં પથરાયેલ ગિરનાર દૂર દૂરથી નિરખી શકાય છે. જૈનોના તીર્થધામથી આગળની ટૂંકે (ટેકરી)એ આપ પહોંચો એટલે મા ભગવતી અંબાજીની ટેકરીમાં અલૌકિક નઝારાથી લચિત નઝારો નિરખવા મળે. શ્ર્વેત રંગના મંદિરમાં કેશરી રંગની અંબાજી માતાની મૂર્તિના દર્શન કરી ધન્યતા અનુભવે છે. કલાકો સુધી હજારો પગથિયા ચડ્યા બાદ ભક્તજનો અનહદ થાકી જાય છે. ને છેલ્લી ઊંચી ટૂંક (ટેકરી) દત્તાત્રેય ભગવાનની છે ત્યાં તેના ચરણાવિંદ છે. આ ટેકરી ચઢવાની વાત લખું છું ત્યાં મારા પગ એકીબેકી રમવા લાગે છે…! હા આ ટૂંકે તમારી અગ્નિ પરિક્ષા થાય છે. ત્યાં ચઢવા મનોબળ મજબૂત જોઇએ. સીધું ચઢાણ છે. થાકેલા માણસને અતિ કપરૂ કામ દિસે છે. જ્યારે તમે દત્તાત્રેય ટૂંકે ચઢો એટલે અનહદ પુલકિત થાવ છો. દતાત્રેય ભગવાનના ચરણાવિંદના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આવા દેવોની ભૂમિવાળા ગિરનારની ગોદમાં મેળો માણવો રૂડો અવસર ગણાય છે.
ધન્ય ધરણી સોરઠ, ને ઉચ્ચો ગઢ ગિરનાર, ને જીયા સાવજડા સેંજણ પીવે ને જેના નમણા નરને નાર, નરસિંહ મહેતાના જીયા કડતાલ વાગે ને સોરઠમાં ચારસો સાવજની ડણકું ગુંજતી હોય તે ભૌમકાનું હીર તો અતૂલ્ય જ હોયને! મેળાનો સાચો રંગ શિવરાત્રીએ નિહાળવા મળે છે. મેળા અગાવ દિગંબર (નગ્ન) સાધુઓ અખાડા નાખી ધુણી ધખાવી રહે છે. તો ભજન-કિર્તનની રાવટીમાં સંતવાણીનો દોર સાતે પોર, દિવસ ચાલતો હોય છે. તો ભોજન પ્રસાદની સેવા બેનમૂન હોય છે. તેના મોટા… મોટા પંડાલ નાખી જમવાની પૂરતી વ્યવસ્થા રાખવામાં આવે છે. મેળામાં આવતા ભક્તો નગ્ન સાધુના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શિવરાત્રિની સાંજના ચાર વાગતા મેળો આખો થંભી જાય છે. મેળાના તમામ રસ્તાની બંને બાજુ લાકડાની રેલિંગ બનાવી દેવામાં આવે છે. ને ભક્તોનો દિગંબર સાધુની રેવાડીના અલૌકિક નઝારાના દુર્લભ દર્શન કરવા સર્વોત્કૃષ્ટ નઝારો નિહાળવા હજારો લોકો રસ્તાની બન્ને બાજુ અકડેઠાઠ બેસી જાય છે. શિવરાત્રિના દિવસે સવારથી જ જૂનાગઢના વાઘેશ્ર્વરી દરવાજાથી બહાર નીકળતા ગિરનાર તરફ જતો રસ્તો કોઈ ગાંડીતૂર નદી મહાસાગરને મળવા દોડતી, હરણા જેમ ઉછળકૂદ કરતી જતી હોય તેમ માનવ
મેહરામણ જતું હોય. ઓનલી ફોર કળા ભમર માથા જ દેખાય. લાખો લોકોની પાવન ગંગા શિવને પામવા જતી હોય. ગિરનાર તે દિવસે હિમાલય બની જાય…! પાવન ભક્તિની સરિતાથી ગિરનાર થીજીને હિમગિરિ બની જાય છે…!!
શિવરાત્રિની સાંજના એક તસવીરકાર તરીકે અદ્ભૂત નઝારો કેમેરે કેદ કરવાની મજા અવિસ્મરણ્ય હોય છે. ઢળતી સાંજના દિગંબર સાધુઓ હેરત ભર્યા કરતબો કરે છે…! તેની ઇન્દ્રીમાં તલવાર કે લાકડી ભરાવી તેના ઉપર બીજા નગ્ન સાધુ ઊભા રહે છે. તો તલવારબાજી કે લાકડીથી દાવ ખેલે છે. અમુક સમયે મોટર જેવા વાહને ઇન્દ્રિ વડે ખેંચે છે…! સાંજ ઢળતા સંધ્યા આરતીમાં તમામ નગ્ન સાધુ મંદિરે આવી પ્રદક્ષિણા કરે છે. ને નગ્ન સાધુને પુષ્પ માળા પહેરાવે છે. બાદમાં કતારબધ સાધુ ભસ્મા લગાવેલ હર… હર… મહાદેવના ગગનભેદી નાદ સાથે કંદરાઓ ગૂંજી ઊઠે છે…! નાગાબાવાની રેવાડી મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ શાહીસ્નાન મૂર્ગીકુંડમાં કરવા નીકળે છે. જેમાં શાહી સવારીમાં પંચદશનામી જૂના અખાડા, આહ્વાન અખાડા, અગ્નિ અખાડા, નિરંજની અખાડા, ઉદાસી અખાડા, ગોદડ અખાડા, નાથ અખાડા, નિરંજની અખાડા ને વૈષ્ણવ સાધુઓ’તો ખરા રેવાડીમાં અગ્ર આદ્યગુરુ દત્તાત્રેય મહારાજની દ્વિતીય ક્રમે ગણપતિ મહારાજ, ત્રિતીય પાલખીમાં ગાયત્રી માતાજી અને ગજરાજ ઉપર મહા મંડલેશ્ર્વરની શાહી સવારી સંગાથે ઢોલ-નગારા-બેન્ડવાજા-ભજન કિર્તન સાથે નગ્ન સાધુ ભભૂતીથી શોભતા કરતબ કરતા મોટી ફોજ બમબમ ભોલેના જયઘોષ અંબર સુધી ગૂંજે છે. આ શિવરૂપ સાધુના દર્શન કરવાથી જન્મજન્માંતર ચોર્યાશીનો ફેરો ટળી જાય છે. રેવાડી લાંબી કતારમાં મેળામાં ફરીને મધ્યરાત્રીના બારના ટકોરે ભવનાથ મંદિરને અડીને આવેલ મૃર્ગીકુંડમાં શૈવસંપ્રદાયના સાધુને નાગાબાવા શાહી સ્નાન કરે છે. ઘુબાકા મારતા શિવજીના નામોચ્ચાર કરતા ગિરનારની તળેટીમાં પરત જતા રહે છે. મેળાની ચરમસીમા સમૂહસ્નાન બાદ આ આધ્યાત્મિક શિવની અનુભૂતિના અહેસાસ કરતા ધન્ય… ધન્ય ઘડી કરતા ફરીને ભક્તિભાવવાળો મેળો કરવાની અભીપ્સા રહે છે… હર… હર… મહાદેવ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular