ગુજરાત પોલીસ હાલમા ઠેર ઠેર જનતા દરબાર ભરી વ્યાજખોરો દ્વારા આપવામાં આવેલા ત્રાસની ફરિયાદો લઈ રહી છે. લોકોએ મજબૂરીમાં વ્યાજખોરો પાસે જવું પડે છે અને તે બાદ તેઓ તેમના સંકજામાં એવા તો ફસાઈ છે કે નીકળવાનું મુશ્કેલ બની જાય છે. ઘણા કેસમાં પરિવાર સામૂહિક આત્મહત્યા કરી લેતો હોવાનું અથવા ઘરના પુરુષો આત્મહત્યાનો માર્ગ લેતા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પૈસાની જરૂર હોય તો શું કરવું તેવો સવાલ સામાન્ય નાગરિકોને થતો હોય છે. આના ઉકેલ તરીકે લોકોને જાણકારી આપવા ભાવનગર પોલીસે લોન મેળાનું આયોજન કર્યું હતું.
જાહેર જનતાના હિતમાં પોલીસ તેમજ વિવિધ બેંકોની હાજરીમાં આ લોન મેળાનું પોલીસ વડી કચેરીએ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાત મંદ લોકો હાજર રહ્યાં હતાં. રાજ્ય સરકારના ગૃહ મંત્રાલય દ્વારા વ્યાજ ખોરોનું દૂષણ ડામવા માટે કડક આદેશ આપવામાં આવેલા છે જેના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં આજે પોલીસના અધ્યક્ષ સ્થાને એક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિવિધ બેન્કો ના મેનેજર સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા અને જનતાને સરળતાથી લોન કેવી રીતે મળી શકે તે માટે તેમને માહિતગાર કર્યા હતા. આ સાથે જ વ્યાજખોરોના ચૂંગલ માંથી કેવી રીતે બચવું તેનાથી પણ માહિતગાર કર્યા હતા જિલ્લામાં સંપૂર્ણપણે વ્યાજખોરોનું દુષણ દૂર કરવા માટે નવતર પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યા છે ભાવનગર જિલ્લાના ડીએસપી કચેરી લોન મેળાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ સાથે જ નેશનલાઈઝ બેન્કમાં સરળતાથી મધ્યમ વર્ગના લોકોને લોન મળી રહે તે માટે પણ લોકોએ રજૂઆત કરી હતી.