ભાવનગરના વતની ઇન્ડિયન એરફોર્સના ફ્લાઈંગ ઓફિસરે જીવન ટુંકાવ્યું, નોકરીના પ્રેશરને લીધે ડિપ્રેશનમાં હતા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ગ્વાલિયર ખાતે ટ્રેનીંગ લઇ રહેલા મૂળ ભાવનગરના વતની ઇન્ડિયન એરફોર્સના ૨૫ વર્ષીય ફ્લાયીંગ ઓફિસર જયદત્તસિંહ સરવૈયાએ આત્મહત્યા કરી લેતા ભાવનગરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેઓ ઇન્ડિયન એરફોર્સમાં ક્લાસ 1 રેન્ક ધરાવતા ફ્લાયીંગ ઓફિસર હતા. મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે એરફોર્સની હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના પાર્થિવ દેહને આજે ભાવનગર ખાતે લાવી અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મળતી મહતી મુજબ એક વર્ષ પહેલા ઈન્ડિયન એરફોર્સની ખુબ અઘરી મનાતી પરીક્ષા પાસ કરી ફ્લાઈંગ ઓફિસર બનેલા જયદત્તસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયા એરફોર્સમાં ટ્રેનિંગ લઈ રહ્યાં હતા. પ્રથમ બેંગ્લોર ખાતે ટ્રેનિંગ પુર્ણ કર્યાં બાદ ગ્વાલિયર ખાતે તેમની ટ્રેનિંગ ચાલી રહી હતી દરમિયાન બુધવારે વહેલી સવારે કોઈ દેખીતા કારણ વગર ગ્વાલિયર ખાતે હોસ્ટેલના રૂમમાં તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ તેમના પરિવારને થતાં તેઓ ગ્વાલિયર પહોંચ્યા હતા અને તેમના મૃતદેહને આજે ભાવનગર લાવવામાં આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આત્મહત્યાના કારણ અંગે તેમના કાકાએ જણાવ્યું હતું કે, નોકરીના પ્રેશરના લીધે તેણે ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યું છે. તે પરિવારને ઘણીવાર નોકરીના ટેન્શનની વાત કરતો. ભણવામાં ખુબ તેજસ્વી હતો.
તેમના પિતા પ્રદ્યુમ્નસિંહ રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા છે. ગત 14મી તારીખે તેમનાં પિતા પ્રદ્યુમ્નસિંહનો જન્મદિવસ હતો અને તેમને જન્મ દિવસની શુભેચ્છા આપી ગળાફાંસો ખાધો હતો, સ્થાનિક પોલીસને તેમની ડાયરીમાં ‘હેપી બર્થ-ડે પપ્પા…’ તેવું લખેલું મળ્યું હતું. ચાર દિવસ બાદ તેને રજા મળવાની હોવાથી ભાવનગર આવવાનો હતો પરંતુ એ પહેલા તેમને આ અંતિમ પગલું ભર્યું હતું. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.