તમામો-નો-માયે અને માઉન્ટ નાસુ પર મૃત્યુ પામતા જીવોનું રહસ્ય

વીક એન્ડ

ભાત ભાત કે લોગ-જ્વલંત નાયક

ગયા સપ્તાહે આપણે જાપાનની લોકકથાઓમાં પ્રખ્યાત એવી એક દુષ્ટ આત્માની વાત માંડેલી. તમામો-નો-માયે એનું નામ. આપણે એને તમામો તરીકે જ ઓળખીશું. આજથી લગભગ એક હજાર વર્ષ પહેલાં જાપાનના એક સાધારણ દંપતીને જંગલમાંથી પસાર થતી વખતે એક નાનકડી બાળકી મળી આવી. કોઈકે આ નાની બાળાને જંગલમાં ત્યજી દીધી હોય એવું લાગતું હતું. દયાળુ દંપતી પરાણે વહાલી લાગે એવી આ બાળકીને પોતાને ઘરે લઇ આવ્યાં અને સગી દીકરીને જેમ એનો ઉછેર કર્યો અને નામ આપ્યું તમામો-નો-માયે. એ ભોળાં સ્ત્રી-પુરુષને જાણ નહોતી કે એ લોકો કઈ બલાને ઉછેરી
રહ્યાં છે!
તમામો જુવાન થતી ગઈ એમ એની બુદ્ધિ અને સૌંદર્યની ખ્યાતિ ફેલાતી ગઈ. રાજા ટોબાના દરબારમાંથી બુદ્ધિપ્રતિભા દર્શાવવાનું આમંત્રણ આપતું તેડું આવ્યું. તમામોએ પોતાના બુદ્ધિચાતુર્યથી દરબારીઓને અને પોતાના સૌંદર્યથી ખુદ સમ્રાટ ટોબાને પ્રભાવિત કર્યા અને દરબારમાં મહત્ત્વનો હોદ્દો મેળવ્યો. પછી તો ટોબા તમામોના રૂપનો એવો દીવાનો થઇ ગયો કે દિવસ-રાત એની સાથે જ સમય પસાર કરવા માંડ્યો. સમય વીતતાં એવું થયું કે રાજાની તબિયત અગમ્ય કારણોસર લથડતી ગઈ. અનેક ઉપચારો કરવા છતાં રાજા પથારીવશ થઇ ગયો. રાજાની માંદગીથી બધા દરબારીઓ વ્યથિત હતા, પણ તમામો તો જાણે કશું બન્યું જ ન હોય એમ આનંદ-પ્રમોદ કરતી રહી. કેટલાક અનુભવી દરબારીઓને વહેમ પડ્યો અને એક ગૂઢવિદ્યાના જાણકાર એવા આબે નો યાસુચિકા નામના સાધુને રાજાના ઈલાજ માટે બોલાવાયો. યાસુચિકાએ પોતાની વિદ્યાના સહારે જાણી લીધું કે રાજા પર કોઈ દુષ્ટ આત્માનો પ્રભાવ છે. એ આત્મા કોણ છે, એ વિષે પણ યાસુચિકાને અંદેશો આવી ગયો. એણે રાજાના સારા સ્વાસ્થ્ય માટે ખાસ પ્રકારની પવિત્ર વિધિ શરૂ કરી અને દરબારીઓની મદદથી રાજાની પ્રેયસી તમામોને વિધિમાં બેસવાની ફરજ પાડવામાં આવી. સહુના આશ્ર્ચર્ય વચ્ચે પવિત્ર વિધિ દરમિયાન રૂપ રૂપના અંબાર સમી તમામોના શરીરમાં વિચિત્ર પ્રકારના ફેરફારો થવા માંડ્યા. એની કમ્મરે શિયાળને હોય એવી નવ-નવ પૂંછડીઓ એક પછી એક ફૂટી નીકળી! આટલું ઓછું હોય એમ માથે શિયાળ જેવા કાન ફૂટી નીકળ્યા! આ બધું જોઈને દરબારીઓ સમજી ગયા કે અપ્રતિમ રૂપ અને બુદ્ધિચાતુર્ય ધરાવતી આ સ્ત્રી કોઈ સામાન્ય માનવી નથી, બલકે એક દુષ્ટ આત્મા છે અને આ દુષ્ટ આત્માને કારણે જ રાજા ટોબા મરણપથારીએ પહોંચી ગયો છે!
પોતાની પોલ ખૂલી જતાં તમામો શિયાળનું રૂપ ધારણ કરીને બારીમાંથી નાસી છૂટી. તમામો માઉન્ટ નાસુ તરફ નાસી છૂટી હતી, પરંતુ રાજાએ મોકલેલા સૈનિકોએ નવ પૂંછડીવાળા શિયાળ સ્વરૂપે રહેલી તમામોને તીર ચલાવીને વીંધી નાખી. મૃત્યુ બાદ તમામોનો દેહ એક પથ્થરના રૂપમાં બદલાઈ ગયો. એવું કહેવાય છે કે આ પથ્થર આજ દિન સુધી માઉન્ટ નાસુના એ વિસ્તારોમાં હતો, જેને એક દોરડા વડે બાંધવામાં આવ્યો હતો, પરંતુ માર્ચ, ૨૦૨૨માં કોઈક કારણોસર એ પથ્થર પોતાની મેળે જ તૂટી ગયો અને લોકો અનેક જાતની શંકા-કુશંકા કરવા માંડ્યા. ઘણાને મતે તમામો-નો-માયોનો દુષ્ટ આત્મા એ પથ્થર તોડીને નાસી છૂટ્યો છે અને હવે એ કાળો કેર વર્તાવશે!
શું લોકોનો આ ડર સાચો છે? અનેક લોકોએ નોંધ્યું છે કે માઉન્ટ નાસુના એ વિસ્તારોમાં અવારનવાર વિવિધ જાનવરોના મૃતદેહો મળી આવે છે. એવું કહેવાય છે કે પોતાની આસપાસ આવનારાં જાનવરોને પેલો દુષ્ટ આત્મા ઝેરી ગેસ વડે ગૂંગળાવીને મારી નાખે છે!
પહેલાં તો તમામોથી લોકો આટલા ડરે છે શા માટે, એ સમજવું પડશે. તમામોના નામ સાથે જોડાયેલી લોકકથાઓ આ ડર માટે જવાબદાર છે. તમામોની સૌથી જાણીતી કથા એટલે સમ્રાટ ટોબા સાથેનું પ્રેમ પ્રકરણ, જેના વિષે આપણે અહીંયાં વાતો કરી. સમ્રાટ ટોબા જાપાનનો ૭૪મો રાજા હતો, જેણે ઈ. સ. ૧૧૦૩થી ઈ. સ. ૧૧૫૬ વચ્ચેના સમયગાળા દરમિયાન જાપાન પર શાસન કર્યું. તમામો વિષે એક વાયકા એવી છે કે એને રાજાઓનું શાસન ઊથલાવી નાખવામાં હંમેશાંથી રસ રહ્યો છે. આની પાછળ પણ એક કથા છે. કહેવાય છે કે તમામો નાની હતી ત્યારે કોઈક નજીવાં કારણોસર એના પિતાને દેશનિકાલની સજા ફટકારવામાં આવેલી. રાજાએ ફટકારેલી આ અન્યાયી સજાને કારણે તમામોના પિતા ઘરથી દૂર, ઝુરાપો વેઠી વેઠીને માર્યા. ત્યારથી તમામોએ મનમાં ગાંઠ વાળી કે રાજાને ગમે એમ કરીને ગાદીએથી ઊથલાવી નાખવો! ટોબા સાથે પ્રેમનું તરકટ રચવા પાછળ પણ આ જ કારણ જવાબદાર હતું. તમામોના પ્રેમમાં પડેલો ટોબા દિવસનો વધુ ને વધુ સમય પ્રેયસી સાથે જ વિતાવતો અને રાજકાજમાં એનું જરાય મન લાગતું નહિ. પરિણામે રાજ્યમાં વિદ્રોહીઓ મજબૂત બન્યા. જાપાનના ઇતિહાસમાં ૧૧૫૬ના વર્ષને બહુ મહત્ત્વનું ગણવામાં આવે છે. આ જ સમયગાળામાં એવી પરિસ્થિતિ ઉદ્ભવી કે તત્કાલીન રાજવંશે સત્તા છોડવી પડી અને સામુરાઈ શાસનનાં મૂળિયાં નખાયાં. કેટલાક લોકો આને તમામોના પ્રેમ પ્રકરણની ‘સફળતા’ ગણે છે. જાપાનની લોકકથાઓમાં આમેય દુષ્ટ આત્માઓ રાજ્યના સૌથી શક્તિશાળી મનુષ્ય, એટલે કે રાજાને કાબૂમાં લેવા કોશિશ કરતા હોય એવી ઘણી વાર્તાઓ છે. એમાં તમામોની કથા સૌથી વધુ પ્રચલિત છે.
તમામો માત્ર જાપાનમાં જ પ્રચલિત નથી, પરંતુ સમગ્ર એશિયા ખંડમાં ‘ફોક્સ સ્પિરિટ’ (શિયાળના સ્વરૂપમાં રહેલી અગોચર શક્તિ) વિષેની કથાઓ છે. આ બધી કથાઓના તાણાવાણા દૈવી અથવા આસુરી શક્તિઓ ધરાવતા નવ પૂંછડીવાળા શિયાળને કેન્દ્રમાં રાખીને વણાયા છે, જે ખરેખર અચરજ પમાડે એવી બાબત છે. ભારત, ચીન, જાપાન જેવા જુદા જુદા દેશોની લોકકથાઓમાં એકસરખાં શારીરિક લક્ષણો ધરાવતી વિચિત્ર શક્તિ અંગે વાતો ક્યારે હોઈ શકે? જો ખરેખર એવું કશુંક અસ્તિત્વમાં હોય તો! વૈજ્ઞાનિક ઢબની વિચારસરણી સ્વાભાવિક રીતે જ આવી બાબતોનો ઇનકાર કરે! પણ કંઈક તો હોવું જોઈએને, જેના કારણે આટલા બધા દેશોની લોકકથાઓમાં એકસરખાં લક્ષણો ધરાવતો જીવ નવ પૂંછડીવાળું શિયાળ જોવા મળે!
બીજો એક મુદ્દો માઉન્ટ નાસુની આસપાસના વિસ્તારોમાં મૃત મળી આવતાં જાનવરોનો છે. આધુનિક યુગમાં પણ અનેક પર્યટકોએ માઉન્ટ નાસુના એ વિસ્તારોમાં કોઈ દેખીતાં કારણો વગર મૃત્યુ પામેલાં નાનાં કદનાં જાનવરોના મૃતદેહો જોયા છે. શું પથ્થરમાં કેદ તમામોના આત્માએ ઝેરી ગેસ વડે આ જનાવરોને મારી નાખ્યાં હશે? અને જનાવરોનાં મૃત્યુ થવાને કારણે જ તમામોના પથ્થરને ‘કિલિંગ સ્ટોન’ની ઉપમા મળી છે? વૈજ્ઞાનિકો પાસે આનો તાર્કિક જવાબ છે, જે તમામોની કથાઓનો છેદ ઉડાડે છે.
હકીકતે ‘સેશો સાકી’નામનો આ મસમોટો પથ્થર ૬ ફીટ ઊંચાઈનો છે. આ પથ્થરનો ઘેરાવોય ખાસ્સો મોટો છે. જાપાનના નિકો નેશનલ પાર્કમાં, માઉન્ટ નાસુના ઢોળાવ પર આવેલો છે. આ આખો વિસ્તાર સક્રિય જ્વાળામુખી વિસ્તાર છે. આ વિસ્તારમાં જમીનના પેટાળમાંથી સતત ખાસ પ્રકારના વાયુનું ઉત્સર્જન થતું રહે છે. જોકે આ વાયુ એટલો જોખમી નથી કે એનાથી મનુષ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય, પણ હા, નાનાં કદનાં જનાવરો કે જે જમીનથી એકદમ નજીક રહે છે, એમને આવો ગેસ શ્ર્વાસમાં જવાને કારણે તકલીફ થાય છે, જે ક્યારેક મૃત્યુ સુધી દોરી જાય છે. આ જ કારણોસર માઉન્ટ નાસુની આસપાસના વિસ્તારોમાં ઘણી વાર નાનાં કદનાં જાનવરો મૃત હાલતમાં મળી આવે છે.
આમ ઇતિહાસ, લોકકથાઓ અને ભૌગોલિક કારણોના કોકટેલને કારણે તમામો-નો-માયેની કથા અત્યંત રોચક બની ચૂકી છે. અનેક સ્થળોએ તો નવ પૂંછડીવાળા શિયાળને દુષ્ટને બદલે દૈવી આત્મા તરીકે પણ ચીતરવામાં આવે છે. હવે તો તમામો-નો-માયેને પાત્ર તરીકે લઈને અનેક વીડિયો ગેમ્સ પણ બની ચૂકી છે. ઇન શોર્ટ, તમામો-નો-માયેનો પથ્થર ભલે તૂટી ગયો, પણ એનો ભય ભૂતકાળની કબરમાં દફન થઇ ચૂક્યો છે. હવે એ લોકકથાઓના એક પાત્રથી વિશેષ કશું નથી અને એ જ સારું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.