ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક
૮ માર્ચ નજીક હોય એટલે ઠેર ઠેર મહિલાઓની પ્રશસ્તિ કરતા આયોજનો ગોઠવાઈ જાય છે. આ એક સારી પ્રથા છે. ભારતીય સંસ્કૃતિ સ્ત્રીઓને દેવી સ્વરૂપ માને છે. એવું કહેવાય છે કે સાક્ષાત દેવો પણ એવા જ સ્થળે રોકાવાનું પસંદ કરે, જ્યાં નારીઓ સન્માન પામતી હોય! નિ:શંકપણે બહુ ઉદાત્ત અને લોહીમાં ઉતારવા જેવી ભાવના છે આ! પણ ૮ માર્ચ પછી શું?
સેક્સ્યુઅલ એબ્યુઝ – જાતીય શોષણ સ્ત્રી માટે જીવનની સૌથી વિકરાળ સમસ્યા પૈકીની એક છે. એશિયન સમાજો પ્રમાણમાં રૂઢિવાદી ગણાય છે. તેમ છતાં આ દેશોમાં થતા સેક્સ્યુઅલ એબ્યુઝની વાતો આપની સંવેદના હચમચાવી મૂકે એવી છે. (પશ્ર્ચિમમાં કે યુરોપ, અમેરિકાના વિકસિત દેશોમાં પરિસ્થિતિ બહુ વખાણવાલાયક નથી જ, પણ એની વાતો ફરી ક્યારેક.)
કમ્બોડિયા એશિયાના સૌથી ગરીબ ગણાતા દેશોમાં સ્થાન પામે છે. અહીંની પોણા ભાગની પ્રજા ગરીબી રેખાની નીચે જીવે છે. ગરીબી અને ભૂખમરો માણસને લાચારીની એ હદ સુધી ધકેલી દે છે કે પેટની જણેલી દીકરીને દોજખમાં ધકેલતાં પહેલાં બાપ બીજી વખત વિચારતો નથી! કરુણતા એ છે કે આમાંની મોટા ભાગની ક્ધયાઓ કાચી ઉંમરની હોય છે. વેશ્યાવૃત્તિમાં ટીનએજર ક્ધયાઓના વધુ દામ મળે છે, એટલે અનેક માતા પિતા દીકરી તરુણાવસ્થામાં આવતાની સાથે જ ‘ગ્રાહક’ની શોધ આદરે છે! એક સર્વે મુજબ અહીં દર વર્ષે હજારો છોકરીઓના સોદા શ્રીમંત કમ્બોડિયન્સ અથવા વિદેશી પ્રવાસીઓ સાથે થઇ જાય છે, જેમાં મોટા ભાગની દીકરીઓની ઉંમર હોય છે ૧૩ થી ૧૮ વર્ષ વચ્ચે! કમ્બોડિયામાં પ્રચલિત વર્જીન ફોર સેલની આ કુપ્રથામાં કાયદો કે પોલીસ મોટે ભાગે કશું કરી શકે એવી સ્થિતિમાં નથી. કારણ કે આ ક્ધયાઓને ખુદ એમના પરિવારે જ વેચી હોય છે. એટલે પોલીસ ફરિયાદ માટે કોઈ અવકાશ નથી રહેતો! તરુણીનો દેખાવ અને શારીરિક વળાંકોને આધારે એનો ભાવ નક્કી કરવામાં આવે છે. એક ક્ધયા ૮૦૦થી માંડીને ૪,૦૦૦ ડોલર્સ સુધીમાં વેચાય છે! આખા મામલામાં વધુ એક જુગુપ્સાપ્રેરક બાબત એ છે કે ગ્રાહકો મોટા ભાગે ૫૦ કે તેથી વધુ ઉંમરના હોય છે. કેમકે તરુણી સાથે સંબંધો મોટી ઉંમરના પુરુષોની જુવાની ટકાવી રાખવામાં મદદરૂપ થતા હોવાની માન્યતા છે!
બાંગ્લાદેશની વાત પણ કંઈ ખાસ જુદી નથી. અહીં પણ મોટા ભાગની પ્રજા ગરીબીમાં સબડે છે. અનેક પરિવારો માટે રોજીનું એકમાત્ર સાધન વેશ્યાવૃત્તિ છે. અહીં સ્ત્રીને ભોગવવા માટે બહુ ઓછા દામ ચૂકવવા પડે છે. પરિણામે વધુને વધુ પુરુષો વેશ્યાગમન માટે લલચાય છે, અને ધંધામાં કાયમ તેજી રહે છે. એક સર્વે મુજબ કેટલીક વેશ્યાઓ એક જ દિવસમાં ૧૫-૧૫ પુરુષોને સેવા’ આપે છે! આવી પરિસ્થિતિને કારણે જ બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં ગરીબ પરિવારો કમ્બોડિયન માં-બાપની માફક જ પોતાની દીકરીને કમાણીનું ‘ઉત્તમ સાધન’ ગણી લે છે. જોવાની ખૂબી એ છે કે અહીં ધંધાના વિકાસ માટે નાની બાળાઓને પણ ઝડપથી ‘યુવતી’ જેવી દેખાતી કરવાની હોડ જામી છે. આ માટે ઘફિમયડ્ઢજ્ઞક્ષ જેવા સ્ટીરોઈડ્સનો સહારો લેવામાં આવે છે. ઘફિમયડ્ઢજ્ઞક્ષના સેવનથી તરુણીની ભુખ ઉઘડે છે, અને વધુ ખોરાક લેવાથી ટૂંકા સમયમાં માંસલ બનતું શરીર ગ્રાહકને આકર્ષી શકે એવા વળાંકો ધારણ કરે છે! ડોક્ટર્સનાં મતે સ્ટીરોઇડનો આવો ખતરનાક ઉપયોગ લાંબા ગાળે વ્યસનની જેમ વળગે છે. એની આડ અસરરૂપે ચામડી પર ઉઝરડા પડી જાય છે. સાથે જ હાઈ બ્લડ પ્રેશર, માથાનો દુખાવો, ડાયાબિટીઝ અને રોગપ્રતિકારક ક્ષમતાનો ખાત્મો તો ખરો જ! ઝડપથી યુવાન કરી દેવાતી આ કમનસીબ ક્ધયાઓ ઝડપથી ઘરડી થઈને ગુજરી પણ જાય, તો હુ કેર્સ? એમના કીમતી વર્ષો પરિવારને કમાણી કરાવી આપે એટલું બસ!
આ બધું જાણીએ ત્યારે સહેજે વિચાર આવે કે સામાન્ય પોલીસ અધિકારીઓ તો ઠીક મારા ભાઈ, પણ પોલીસ ફોર્સમાં કામ કરતી મહિલાઓ પણ આ બધા સામે આંખ આડા કાન કરતી હશે? શું એક સ્ત્રી તરીકે એમનું લોહી નહિ ઉકળી ઊઠતું હોય?! હવે ઇન્ડોનેશિયાની વાત જાણો. ઠેઠ ઇસ ૧૯૬૫થી ઇન્ડોનેશિયામાં એવો કાયદો લાગુ કરવામાં આવેલો કે લશ્કરમાં ભરતી થનાર સ્ત્રીએ ફરજીયાતપણે વર્જિનીટી ટેસ્ટ પાસ કરવો! જે યુવતી અક્ષત યૌવના ન હોય, એને લશ્કરમાં કામ કરવા માટે ગેરલાયક ગણી લેવાતી! દેશની સેવા માટે ઉચ્ચ મૂલ્યો, એટલે કે કૌમાર્ય ધરાવતી ક્ધયા જ ખપે! બોલો, આપણને અત્યંત વિચિત્ર લાગે એવો કાયદો ઠેઠ હમણા સુધી અસ્તિત્વમાં હતો. આખી દુનિયાએ આ બાબતે માછલાં ધોયા એ પછી ઓગસ્ટ ૨૦૨૧માં ઇન્ડોનેશિયન આર્મીના ચીફ ઓફ સ્ટાફે આ કુપ્રથાને આધિકારિક રીતે તિલાંજલિ આપી દેવાઈ હોવાનું જાહેર કર્યું! જો કે પોલીસ ડિપાર્ટમેન્ટ હજી ય આ કુપ્રથા ચાલુ જ હોવાનું કહેવાય છે. બીજા અમુક સરકારી ખાતાઓ પણ મહિલા ઉમેદવારોની આવી ‘પરીક્ષા’ લે છે. એમાં વળી ખાટલે મોટી ખોડ એ છે કે વર્જિનીટી ટેસ્ટ માટે ટુ ફિંગર ટેસ્ટ’ તરીકે ઓળખાતી મેથડનો ઉપયોગ થાય છે. ભારતમાં તો ૨૦૨૨થી સુપ્રીમ કોર્ટે બળાત્કારનાં કેસમાં સુધ્ધાં સ્ત્રીના આત્મગૌરવને હાનિ પહોંચાડતી ટુ ફિંગર ટેસ્ટ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. પણ ઇન્ડોનેશિયામાં પોલીસ અધિકારી બનવા માટે પણ આ ટેસ્ટ આપવી પડે છે! ઇન્ડોનેશિયન નેશનલ પોલીસની જોબ વેબસાઈટ ઉપર તો નોકરીવાંછુ યુવતીઓ માટે સ્પષ્ટ સંદેશ પાઠવવામાં આવ્યો છે, જોબ જોઈતી હોય તો વર્જિનીટી જાળવી રાખો!
આપણા મનમાં એક છાપ એવી હોવાની કે અત્યંત ગરીબ દેશોમાં સ્ત્રીઓનું શોષણ વધુ થાય છે. વાત ખોટી નથી, પણ બીજા દેશોમાંય સ્ત્રીઓની સ્થિતિ બહુ સારી હોવાનું તારણ ઉતાવળિયું ગણાશે. દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચેનો સંઘર્ષ જાણીતો છે. એમાં ઉત્તરની સરખામણીએ દક્ષિણ કોરિયા ખાસ્સું પ્રોગ્રેસિવ ગણાય છે. ઉત્તર કોરિયામાં માનવ અધિકારો જેવી કોઈ ચીજ પુસ્તકોમાં ય અસ્તિત્વ ધરાવતી હશે કે કેમ, એ પ્રશ્ન છે. બીજી તરફ આર્થિક દૃષ્ટિએ સધ્ધર ગણાતા એશિયન દેશ દક્ષિણ કોરિયાના સિનાન પરગણામાં ચાલતા ‘સ્લેવ ફાર્મ્સ’ની વાતો કાળજું પીગળાવી નાખે એવી છે!
દક્ષિણ કોરિયાના દરિયામાં પાકતા કુલ નમકનો બે તૃતિયાંશ જેટલો મોટો હિસ્સો સિનાન પરગણામાં આવેલા ટાપુઓ પર પાકે છે. આ ટાપુઓ મુખ્ય ભૂમિ કરતા જરા દૂર છે, અને અહીં મીઠું પકવતા શેઠિયાઓનું રાજ ચાલે છે. મીઠું પકવવું એ શરીરના હાડકા ગાળી નાખતી પ્રક્રિયા છે. દાળમાં મીઠું નાખતી વખતે આપણને ખ્યાલ પણ નથી હોતો કે મીઠું પકવતા અગરિયાઓનું જીવન કેવું કરુણ હોય છે. એમાંય સિનાન કાઉન્ટીનાં તળાવ માલિકો મોટા પ્રમાણમાં અપંગ વ્યક્તિઓને અગરિયા તરીકે ભરતી કરે છે. આ અગરિયાઓને માત્ર ખોરાક આપવામાં આવે છે, પગાર નહિ! માંડ પેટ ભરાય એટલા ખોરાકના બદલામાં આ અગરિયાઓ આખી જીંદગી મીઠાના તળાવોમાં પોતાના હાડકા ઓગાળીને મીઠું પકવતા રહે છે! આ મજુરો પૈકી સ્ત્રીઓ પણ મોટા પ્રમાણમાં હોય છે. કહેવાની જરૂર ખરી, કે આ સ્ત્રી મજૂરોએ આખા દિવસની વેઠ બાદ રાત્રે જુદા ‘પ્રકારની’ નોકરી કરવી પડે છે! અહીં પોલીસ પણ તળાવ માલિકોને અનુરૂપ થઈને રહે છે. શોષિત મજૂરોને એમનો હક અપાવવાને બદલે ઊલટાનું આ અધિકારીઓ નર્કમાંથી ભાગી છૂટેલા મજૂરોને તળાવ માલિકોના ઇશારે પકડીને પાછા લાવવાની ‘ડ્યુટી’ બજાવે છે!
દ. કોરિયાના જ નહિ પણ વિશ્ર્વભરના સત્તાધીશો આ બધી હકીકતથી વાકેફ છે. સમયાંતરે આ વિષયે નાનોમોટો ઉહાપોહ થતો રહે છે. પણ હજી સુધી કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. ટૂંકમાં, હજી અનેક વાર ૮ માર્ચ આવીને જતી રહેશે, એ પછી પણ શોષિત સ્ત્રીઓની વ્યથામાં કેટલો ઘટાડો થશે, એ માત્ર કલ્પનાનો વિષય છે. બાકી તો કમ્બોડિયાની કોટડીઓથી માંડીને દ. કોરિયાના ‘સ્લેવ ફાર્મ્સ’માં કામ કરતી અભાગી સ્ત્રીઓની કથાઓ એક જ રંગે રંગાયેલી છે!