ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ – ડૉ. રાજેશ ચૌહાણ
બંગાળમાં ચોખાના લોટની કણકને ખુદી કહેવામાં આવે છે. ખુદી આપી
બાળક મેળવ્યું માટે એમનું નામ ખુદીરામ પડ્યું
—
હાંસી હાંસી ચોડલો ફાંસી
દેખલે જગત બાસી !
એક બાર બિદાય દે માં,
આમિ પૂરે આસી મમ
ખુદીરામ બોઝ
હિન્દુસ્તાનનાં લોક આંદોલનોમાં બંગાળી મોખરે છે. બંગાળે જે કંઈ પ્રાપ્ત કર્યું એ સ્વયંભૂ હતું. એના સાહિત્ય ઉપર કોઈ વિદેશી સાહિત્યનો ધબ્બો ન હતો. વિદ્યા, તેજસ્વિતા, ગૌરવ, ખુમારી, સ્વાતંત્ર્ય ભાવના, ખેતી, ઉદ્યોગ, સાહિત્ય, કલા આમ દરેક દિશામાં સ્વાતંત્ર્ય ચળવળ સમયે બંગાળ મોખરે હતું. સમગ્ર નેતૃત્વ પૂરું પાડવાની તાકાત પણ બંગાળમાં હતી. કેળવણી અને રાજકારણ ક્ષેત્રે પણ બંગાળ આગળ હતું. એક એકથી ચડિયાતા નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાની પેઢી બંગાળમાં જન્મી છે. આટલું જ નહિ, પરંતુ સશસ્ત્ર ક્રાંતિમાં પણ બંગાળ ખૂબ આગળ હતું.
કે. ટી. મહેતા પોતાના પુસ્તક ખુદીરામ બોઝમાં લખે છે કે, બંગાળની તાકાતને કચડી નાખવા, એના વીરત્વને ખતમ કરવા, બંગાળની ક્રાંતિને પૂર્ણ કરી દેવા અને બંગાળના રાજકારણને માટીમાં મિલાવી દેવા લોર્ડ કર્ઝને બંગભંગ કર્યો હતો. બંગાળના બે ટુકડા કરી એણે બંગાળના ધડ અને મસ્તક અલગ કરી નાખ્યાં હતાં. લોર્ડ કર્ઝને લંડનસ્થિત હિન્દી વઝીરની અનુમતિ મેળવી લીધી. એણે પોતાના ગોપનીય અર્ધસરકારી પત્રમાં હિન્દી વઝીરને લખ્યું કે…
… બંગાળ અત્યારે હિન્દુસ્તાનનું હૃદય છે. બધી જ પ્રવૃત્તિઓ કલકત્તામાં પાંગરે છે. ક્રાંતિકારીઓનાં ગુપ્ત મંડળો બંગાળના ગામડે ગામડે સ્થપાઈ ચૂક્યાં છે. એમનું સંગઠન હાથી જેવું મજબૂત છે. આ ક્રાંતિકારીઓ પાસે દારૂગોળો, કારતૂસો, રિવોલ્વરો અને બોમ્બ જેવાં ઘાતક હથિયારો છે. ખાસ કરીને યુવાનોથી આવી મંડળીઓ ઊભરાઈ રહી છે. એમની ટુકડીઓ વ્યવસ્થિત અને કૃતનિશ્ર્ચયી છે.
બંગાળનું વિભાજન કર્યા વગર બંગાળની તાકાત તૂટે એમ નથી. કાયદો અને વ્યવસ્થાની દષ્ટિએ, બંગાળ વિશાળ છે માટે એની વહીવટી અનુકૂળતા આગળ ધરી બંગાળને તોડવી જ રહી. ક્રાંતિકારી દળોની પ્રગતિની ચોંકાવનારી યોજનાઓ મળતી રહે છે. આ લોકોમાં આઝાદીની ભાવના ઊભરાઈ રહી છે. રોગ ફેલાય એ પહેલાં એને અટકાવી દેવો જરૂરી છે. બ્રિટિશ સામ્રાજ્ય માટે આ ચિંતાજનક છે. હિન્દી વઝીરે લોર્ડ કર્ઝનને લીલી ઝંડી બતાવી અને તરત જ લોર્ડ કર્ઝને એક જ ઝાટકે બંગાળના બે ભાગ કરી નાખ્યા. આ માટી અને પ્રદેશમાં ખુદીરામનો જન્મ થયો હતો.
મહાન ક્રાંતિકારી ખુદીરામ બોઝ દ્વારા દેશ માટે કરેલા સંઘર્ષ અને બલિદાનના મહત્ત્વને સમજવા અને તેમની બહાદુરીને અમર બનાવવા માટે ઘણાં લોકગીતો પણ લખવામાં આવ્યાં છે. તેમને ઈતિહાસમાં અગ્નિ પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો ખુદીરામ બોઝના મહાન જીવન વિશે જાણીએ.
ખુદીરામ બોઝનો જન્મ ૩ ડિસેમ્બર, ૧૮૮૯ના રોજ પશ્ર્ચિમ બંગાળના મિદનીપુર જિલ્લાના કેશપુર તાલુકાના મોહબની ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ત્રેલોક્ય નાથ બોઝ અને માતાનું નામ લક્ષ્મીપ્રિયા હતું. ૧૮૯૫માં ખુદીરામ છ વર્ષના હતા ત્યારે માતાનું મૃત્યુ થયું. ખુદીરામ જન્મજાત દેશભક્ત હતા. તે સાત-આઠ વર્ષના હતા ત્યારે વિચારતા : ભારત મારો દેશ છે, હજારો વર્ષોથી આ રીતે ચાલતું આવે છે છતાં અહીં વિદેશી અંગ્રેજો કેમ છે? હું મોટો થઈને એમને કાઢી મુકીશ.
ખુદીરામે તેમનો પ્રારંભિક અભ્યાસ હેમિલ્ટન હાઈસ્કૂલમાંથી કર્યો હતો. ખુદીરામ બોઝમાં બાલ્યવયથી જ દેશભક્તિની ભાવના હતી તેથી તેમણે શાળાના દિવસોથી જ રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તે સમય દરમિયાન બ્રિટિશ શાસન વિરુદ્ધ ચળવળોમાં સામેલ થતા. સરઘસોમાં ભાગ લેતા અને બ્રિટિશ સામ્રાજ્યવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા.
ઈ.સ. ૧૯૦૦ના દાયકાની શરૂઆતમાં અરબિંદો ઘોષ અને બહેન નિવેદિતાનાં જાહેર ભાષણોએ તેમને સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવા માટે પ્રેરણા આપી.
ખુદીરામ પોતાના બનેવી સાથે ૧૯૦૪ સુધી તામલુકમાં રહ્યા. ગરમીના દિવસોમાં એમનો પરિવાર મિદિનીપુર આવી ગયો. તામલુકમાં સહપાઠી લલિત સહિત છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો. ૧૯૦૫માં બંનેને સાતમા ધોરણમાં મેદિનીપુર કોલેજિયન સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારે તેમની ઉંમર ૧૪ વર્ષની હતી. આ સમયે તેમને વાંચન અને વ્યાયામ તરફ રસ વધ્યો.
વર્ષ ૧૯૦૫ માં ખુદીરામ બોઝે બ્રિટિશ સરકાર વિરુદ્ધ બંગાળના વિભાજનની ચળવળોને તેમનો સંપૂર્ણ ટેકો આપ્યો અને તે પછી તેમણે સ્વતંત્રતા ચળવળમાં પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરી દીધા અને પછી આ સ્વતંત્રતા સંગ્રામના સૌથી શક્તિશાળી અને યુવા ક્રાંતિકારીઓમાંના એક બન્યા.
આ સમયે તે દેશના ઘણા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા. આ પછી તેઓ સૌથી પહેલા રિવોલ્યુશનરી પાર્ટીમાં જોડાયા. સત્યેન બોઝના (સત્યેન્દ્ર બાબુ) નેતૃત્વ હેઠળ ખુદીરામ બોઝે તેમની કારકિર્દીની શરૂઆત કરી.
સમસ્ત બંગાળની ભૂમિ પર હવે ક્રાંતિદળની શાખાઓ એક જાળની માફક ફેલાઈ ગઈ હતી. કોઈ ગામમાં કરિયાણાનો ભંડાર, તો કોઈ ગામે હોમિયોપથીનું દવાખાનું, ક્યાંક વળી ગૃહ ઉદ્યોગ ચાલતો જોવા મળે તો કોઈ સ્થળે સ્વદેશી વસ્તુ ભંડાર ખુલ્લી હોય, કોઈ ને કોઈ માતૃભૂમિ કાજે ક્રાંતિનું કામ કરી રહ્યું હતું. મિદિનીપુરમાં ક્રાંતિવીર વિભૂતિભૂષણ કપડા વણ/વણવાની એક શાખ ખોલીને લોકોને શાળ ચલાવવાનું શિક્ષણ આપતા હતા અને ગુપ્ત રીતે ક્રાંતિ પ્રવૃત્તિ ચલાવતા હતા. મિદિનીપુરમાં ક્રાંતિનો મુખ્ય અડ્ડો સત્યેન્દ્ર બાબુનું ઘર હતું. ક્રાંતિવીરોને હુકમ આ સ્થળેથી મળતા, વ્યૂહ રચાતા, માણસોની નિયુક્તિ થતી, નવી ભરતી થતી અને શસ્ત્રોનો પુરવઠો સચવાતો, ક્રાંતિવીરોએ આ ગુપ્ત અડ્ડાને ‘આનંદમઠ’ નામ આપેલું. બંકિમચંદ્રના આનંદમઠની પ્રતિકૃતિ સમાન આ અડ્ડો હતો. આ અડ્ડામાં રહીને જ ખુદીરામ અને પ્રફુલ્લે ક્રાંતિ-શિક્ષણ લીધું. બંને કોઈ પણ કામ માટે હવે તૈયાર થઈ ચૂક્યા હતા અને પોતાને કોઈ સાહસ કરવાનું મળે એ માટે થનગની રહ્યા હતા.
ફેબ્રુઆરી ૧૯૦૬ની વાત છે. પશ્ર્ચિમ બંગાળના મિદિનીપુર ખાતે ઔદ્યોગિક અને કૃષિ પ્રદર્શન યોજાયું હતું. પ્રદર્શન નિહાળવા આસપાસના પ્રાંતોમાંથી સેંકડો લોકો આવ્યા હતા. બીજી બાજુ એક કિશોર બંગાળના ક્રાંતિકારી સત્યેન્દ્રનાથ દ્વારા લખાયેલી ‘પસોનાર બાંગ્લાથ’ નામની જ્વલંત પત્રિકાની નકલો વહેંચી રહ્યો હતો. આ પત્રિકા અંગ્રેજોએ સરકાર વિરોધી હોવાના કારણે પ્રતિબંધિત કરી દીધી હતી આમ છત્તા વિતરણ સમયે બ્રિટિશ પોલીસ અધિકારીઓ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે ખુદીરામ અંગ્રેજ અધિકારીને ઈજા પહોંચાડીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આમ છતાં ખુદીરામની પાછળથી ધરપકડ થઇ સત્યેન્દ્રબાબુ દોડી આવ્યા. જુઠ્ઠું બોલીને ખુદીરામને છોડાવ્યા.
ચોમાસામાં વરસાદને કારણે જનાર્દનમાં ભયંકર પુર આવ્યું જેથી ભારે નુકસાન થયું. ખુદીરામ અને તેમના મિત્રો ત્યાં ગયા અને આખો દિવસ નાણાં, કપડાં અને અનાજ ભેગું કરી સહાય કરી. લગભગ એક માસ સુધી આ કાર્યમાં વ્યસ્ત રહ્યા.
બંગ-ભંગ ચળવળ ટાગોરના નેતૃત્વમાં પરાકાષ્ટાએ પહોંચી હતી. વિદેશી કાપડનો બહિષ્કાર, હોળીઓ કરતા ખુદીરામ પાછળ પોલીસ પકડવા આકાશ-પાતાળ એક કરતી પણ પકડાય નહીં. ખુદીરામ ગંગાના પાણીમાં ડૂબકી મારી મીઠું લઈને પસાર થતી હોડીઓને ઉથલાવી દેતા. આ કાર્યને પરિણામે સત્યેન્દ્ર બાબુ તેમનાથી બહુ પ્રભાવિત થતા.
ખુદીરામે તામલુકમાં ગુપ્ત સમિતિની સ્થાપના કરી. ત્યાં ક્રાંતિકારીઓ ને લાઠી, તલવાર, રિવોલ્વર વગેરેનું પ્રશિક્ષણ આપ્યું. આ ઉપરાંત, કોટઈ, ઉડીસાના તેમજ અન્ય કેટલાક સ્થળો પર બે માસ રહીને યુવકોને સંગઠિત કરવાનું અને અસ્ત્ર-શસ્ત્ર ચલાવવાનું પ્રશિક્ષણ આપવાનું કાર્ય કરતા રહ્યા.
બોઝ ૬ ડિસેમ્બર ૧૯૦૭ના રોજ બંગાળના નારાયણગઢ રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટની ઘટનામાં પણ સામેલ હતા. વર્ષ ૧૯૦૭માં તેમણે પોલીસ સ્ટેશનો પાસે બોમ્બ વિસ્ફોટ કર્યા, પોસ્ટ ઑફિસો લૂંટી, બ્રિટિશ અધિકારીઓ પર હુમલો કર્યો અને અન્ય ઘણી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી. જે બાદ તેમની સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સગીર હોવાને કારણે બાદમાં છોડી દેવામાં આવ્યા હતા.
વિરાજ પોતાના પુસ્તક ભારતના મહાન ક્રાંતિકારીમાં લખે છે કે, તે દિવસોમાં કલકત્તામાં ચીફ પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડ હતા જેઓ ખૂબ જ કડક અને ક્રૂર અધિકારી હતા. ભારતીય ક્રાંતિકારીઓ સામેના તેમના કડક નિર્ણયો-સજા માટે જાણીતા હતા. તેના અત્યાચારોથી કંટાળીને યુગાંતર દળના નેતા વીરેન્દ્રકુમાર ઘોષે કિંગ્સફોર્ડની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું અને તે માટે ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીની પસંદગી કરી. જે પછી બંને આ કામને પાર પાડવા મુઝફ્ફરપુર પહોંચ્યા અને કિંગ્સફોર્ડની રોજિંદી ગતિવિધિઓ પર નજર રાખવા લાગ્યા. ત્યારબાદ ૩૦ એપ્રિલ ૧૯૦૮ના રોજ જ્યારે ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ રાત્રિના અંધારામાં સામેથી કિંગ્સફોર્ડ જેવી વેગન આવતી જોઈ ત્યારે તેમણે તેના પર બોમ્બ ફેંક્યો, પરંતુ કમનસીબે આ ઘટનામાં કિંગ્સફોર્ડની પત્ની અને પુત્રીનું મોત થયું,
આ ઘટના બાદ ખુદીરામના સાથી પ્રફુલ્લ ચાકીને અંગ્રેજ અધિકારીઓએ ઘેરી લીધા અને ખુદીરામની અંગ્રેજ પોલીસ અધિકારીઓ દ્વારા ધરપકડ કરી હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કિંગ્સફોર્ડની હત્યાના પ્રયાસોમાં પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. પછીથી કેસ ચાલ્યો અને બાદમાં તેમને ફાંસીની સજા આપવામાં આવી.
૧૧ ઑગસ્ટ ૧૯૦૮ના સવારે ખુશખુશાલ અને કોટડીમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે જમણા હાથમાં શ્રીમદ્દ ભગવદગીતા હતી તે બોલી રહ્યા હતા.
જેલરે ખુદીરામના હાથ પાછળથી બાંધી લીધા. ખુદીરામ આગળ વધ્યા. એમના ચહેરા ઉપરની દીપ્તિ જોઈ ગોરા અધિકારીઓ શરમિંદા બની ગયા.
ખુદીરામ ઊભા રહીને મોટા અવાજે ગાવા લાગ્યા :
હાંસી હાંસી ચોડલો ફાંસી
દેખલે જગત બાસી !
એક બાર બિદાય દે માં,
આમિ પૂરે આસી મમ
કોઈ ઈચ્છા ?
વંદે. માતરમ્
‘કોઈ સંદેશ’
વંદે. માતરમ્
આમ ખુદીરામ માતૃભૂમિને સમર્પિત થઈ ગયા. તેની શહીદીના સંદર્ભમાં ચિરોલ વેલેન્ટાઈન લખે છે કે : ‘પબંગાળના રાષ્ટ્રવાદીઓને માટે ખુદીરામ બોઝ શહીદ અને અનુકરણીય બની ગયા.’ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોએ તેની શહીદીના માનમાં શાળા, કોલેજો તથા દુકાનો બંધ રાખીને શોક પાળ્યો, તેની તસવીરો દેશમાં વહેંચાઈ, નવયુવકો ખુદીરામની જેવી ધોતી પહેરતા થઈ ગયા કે જેના પર તેનું નામ અંકિત હોય.
ખુદીરામ બોઝની રાખમાંથી તાવીજ બનાવવામાં આવ્યા હતા.
ઈમ્પિરિયલ અખબારે ૧૯૦૮માં લખ્યું હતું કે જ્યારે ખુદીરામ બોઝના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે લોકો બોક્સ લઈને રાહ જોઈ રહ્યા હતા. પાછળથી માતાઓએ ખુદીરામ બોઝના અંતિમ સંસ્કારની રાખમાંથી તેમનાં બાળકોને તાવીજ બનાવ્યાં, જેથી તેઓ ખુદીરામ બોઝ જેવા બહાદુર દેશભક્ત બને.
રાજવાણી : દેશના આ યુવા મહાન ક્રાંતિકારી માટે દેશવાસીઓના હૃદયમાં અપાર આદર અને પ્રેમ છે, સાથે જ તેમનું જીવન લોકોની અંદર દેશભક્તિની ભાવના જાગૃત કરે છે. દેશની આઝાદી માટે ખુદીરામનું બલિદાન, સાહસિક યોગદાનને અમર કરવા માટે ઘણાં ગીતો રચાયાં, લખાયાં અને લોકગીતોના રૂપમાં સ્વરબદ્ધ થાય છે ને થતા રહેવા જોઈએ.