પંજાબમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રા ગઈકાલે પંજાબને પાર કરીને હિમાચલ પ્રદેશમાં પ્રવેશ્યાના એક દિવસ બાદ પંજાબ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ નાણા મંત્રી મનપ્રીત સિંહ બાદલે કૉંગ્રેસ છોડી કેસરિયો ધારણ કર્યો છે. તેમણે પક્ષના ટોચના અધિકારીઓને જૂથવાદ માટે જવાબદાર ઠેરવ્યા હતા.
મનપ્રીત સિંહ બાદલે આજે સવારે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપીને બાદલ પાર્ટીમાં સામેલ થવા માટે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. પંજાબના નેતા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં ભગવા શિબિરમાં જોડાયા હતા. પીયૂષ ગોયલે કહ્યું હતું કે, ”તેમના પાર્ટીમાં જોડાવાથી પંજાબ અને દેશમાં ભાજપ મજબૂત થશે. શીખ સમુદાય સાથે અમારો અતૂટ સંબંધ છે.”
ભાજપમાં જોડાયા બાદ મનપ્રીત સિંહે કોંગ્રેસ છોડવાનું કારણ પણ આપ્યું છે. મનપ્રીત બાદલે કહ્યું કે તમે એક એવી પાર્ટી સાથે કેવી રીતે કામ કરી શકો જે પોતાની સાથે જ લડી રહી છે, જ્યાં જૂથો રચાયા છે? એકને વિપક્ષના નેતા બનાવવામાં આવે છે, બીજાને વિધાનસભા પક્ષના નેતા બનાવવામાં આવે છે અને આ જૂથો એકબીજામાં લડે છે. દરેક રાજ્યમાં આવી જ સ્થિતિ છે.
આ દરમિયાન મનપ્રીત સિંહ બાદલે કેન્દ્રીય મંત્રી અમિત શાહના જોરદાર વખાણ કર્યા હતા. મનપ્રીત બાદલે અમિત શાહને ‘સિંહ’ કહ્યા હતા. તેમણે કહ્યું, “રાજકારણમાં બહુ ઓછા પ્રસંગો એવા છે જ્યારે હું ‘સિંહ’ને મળ્યો હોઉં. થોડા દિવસો પહેલા હું ‘સિંહ’ને મળ્યો હતો અને તે ભારતના ગૃહમંત્રી અમિત શાહ છે. શાહે જણાવ્યું હતું કે પંજાબે ભારત માટે સેંકડો હુમલાઓનો સામનો કર્યો છે. અમે પંજાબને એના હાલ પર નહીં છોડીએ. અમે પંજાબને સુધારીશું. એમની એ વાત મારા દિલને સ્પર્શી ગઇ.”