‘અગ્નિપથ’ના વિરોધમાં ભારત બંધ, 500 ટ્રેનો રદ, ઠેરઠેર ટ્રાફિક જામ…

ટૉપ ન્યૂઝ

‘અગ્નિપથ’ સૈન્ય ભરતી યોજનાના વિરોધમાં અનેક વિપક્ષોએ આ યોજના પાછી ખેંચવાની માગ સાથે આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે. આજે દેશમાં ઠેર ઠેર ટ્રાફિક જામ અને વિરોધના દ્રશ્ય જોવા મળ્યા હતા.
દિલ્હીના ભાગોમાં ટ્રાફિક જામ જોવા મળ્યો હતો કારણ કે પોલીસે સમગ્ર શહેર અને તેની સરહદી વિસ્તારોમાં સુરક્ષા કડક બનાવી છે. દિલ્હી-નોઈડા ડાયરેક્ટ ફ્લાયવે અને દિલ્હી-ગુડગાંવ એક્સપ્રેસવે પર પણ ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આજે 500 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે, જેને કારણે દિલ્હીના રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને બગાડવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. કોંગ્રેસના નેતાઓ રાષ્ટ્રીય રાજધાનીમાં જંતર-મંતર ખાતે ‘અગ્નિપથ’ યોજનાનો વિરોધ વ્યક્ત કરવા માટે ‘સત્યાગ્રહ’ પર બેઠા છે. દિલ્હીના કનોટ પ્લેસમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન ચાલી રહ્યું છે.
ઉત્તર પ્રદેશ પોલીસે કહ્યું છે કે જે લોકો શાંતિને જોખમમાં મૂકે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પંજાબમાં, પોલીસને સોશિયલ મીડિયા જૂથોની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે કહેવામાં આવ્યું છે જે કથિત રીતે યોજના વિશે ઉશ્કેરણીજનક માહિતી ફેલાવે છે.
બિહાર સરકારે સંવેદનશીલ ગણાતા પાર્ટી કાર્યાલયોમાં સુરક્ષા વધારી દીધી છે. હાલ 20 જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ છે. ઝારખંડમાં ‘અગ્નિપથ’ યોજનાના વિરોધ વચ્ચે આજે તમામ શાળાઓ બંધ છે.
હરિયાણા, કેરળ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં પણ કોઈ અપ્રિય ઘટનાને ટાળવા માટે અનેક સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ફરીદાબાદ અને નોઈડામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ મૂકતા પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે.
સશસ્ત્ર દળો માટે કેન્દ્રની ‘અગ્નિપથ’ ટૂંકા ગાળાની ભરતી યોજનાને લઈને દેશના ભાગોમાં ભારત બંધના એલાનને ધ્યાનમાં રાખીને આજે 500 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. છેલ્લા પાંચ દિવસથી પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલી આગચંપી અને તોફાનોને કારણે રેલ્વેને જાનમાલનું મોટું નુકસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે ચાર વર્ષના સમયગાળા માટે સશસ્ત્ર દળોમાં 17.5 થી 21 વર્ષની વચ્ચેના સૈનિકોની ભરતી માટે કેન્દ્રની અગ્નિપથ યોજના સામે બુધવારથી ઘણા રાજ્યોમાં વિરોધ ફાટી નીકળ્યો છે. પ્રદર્શનકારીઓએ અત્યાર સુધીમાં ઘણી ટ્રેનો અને બસોને આગ ચાંપી દીધી છે.

“>

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.