Homeલાડકીરાજરાણીમાંથી સ્વાતંત્ર્ય સેનાની બનેલાં ભક્તિલક્ષ્મી દેસાઈ

રાજરાણીમાંથી સ્વાતંત્ર્ય સેનાની બનેલાં ભક્તિલક્ષ્મી દેસાઈ

ભારતની વીરાંગનાઓ-ટીના દોશી

એવાં એક રાજરાણી જેમણે રાજપાટ છોડીને સ્વતંત્રતા સંગ્રામના રણમેદાનમાં ઝંપલાવ્યું, બત્રીસ ભોજન અને છત્રીસ પકવાનનો થાળ આઘો ઠેલીને સૂકો રોટલો ખાવાનું પસંદ કર્યું, રેશમી તળાઈઓનો ત્યાગ કરીને સાદડીની શૈયા પર પોઢવાનું પસંદ કર્યું તથા ફૂલસમું કોમળ, મુલાયમ અને સુંવાળું જીવન છોડીને સ્વૈચ્છાએ કઠોર કાંટાળી કેડી પર હસતે મુખે ચાલવાનું સ્વીકાર્યું…
એમનું નામ ભક્તિલક્ષ્મી ગોપાળદાસ દેસાઈ. ભક્તિબા તરીકે મશહૂર થયાં. પતિ સાથે ખભેખભો મિલાવીને આઝાદી આંદોલનમાં અગ્રેસર રહ્યાં. ભૂખ્યા પેટે તો ભજન પણ ન થાય, પરંતુ ભક્તિબા ખુદ ભૂખ્યાં રહીને ભૂખ્યાં કાજે ભોજન બન્યાં, તરસ્યાનું જળ થયાં અને જીવન અંજલિ કર્યું. સાચાં સત્યાગ્રહી બન્યાં. એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે છાવણીઓમાં સુંદર કામગીરી કરી. રસોઈ બનાવવાથી માંડીને વાસણ માંજવા સુધીની. નાગપુર ઝંડા સત્યાગ્રહ, નમક સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ તથા ભારત છોડો ચળવળમાં ઉત્સાહભેર ભાગ લીધો અને કારાવાસ પણ ભોગવ્યો.
દેશભક્તિના રંગે રંગાયેલાં આ ભક્તિબા એટલે લીંબડીના દીવાન ઝવેરભાઈ અમીનના ઝવેરાતસમાં કુંવરી. માતા દિવાળીબાનાં દિલનાં દીવડી. વિક્રમ સંવત ૧૯૫૫ના શ્રાવણ સુદ દશમે ભક્તિબાનો જન્મ. ભક્તિબા અને લીંબડીના ઠાકોરસાહેબ દોલતસિંહજીનાં મોટાં કુંવરી રૂપાળીબા સરખેસરખાં. એટલે ઠાકોરસાહેબે ભક્તિબા રૂપાળીબાનાં સોબતી તરીકે રહે એવી ગોઠવણ કરી. ભક્તિબા સવારે વહેલાં તૈયાર થઈને મહેલમાં પહોંચે. કુંવરીબા સાથે રહે. ભણે, રમે, હરેફરે અને સાંજે ઘરના માળામાં પાછાં ફરે. આમ એમનું બાળપણ લીંબડીના રાજમહેલમાં પસાર થયું.
રાજમહેલમાં રૂપાળીબા માટે ભણવાની વ્યવસ્થા કરવામાં આવેલી. રાજમહેલમાં રાજકુંવરી અને દીવાનપુત્રીને સાથે ભણાવવામાં આવ્યાં. શાસ્ત્રી મહાશંકર ભટ્ટ સંસ્કૃત શ્ર્લોકો અને ધાર્મિક સ્તોત્રો શીખવતા. રૂપાળીબા સાથે ભક્તિબા પણ ભણતાં. અભ્યાસ પૂરો થાય એટલે દીવાનસાહેબ ખુદ બન્નેની લેખિત અને મૌખિક પરીક્ષા લેતા. એ પછી ઉપલા ધોરણનો અભ્યાસ કરાવાતો.
લીંબડીમાં ક્ધયાશાળા ચાલતી. પ્રાથમિક અભ્યાસક્રમ છ ધોરણ સુધીનો. રાજમહેલમાં પાંચ ધોરણ પૂરાં કર્યાં પછી ભક્તિબા છઠ્ઠા ધોરણમાં ગામની ક્ધયાશાળામાં ભણ્યાં. શાળામાં વિષયશિક્ષણ ઉપરાંત સીવણ અને ભરતગૂંથણની તાલીમ પણ અપાતી. ભક્તિબાએ ભણવાનું પૂરું કર્યું ત્યાં સુધીમાં સીવણગૂંથણ શીખી ગયાં.
એ જમાનામાં દીકરી બારતેર વર્ષની થાય ત્યારે પરણાવી દેવાતી. ભક્તિબાને રાયસાંકળી અને ઢસોના તાલુકદાર તથા વસોના દરબાર ગોપાળદાસ દેસાઈ વેરે પરણાવવામાં આવ્યાં. સારસબેલડી જેવાં ભક્તિબા અને ગોપાળદાસનું જીવન ખળખળ વહેતી નદીનાં નીર જેમ વહી રહેલું. એવામાં શાંત જળમાં આઝાદી નામનું આંદોલન રચાયું. ભક્તિબાએ લીંબડીમાં ગાંધીજીનાં પ્રથમ દર્શન કર્યાં. એમનું સ્વાગત સરઘસ નીકળેલું. ભક્તિબાએ ઘરના ઝરૂખામાંથી એમને નિહાળ્યા.
ગાંધીજીએ રાજામહારાજાઓને મોજશોખ છોડીને પ્રજાની સેવા કરવા અનુરોધ કર્યો. ભક્તિબા અને ગોપાળદાસ ગાંધીજીની વિચારધારાથી પ્રભાવિત થયાં. પતિપત્નીએ સત્યાગ્રહી બનવાનો સંકલ્પ કર્યો. એથી અંગ્રેજ સરકારે ગોપાળદાસનો તાલુકો જપ્ત કર્યો. ૧૭ જુલાઈ ૧૯૨૨ના તાલુકદાર તરીકે તેમને
પદભ્રષ્ટ કર્યા. રાયસાંકળીમાં મેનેજરે દરબારગઢનો કબજો લઇ લીધો. દરબારગઢના દરવાજે સીલ મારી દીધું.
આ ઘટનાના પાંચેક મહિના પછી ડિસેમ્બર ૧૯૨૨માં ભક્તિબાએ રાયસાંકળી જવાનું થયું. પોતાના ઘરને બારણે સીલ જોઇને તેમને ગુસ્સો આવ્યો. પરદેશી હુકૂમતના પ્રતિનિધિએ મારેલાં સીલ તોડી નાખવાનો એમણે નિર્ણય કર્યો. ભક્તિબા સાવ એકલાં હતાં પણ એકે હજારા હતાં. અભૂતપૂર્વ હિંમત દાખવીને નીડરતાથી સીલ તોડીને એમણે તાળાં ઉઘડાવ્યાં. દરબારગઢમાં દબદબાભેર પ્રવેશ કર્યો. પોલીસ અધિકારીઓ અને અમલદારોએ એમને રોકવા ઘણી ધાકધમકીઓ આપી, પણ સાંભળે એ બીજાં. ખમીરવંત ભક્તિબાએ સામે એમને પડકાર્યા કે, મને જરા પણ ડર નથી. તમે તમારાથી થાય તે કરી લેજો. એમ કહીને મકાન ઉઘાડીને જોઈતો સમાન લઇ ગયા. દરબારગઢના તમામ ઓરડાઓને અને દરવાજાને પોતાનાં તાળાં અને પોતાનાં સીલ મારીને, ગામલોકોએ આપેલાં વાહનમાં તેઓ વિદાય થયાં. સરકારી અમલદારોએ જ્યારે બીજી વાર સીલ-તાળાં લગાવ્યાં ત્યારે દરબારસાહેબ અને ભક્તિબાએ ફરીથી કબજો લીધેલો. એ વખતે ભક્તિબાએ પોતે કોશ મગાવી તાળાં તોડેલાં.
આ ભક્તિબા રાષ્ટ્રીય લડતમાં પણ જોડાયાં. લડતમાં વિલાયતી વસ્ત્રોનો બહિષ્કાર કરીને ખાદીનો પ્રચાર કરવાનું તથા લોકોને સમજાવવાનું કામ ગાંધીજીએ બહેનોને સોંપેલું. સરકાર પ્રતિબંધ મૂકે ત્યારે બહેનોએ કાંઈ પણ બોલ્યા વિના ગળામાં ‘પરદેશી કાપડ પહેરવું પાપ છે’ જેવાં પાટિયાં લટકાવી, પરદેશી કાપડની દુકાનો સામે પિકેટિંગ કરવું એવું નક્કી થયેલું. ભક્તિબા આવા પિકેટિંગના કાર્યક્રમમાં જોડાયેલાં.
એ પછી નાગપુર ઝંડા સત્યાગ્રહ થયો. વર્ષ ૧૯૨૩. આ સત્યાગ્રહની પૂર્વભૂમિકા અંગે તપોમૂર્તિ ભક્તિબાનો ‘સેવાયજ્ઞ’માં સતીશચંદ્ર મ. જોશીએ નોંધ્યું છે કે, મધ્ય પ્રાંતમાં જબલપુર મોટું શહેર છે. ત્યાંની નગરપાલિકાએ કૉંગ્રેસનો ઝંડો પોતાના મકાન ઉપર ફરકાવવાનો ઠરાવ કર્યો. પ્રસંગ હતો પંજાબના નેતા હકીમ અજમલખાનજીના સ્વાગત સમારંભનો. તેમને નગરપાલિકા તરફથી માનપત્ર આપવાનું હતું. તે વખતે મ્યુનિસિપલ તંત્ર દેશમાં હજુ પૂરેપૂરું સ્થાનિક સ્વરાજની સંસ્થા બનેલું નહીં. સરકારી નિયંત્રણ તેના પર રહેલું. તેની ઈમારત ઉપર કૉંગ્રેસનો ત્રિરંગો ધ્વજ ફરકે એ બ્રિટિશ અમલદારોને કેમ રુચે? ભારતમાં ગાંધીજીએ બ્રિટિશ રાજ સામે ઉપાડેલી ચળવળનું એ પ્રતીક હતો. સરકારે ગાંધીજીને તથા બીજા અનેક નેતાઓને જેલમાં પૂરીને ચળવળ દબાવી દીધાનો સંતોષ મેળવ્યો હતો.
સરદાર વલ્લભભાઈ પટેલ જેલબહાર હતા. એમણે લડતનો દોર હાથમાં લઇ લીધો. દેશના દરેક ભાગમાંથી ઝંડા સત્યાગ્રહ માટે ટુકડીઓ તૈયાર થઈને નાગપુર પહોંચે એવો આદેશ એમણે આપ્યો. ખેડાની ટુકડીમાં દરબારસાહેબ અને ભક્તિબા પણ હતાં. આ ટુકડી પ્રથમ નાગપુર પહોંચી. દોઢ મહિનાની લડત પછી સેનાનીઓનો સત્યાગ્રહ સફળ થયેલો.
એ જ રીતે બારડોલી સત્યાગ્રહ પણ સફળ થયેલો. વર્ષ ૧૯૨૮. સરદાર પટેલના નેતૃત્વમાં મહેસૂલવિરોધી બારડોલી સત્યાગ્રહનો આરંભ થયો. આ લડતમાં પુરુષો કરતાં બહેનોના સાથની વધારે જરૂર હતી. બહેનોને સત્યાગ્રહ માટે તૈયાર કરે અને તેમને તેમની ભાષામાં સમજાવવાનું કામ કુશળતા માગી લે તેવું હતું. આ કામ બારડોલીના સ્વરાજ આશ્રમમાં રહેતાં સ્ત્રીનેતાઓએ ઉપાડી લીધેલું. એમાંના એક ભક્તિબા પણ હતાં.
સત્યાગ્રહોથી દેશનો ખૂણેખૂણો ગાજી ઊઠેલો. એમાંનું એક બોરસદ પણ ખરું. સભાસરઘસો સતત નીકળતાં. બહેનોની સભામાં હાજરી આપવા જઈ રહેલાં ભક્તિબાને પોલીસે પકડી લીધાં. છ માસની સજા થઇ. એ પછી નાકરની લડતમાં પ્રચાર માટે ભાદરણથી ઓકલાવ જઈ રહ્યાં હતાં ત્યારે ભક્તિબાની ફરી ધરપકડ થઇ. દોઢ વર્ષની સજા થઇ. જેલમાં ભક્તિબાને મોટે ભાગે સીવણ અને ખાદીવણાટનું કામ અપાતું. જેલમાં દોઢ વર્ષ રહીને ભક્તિબાનું વજન એકદમ ઘટી ગયું. ૧૨૪ રતલમાંથી એંસી રતલ!
ભક્તિબાનું વજન ઓછું થયેલું, પણ દેશપ્રેમ વધતો ગયેલો. એને પ્રતાપે વ્યક્તિગત સત્યાગ્રહ કર્યો. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ માટે અમુક શરતો નક્કી કરેલી. સત્યાગ્રહીએ સંપૂર્ણ અહિંસક રહેવું જોઈએ, નિયમિત રીતે કાંતવું જોઈએ, અપરિગ્રહ વ્રતનું પાલન કરવું જોઈએ વગેરે. ભક્તિબા આ શરતોનું પાલન કરતાં હતાં તેથી તેમણે સત્યાગ્રહમાં ઝંપલાવ્યું. નડિયાદમાં જે સભાઓ થતી તેમાં લોકોને વિદેશી સરકારને કોઈ ફાળો ન આપવો તેવાં ગીતો ગવડાવી એમણે પ્રચાર શરૂ કરેલો. પરિણામે ભક્તિબાને ફરી કારાવાસ વહોરવો પડ્યો.
જેલમાંથી છુટકારો થયા પછી પણ સ્વરાજ મળ્યા સુધી ભક્તિબા આંદોલનો અને સત્યાગ્રહો સાથે જોડાયેલાં રહ્યાં. આખરે સ્વરાજ આવ્યું. પણ આ સ્વતંત્રતાના મૂળમાં દેશભક્તિની મિસાલસમી કેટલીયે ‘ભક્તિ’ઓ રહેલી છે, એ કહેવાની જરૂર ખરી?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular