Homeધર્મતેજમોરાર શિષ્ય ધરમશી ભગતનો ભક્તિબોધ

મોરાર શિષ્ય ધરમશી ભગતનો ભક્તિબોધ

ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની

માનસેવાને વરેલા ધરમશી ભગત ખંભાલિડાની નજીક જ જોડિયામાં રહ્યે અન્નક્ષ્ોત્ર, સેવા અને ભજનમાં રત રહ્યા. રવિભાણ સંપ્રદાયમાં લોહાણા જ્ઞાતિના ઘણા સંતો થઈ ગયા.
મૂળ ભાણસાહેબ જ લોહાણા હતા. એની શિષ્ય પરંપરાના મોરારસાહેબની શિષ્ય પરંપરામાં જોડિયા (જિ. જામનગર)ના ધરમશી પદમશી આહ્યા પોતાની સાંસારિક ઓળખ છોડીને ધરમશી ભગત તરીકે સુખ્યાત થયા.
આજે પણ જોડિયામાં ધરમશી ભગતની જગ્યામાં અન્નક્ષ્ોત્ર ચાલે છે. વાર તહેવારે પ્રાચીન ભજનોની વાણી પીરસાય છે. પિતા પદમશીને એમ કે દીકરા ધરમશીને વેપારમાં રસ લેતો કરવા માટે લગ્નગ્રંથિથી બાંધી દેવો ઉચિત છે એટલે રામબાઈ સાથે એમનું લગ્ન કરાવી સંસારમાં નાખ્યો. સુખ્યાત ભક્ત જલારામબાપા એમના વેવાઈ થાય.
ગૃહસ્થા શ્રમ ધર્મ નિભાવતાં-નિભાવતાં પોતાના વતન જોડિયામાં રહ્યે-રહ્યે ગૃહસ્થાશ્રમી છતાં સંત ધરમશી ભગતે એક બહુ મોટી પ્રતિભા પ્રસરાવી. એમની સેવાભાવનાવૃત્તિ અને ખંભાલિડાના ગુરુ મોરારસાહેબનો નિત્ય સંગ એમના વ્યક્તિત્વને ઘડનારું મોટું પરિબળ જણાય છે. ગુરુ મોરારસાહેબની સંગાથે તેઓ જામ રણમલના દ્વારા યોજાયેલ સવરામંડપની વિધિમાં પણ ઉપસ્થિત રહ્યાનાં પ્રમાણો મળે છે.
જોડિયાની નજીક ખંભાલિડાની મોરારસાહેબની જગ્યામાં વિશાળ એવો હસ્તપ્રત ભંડાર છે. એમાં મોરારસાહેબનાં પદો, પત્રો એમ ઘણું બધું ઉત્તમ રીતે સચવાયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષ્ાા – સાહિત્ય ભવનની હસ્તપ્રત ભંડારમાં ર-૩૪-૭૪ ક્રમાંકના પત્રમાં ધરમશી ભગતનાં રચાયેલ કુલ અગિયાર પદો મળે છે.
આ પદો ભાવ, ભાષ્ાા અને અભિવ્યક્તિના સ્વરૂપને સંદર્ભે સમગ્ર પરંપરા સાથે તપાસવા જેવાં છે. તેમણે બે-એક પ્રભાતિયાં પણ પ્રભાતી રાગમાં રચ્યા છે. તેઓ રાગ, તાલ-ઢાળના ઊંડા જ્ઞાતા જણાય છે. પદો બહુધા મોરારસાહેબના કીર્તનના ઢાળમાં તેમણે રચ્યાં છે. એમાંનું એક પદ હસ્તપ્રતમાંથી વાચના રૂપે જોઈએ:
હું તો નહીં માગું મારા નાથ, રંગજીને રટવા રે,
પ્રેમજી પૂરણ પરતાપ, રાખું મારા ઘટમાં રે. …ટેક
એ તો દોએ ભલા છે દેવ, દાસ તમારા રે,
હું તો કરવા માગું સેવ, કારજ થાએ અમારા રે. …હું તો…ર
મેં તો ગરીબ થઈને ગાંઠ, નક્કી નીંગઠ બાંધી રે,
હું સેવા માગું મારા નાથ, ખરી દૃષ્ટિ સાંધી રે. …હું તો…૩
હું તો બુદ્ધિહીણો છું બાપ, દાસ તમારો રે,
જુગલચરણે આવ્યો જુગદીશ, પાર ઉતારો રે. …હું તો…૪
મેં તો શ્રીપત જાણીને મારાજ, સંતુનો આંબો લીધો રે,
મુને દુરબળ જાણીને નાથ, ચરણુંમાં લીધો રે. …હું તો…પ
હવે સંતે કીધી મેર, શબદમાં વીંધાણો રે,
સરવે સંતુનો પરતાપ, સંસારસાગર તારો રે. …હું તો…૬
સરવે સંતુનો દાસ, ધરમશી તમારો રે,
રેજો પ્રેમ પુરુણ પ્રતાપ, હરદો ઉઘાડો રે. …હું તો…૭
પ્રેમલક્ષ્ાણા ભક્તિનો ભારે મોટો મહિમા કરતા આ પદમાં પ્રભુ પૂર્ણ પરમેશ્ર્વરને પોતાના ઘરમાં-શરીરમાં જ રાખવાનું આરંભે કહેવાયું છે. ઈશ્ર્વરાભિમુખપણું, એના તરફની દાસ્યભાવની અનુભૂતિને અત્રે અભિવ્યક્તિ સાંપડી છે. સાવ ગરીબી ભાવ કેળવી, એની નીંગઠ-કોઈથી ન છૂટે એવી ગાંઠ મનથી વાળીને સેવાભાવની ખરી દૃષ્ટિ દૃઢ રીતે સાંધી લીધી છે. સાવ સામાન્ય અને પોતાને બુદ્ધિ સેવક માનતા ધરમશીભગત જગદીશના બેઉ ચરણે સેવાર્થે લાગ્યા છે અને તેઓ પાર ઉતારશે એવી એમને અચલ-અટલ શ્રદ્ધા છે.
સંતોનો આશ્રય લીધો છે. એમને ઈશ્ર્વરતુલ્ય માનીને અને એના પ્રતિસાદરૂપે ધરમશી ભગતને જાણે કે ઈશ્ર્વરે પોતાના ચરણ-શરણમાં રાખ્યો છે એવી તેમને ઊંડી પ્રતીતિ છે. શબ્દુના બાણથી વીંધાયેલા ધરમશી ભગત એ સ્થિતિને સંતકૃપાનું ફળ ગણે છે. અને સંતપ્રતાપે જ સંસારસાગર તરવાની શ્રદ્ધા એ ધરાવે છે.
સંતના દાસ તરીકે પોતાની જાતને ઓળખાવે છે અને સંતપ્રતાપે જ પોતાના હૃદયનાં દ્વાર ઊઘડયાં એમ માને છે. ધરમશી ભગત સંતને – ગુરુને શ્રીપ્રીતિરૂપ ઈશ્ર્વર માનીને એમના પરત્વે પૂજયભાવ ધરાવે છે એનો અહીં નિર્દેશ થયો છે, એ અત્યંત મહત્ત્વનું છે.
માનવસેવા એ જ પ્રભુસેવાનો પ્રતિઘોષ્ા અહીં સંભળાય છે.
ગુરુને ઈશ્ર્વરતુલ્ય માનવાની ધરમશી ભગતની વૃત્તિ અને એના પ્રતાપના આશીર્વાદનું ફળ એનું જીવન છે, આવું માનતા મોરાર શિષ્ય ધરમશી ભગત અત્યંત સરળ સહજ સંત છે. એમનો ભક્તિબોધ પણ એવો જ
સરળ છે. એમની ગુરુભક્તિ-સંતપ્રીતિ અને માનવમાત્રને અન્નદાન કરવાની, ભાવના એમને મોટા ગજાના ભક્તની કક્ષ્ાાએ મૂકે છે. સૌરાષ્ટ્રમાં જે
સેવાભાવી સંતોની એક બહુ મોટી પરંપરા છે એનું ઉજ્જવળ ઉદાહરણ જોડિયાના ધરમશી ભગત છે. એમનું જીવન અને ક્વન સંતસાહિત્યનું તેજસ્વી પ્રકરણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular