ભાગવતની વાત સાચી, પણ અમલ કોણ કરે?

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વસતિવધારાને રોકવાની તરફેણ કરીને મુસ્લિમોની વધતી વસતિના કારણે અસંતુલન સર્જાશે એવો મમરો મૂક્યો તેના પગલે વસતિવધારાની ચર્ચા પાછી શરૂ થઈ છે. ભાજપનો મુસ્લિમ ચહેરો મનાતા મુખ્તાર અબ્બાસ નકવી મુસ્લિમોનું ઉપરાણું લઈને કૂદી પડ્યા.
નકવીએ યોગીથી અલગ સૂર કાઢીને જાહેર કર્યું કે, વસતિવધારા માટે કોઈ એક ધર્મનાં લોકોને દોષ ન દઈ શકાય ને આ રાષ્ટ્રીય સમસ્યા છે. સામે હિંદુવાદીઓએ એ જ જૂની રેકર્ડ વગાડવા માંડી છે કે મુસ્લિમો વધારે છોકરા પેદા કર્યા કરે છે તેથી ધીરે ધીરે દેશમાં મુસ્લિમોની બહુમતી થઈ જશે. આ સ્થિતિને રોકવા માટે હિંદુઓએ વધારે છોકરા પેદા કરવા જરૂરી છે.
આ ચર્ચા વચ્ચે હિંદુવાદી સંગઠનોમાં શિરમોર ગણાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત પણ મેદાનમાં આવ્યા છે. ભાગવતે હિંદુવાદીઓના બકવાસથી વિપરીત શાણપણભર્યો સૂર કાઢ્યો છે. ભાગવતે વધતી વસતિના સંદર્ભમાં જંગલનો નિયમ ટાંકીને કહ્યું કે, જંગલનો નિયમ છે કે જે શક્તિશાળી હશે એ જ જીવશે, ટકશે, જેની સંખ્યા વધારે હશે એ નહીં. ભાગવતે એમ પણ કહ્યું કે, જીવતા રહેવું એ જ જીવનનું લક્ષ્ય ન હોવું જોઈએ કેમ કે જીવે તો પશુઓ પણ છે. માત્ર ખાવાનું અને વસ્તી વધારવાનું કામ તો પ્રાણીઓ પણ કરે છે પણ મનુષ્ય હોવાની સૌથી મોટી નિશાની એ છે કે તે બીજાનું રક્ષણ કરે.
ભાગવતની વાત કહેવાતા હિંદુવાદીઓથી સાવ અલગ છે પણ સાવ સાચી છે. કહેવાતા હિંદુવાદીઓ ઘેટાનાં ટોળાં ઊભાં કરવાની વાતો કરે છે, જ્યારે ભાગવત સિંહો પેદા કરવાની વાત કરે છે, આ સિંહોમાં એકતા હોવાની વાત કરે છે. ઘેટાંનું ટોળું ગમે તેટલું મોટું હોય પણ સિંહ સામે ન ટકી શકે ને સિંહોમાં એકતા હોય, એકબીજાનું રક્ષણ કરવાની તૈયારી હોય તો કોઈ તેમની સામે ટકી ન શકે, કોઈ તેમને હરાવી ના શકે એ ભાગવતની વાતનો સાર છે.
ભાગવતે હિંદુઓનો કે બીજા કોઈ ધર્મનાં લોકોનો ઉલ્લેખ કર્યો નથી પણ એ વાત પર પણ ભાર મૂક્યો છે કે, આપણે એકબીજાનું રક્ષણ કરી શકીએ એટલા શક્તિશાળી બનવાની જરૂર છે કેમ કે અસ્તિત્વ ટકાવવા માટે તાકાત જરૂરી છે.
ભાગવત જુદા જુદા સંદર્ભમાં આ વાત પહેલાં પણ કહી ચૂક્યા છે, તેથી તેમની વાતમાં નવું કશું નથી પણ અત્યારે હિંદુઓ વધારે છોકરા જણે એ વાજું વગાડાઈ રહ્યું છે ત્યારે આ વાત મહત્ત્વની છે. તેના કારણે બે સ્પષ્ટ મેસેજ ગયા છે. પહેલો મેસેજ એ કે કહેવાતા હિંદુવાદીઓ વધારે છોકરા પેદા કરવાની વાતો કરે છે તેમાં આવી જવાની જરૂર નથી, તેનાથી ભ્રમિત થવાની જરૂર નથી. બીજો મેસેજ એ કે આપણે વસતિમાં વધારો કરવાના બદલે તાકાતમાં વધારો કરવા પર ભાર મૂકવાની જરૂર છે, એકતા વધારવાની જરૂર છે.
ભાગવતે પહેલાં પણ હિંદુ સમાજમાં વધેલી વાડાબંધી અંગે ચિંતા વ્યક્ત કરેલી. ભાગવતે બે વર્ષ પહેલાં દશેરાના સંબોધનમાં હિંદુ ધર્મમાં પ્રબળ બનતી જતી જ્ઞાતિપ્રથા અને વસતિવધારાને રોકવા માટે જરૂરી નીતિની ભારપૂર્વક તરફેણ કરી હતી. ભાગવતે કહેલું કે, આજે પણ દેશમાં સામાજિક ચેતના જ્ઞાતિવાદની લાગણીથી ગ્રસિત થયેલી છે, દૂષિત થયેલી છે. ભારતમાં જ્ઞાતિવાદ જ સર્વસ્વ છે ને લોકો જ્ઞાતિવાદને આધારે જ બધું નક્કી કરે છે.
ભાગવતે વસતિવધારા મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરીને કહેલું કે, ભારતમાં વસતિનું અસંતુલન સમસ્યા બની ગયું છે એ જોતાં વસતિવધારાની નીતિ અંગે ફરી વિચારણા કરીને હવે પછીની નીતિ ૫૦ વર્ષ માટે બનાવવી જોઈએ. ભાગવતે આ નીતિનો અમલ સમાનતાના આધાર પર કરવાની તરફેણ
કરી. કોઈ ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય વગેરેથી પર રહીને
સમાનતાના આધારે તમામ માટે વસતિ નિયંત્રણના નિયમો લાગુ કરવા જોઈએ એ વાત પર તેમણે ભાર મૂકેલો. યોગી અત્યારે જે વાત કરે છે એ વાત ભાગવતે બે વર્ષ પહેલાં કરેલી.
ભાગવતની વાત સાથે સહમત નહીં થવા માટે કોઈ કારણ નથી પણ કમનસીબી એ છે કે, ભાગવત જેવા હિંદુવાદીઓના ચાવવાના અને બતાવવાના જુદા જુદા છે. ભાગવત સંઘ જેવા મોટા સંગઠનના વડા છે ત્યારે ખરેખર તો તેમણે કોઈ પણ સલાહ આપવાના બદલે પોતાના સંગઠનને હિંદુ સમાજ માટે કલંકરૂપ જ્ઞાતિપ્રથા નાબૂદ કરવાના કામે લગાડવો જોઈએ પણ એવું કશું કરવાના બદલે એ ખાલી વાતોનાં વડાં કરે છે. બલકે જ્ઞાતિવાદને પ્રબળ બનાવવામાં સંઘ જેવાં હિંદુવાદી સંગઠનોનું મોટું યોગદાન છે.
જ્ઞાતિવાદ પ્રબળ બન્યો તેમાં રાજકીય પક્ષોની વરવી ભૂમિકા છે ને ભાજપ પણ તેમાંથી બાકાત નથી. આપણે પહેલાં ધર્મના નામે વહેંચાયેલા હતા. હિંદુ વર્સીસ મુસ્લિમ, મુસ્લિમ વર્સીસ ખ્રિસ્તી, હિંદુ વર્સીસ ખ્રિસ્તી વગેરે સમીકરણો હતાં. કૉંગ્રેસે દલિતો અને આદિવાસીઓને હિંદુઓથી અલગ કર્યા ને ભાજપે હિંદુઓનું નાની નાની જ્ઞાતિઓના આધારે વિભાજન કરી નાખ્યું. ચૂંટણી જીતવા માટે, મતો મેળવવા માટે ભાજપે સોશિયલ એન્જિનિયરિંગનું તૂત ચલાવ્યું તેમાં હિંદુ સમાજમાં ભાગલા થઈ ગયા.
ભાગવત હિંદુઓમાં એકતાની વાતો કરે છે પણ વાસ્તવમાં ભાજપને સોશિયલ એન્જિનિયરિંગના નામે જ્ઞાતિવાદી સમીકરણોને આધારે ઉમેદવારો નક્કી કરવાના રવાડે સંઘે ચડાવ્યો છે. સંઘે ભાજપમાં જ્ઞાતિવાદ પ્રભાવી બનાવ્યો ને જ્ઞાતિવાદને આધારે ટિકિટોની વહેંચણી શરૂ કરાવી. ભાજપમાં અત્યારે જ્ઞાતિવાદ જ સર્વસ્વ છે.
દેશના સર્વોચ્ચ હોદ્દા એવા રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારની પસંદગી હોય કે જિલ્લા-તાલુકા પંચાયતની બેઠક માટે ઉમેદવારની પસંદગી હોય, જ્ઞાતિનાં સમીકરણો જ ધ્યાનમાં લેવાય છે, કોઈ પણ પસંદગી જ્ઞાતિના આધારે જ કરે છે. દલિતને રાષ્ટ્રપતિ બનાવ્યા ને આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવીશું એવી વાતો કરીને ભાજપ ગર્વ લે છે પણ દલિત કે આદિવાસી તરીકેની તેમની ઓળખને બદલે એ પહેલાં હિંદુ છે એવી વાત ભાજપ કરતો નથી.
ભાગવત સહિતના હિંદુવાદીઓએ આ સ્થિતિ બદલવા કમર કસવી જોઈએ. તેના બદલે એ લોકો ખાલી સૂફિયાણી સલાહો આપે છે, હિંદુઓમાં સુધારા માટે નક્કર કશું
કરતા નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.