પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ગુરુવારે લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. ચંદીગઢના સરકારી આવાસમાં સીએમ માન અને ડોક્ટર ગુરપ્રીત કૌરના લગ્ન સંપન્ન થયા છે. લગ્નની પહેલી તસવીર સામે આવે છે, જેમાં ભગવંત માન ગોલ્ડન કલરના કુર્તા-પજામામાં નજરે ચડી રહ્યા છે, જયારે તેમની પત્ની ગુરપ્રીત કૌર લાલ કલરના દુલ્હનના જોડામાં દેખાઇ રહી છે.
મુખ્યપ્રધાન ભગવંત માનના લગ્નમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢા અને સંજય સિંહ સામેલ થયા હતા. આ લગ્નમાં નજીકના પરિવારના સભ્યો અને મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હોવાથી પાર્ટીના કોઇપણ પ્રધાન કે વરિષ્ઠ નેતાઓને બોલાવવામાં આવ્યા નહોતા.
આ લગ્ન સિખ રીતિ-રિવાજ પ્રમાણે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાઘવ ચડ્ઢાએ કહ્યું હતું કે ભગવંત માનના જીવનનો નવો અધ્યાય આજથી શરૂ થવા જઇ રહ્યો છે. હું માન સાહેબના પરિવારને શુભેચ્છા આપુ છું. અમે ખુશ છીએ કે ઘણા સમય બાદ માન સાહેબના પરિવારમાં ખુશી આવી છે. ભગવંત માન ફરી એકવાર ઘર વસાવે એવી તેમની માતાની ઇચ્છા હતી, જે આજે પૂરી થઇ છે.
