Homeમેટિનીબેટો નામ રોશન કરશે કે ડુબાડશે?

બેટો નામ રોશન કરશે કે ડુબાડશે?

આર્યન ખાનના ડેબ્યુના ન્યૂઝ આવ્યા એ જ દિવસે તેના પરના ડ્રગ્સ કેસ, જેમાં તેને ક્લિન ચીટ મળી હતી, એ ફરી વાર ખૂલી શકે એવા સમાચાર આવ્યા છે. કિંગ ખાનનો આ પુત્ર પાપાનું નામ રોશન કરશે કે ડુબાડશે એ જોવું રહ્યું

પ્રાસંગિક -ગીતા માણેક

જી હા, અમે બડે એક્ટર બાપના બેટા આર્યન શાહરૂખ ખાનની જ વાત કરી રહ્યા છીએ. એક તરફ આર્યન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એવી જાહેરાત કરી છે કે ‘રેપ્ડ અપ રાઈટિંગ…કાન્ટ વેઇટ ટુ સી એક્શન’ (સ્ક્રિપ્ટ રાઈટિંગ પૂરું થયું…એક્શન કહેવા માટે ઉતાવળો થયો છું.) આ પોસ્ટની સાથે તેણે શાહરૂખ ખાનનું પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝના ક્લેપ બોર્ડનો ફોટો મૂક્યો છે. જેનો સીધો અર્થ એ થાય છે કે જે ફિલ્મની સ્ક્રીપ્ટ તેણે લખવાની પૂરી કરી છે તેના પરથી ટૂંક સમયમાં ફિલ્મ બનશે જેનો ડિરેક્ટર તે
પોતે હશે.
તેણે બે દિવસ અગાઉ ઇન્સ્ટાગ્રામ પર ફોટા સહિત આ પોસ્ટ મૂકી તેના બીજા જ દિવસે એ સમાચાર પણ આવ્યા છે કે આર્યન ખાનને જે ડ્રગ્સ કેસમાં એનસીબી એટલે કે નાર્કોટિક ક્ધટ્રોલ બ્યુરોએ ક્લિન ચીટ આપી હતી એ કેસ ફરીવાર ખોલવામાં આવે એવી સંભાવના છે.
વાત જાણે એમ છે કે ક્રૂઝ ડ્રગ કેસમાં આર્યન ખાનને ક્લિન ચીટ મળી એની સામે હિંદુ મહાસંઘે ઉચ્ચ ન્યાયાલયમાં યાચિકા દાખલ કરી છે. આ જનહિત યાચિકા દ્વારા આર્યન ખાનને આપવામાં આવેલા જામીનને પડકારવામાં આવી છે. આ યાચિકામાં તપાસ યંત્રણાના કારભાર પર પ્રશ્ર્નાર્થચિહ્ન ઉપસ્થિત કરવામાં આવ્યું છે. આ આખા પ્રકરણની નવેસરથી તપાસણી કરવામાં આવે એવી માગણી હિન્દુ મહાસંઘ દ્વારા કરવામાં આવી છે.
ગયા વર્ષની ૨ ઑક્ટોબરે મુંબઈથી ગોવા જઈ રહેલી કાર્ડેલિયા ક્રૂઝ પર એનસીબી (નાર્કોટિક ક્ધટ્રોલ બ્યુરો)એ છાપો માર્યો હતો. એ વખતે મફ્રેડોન, કોકોન, ચરસ વગેરે નશીલા પદાર્થો જપ્ત થયા હતા. એ વખતે એનસીબીએ ક્રૂઝ પર જઈ રહેલા આઠ જણાંની પૂછપરછ કરી હતી જેમાંનો એક શાહરૂખ ખાનનો બેટડો આર્યન ખાન પણ હતો. તેના સહિત બાકીના સાત જણાં પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આર્યન ખાન અને બીજા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. એરકન્ડિશન્ડ અને વૈભવી ઘરમાં રહેવા ટેવાયેલા આર્યન ખાને લગભગ ત્રણેક અઠવાડિયા જેલમાં વીતાવવા પડ્યા હતા.
જ્યારે ધરપકડ થઈ ત્યારે જ કેટલાક જાણકાર લોકોએ આગાહી કરી હતી કે શાહરૂખ ખાનના દીકરાને કાળેક્રમે જામીન મળી જશે અને જતા દિવસે તેને ક્લિન ચીટ પણ આપી દેવામાં આવશે. હકીકતમાં આવું જ થયું હતું.
પરંતુ હવે જ્યારે આર્યન ખાન બોલીવુડમાં પોતાની કારકિર્દી શરૂ કરવા જઈ રહ્યો છે અને મોટા ઉપાડે તેની જાહેરાત કરી છે એ જ દિવસે તેના માટે આ મોંકાણના સમાચાર આવ્યા છે. આ કેસ ફરી ખોલવામાં આવશે અને તેની ફરી તપાસ થશે કે નહીં એ તો ન્યાયાલય અને આવનારો સમય જ કહેશે.
જે રીતે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ લખી છે એ મુજબ જે ફિલ્મની સ્ક્રીપ્ટ લખવાની તેણે પૂરી કરી છે એનું દિગ્દર્શન પણ તે જ કરશે એવું પ્રતીત થઈ રહ્યું છે. તેની આ પોસ્ટ પર કીંગ ખાન તરીકે ઓળખાતા તેના ડેડી શાહરૂખ ખાન, માતા ગૌરી ખાન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાળાઓ ઓવારી-ઓવારી ગયા છે. શાહરૂખ ખાને કમેન્ટમાં લખ્યું છે ‘વાઉ…થિંકિંગ…બિલીવિંગ…ડ્રિમીંગ ડન, નાઉ ઓન ટુ ડેર…વિશ યુ ધ બેસ્ટ ફોર ધ ફર્સ્ટ વન. ઇટસ ઓલ્વેઝ સ્પેશ્યિલ’ (વાહ..વિચારવાનું, વિશ્ર્વાસ કરવાનું, સપનું જોવાનું પૂરું થયું. હવે એ સાહસ તરફ આગળ વધવાનું છે. પહેલા પ્રોજેક્ટ માટે શુભકામનાઓ. પહેલો પ્રોજેક્ટ હંમેશાં વિશેષ હોય છે.)
આનો પ્રત્યુત્તર આપતા આર્યન ખાને કમેન્ટ કરી હતી કે – થેંક્યુ અને તમે મારા સેટ પર સરપ્રાઇઝ વિઝિટ કરો એની રાહ જોઈ રહ્યો છું.
બડા બાપના આ બેટાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર જોકે પહેલી કમેન્ટ તેની માતા એટલે કે ગૌરી ખાનની આવી હતી કે તારો આ પ્રોજેક્ટ શરૂ થાય એની હું રાહ નથી જોઈ શકતી.
આર્યન ખાનની પોસ્ટ પર બોલીવુડના માંધાતાઓ અને જાણીતા-અજાણ્યા લોકોની લાઇક્સ અને કમેન્ટસનો ઢગલો થવા માંડ્યો હતો. કિંગ ખાનના દીકરાને અભિનંદન આપવામાં બોલીવુડના શનાયા કપૂર, કરિશ્મા શર્મા, ભાવના પાંડે, આશુતોષ ગોવારિકર જેવાઓ તરત ઠેકી પડ્યા હતા.
આ ફિલ્મ આર્યન ખાનની બાપીકી કંપની રેડ ચિલીઝ પ્રોડ્યુસ કરવાની છે એ તો તેની પોસ્ટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે પણ એમાં આર્યન ખાન પોતે જ હીરો હશે કે નહીં એ અંગે હજુ કોઈએ મગનું નામ મરી પાડ્યું નથી. બોલીવુડના કેટલાક લોકો તેની પોસ્ટ પર તો વાહ-વાહ કરી રહ્યા છે પણ પીઠ પાછળ ખાટ સવાદિયાઓ કહી રહ્યા છે કે આ તો પિતાના ઘરમાં જમવાનું અને મા જ પીરસનારી હોય એવો ઘાટ છે. પ્રોડક્શન હાઉસ પિતાનું ને રાઈટર-ડાયરેક્ટર સ્વયં દીકરો જ અને ભલું હશે તો હીરો પણ તે જ હશે!
શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન ઝોયા અખ્તરની ધ આર્ચિઝ નામની ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહી છે એવા ન્યૂઝ તો ક્યારનાય વહેતા થઈ ગયા છે. અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા અને શ્રીદેવીની દીકરી અને જાન્હવી કપૂરની બહેન ખુશી કપૂર આ ફિલ્મ દ્વારા પદાર્પણ કરી રહ્યાં છે.
બોલીવુડમાં અગાઉ એવી વાતો ચર્ચાતી હતી કે આર્યન ખાનને શાહરૂખનો મિત્ર કરણ જોહર કે આદિત્ય ચોપરા પોતાની ફિલ્મમાં લોન્ચ કરશે. જો કે કરણ જોહરની ‘જુગ જુગ જીઓ’, ‘સૂર્યવંશી’ જેવી ફિલ્મોએ બોક્સ ઑફિસ પર ધબડકો કર્યો અને આદિત્ય ચોપરાની ‘વોર’, ‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન’ જેવી ફિલ્મોએ પણ કંઈ ઉકાળ્યું નથી એવામાં ડ્રગ્સ કેસમાં જેલમાં જઈ આવેલા શાહરૂખ ખાનના નબીરાને લોન્ચ કરવાનું આર્યન ખાનના પપ્પાના ફ્રેંન્ડઝે માંડી વાળ્યું હોવાનું કહેવાય રહ્યું છે. બોલીવુડની હમણાં માઠી દશા ચાલી રહી છે અને એક પછી એક ફિલ્મો ફ્લોપ જઈ રહી છે એવા સમયમાં કદાચ કોઈ પણ પ્રોડ્યુસર-ડાયરેક્ટર આર્યન ખાનને લોન્ચ કરવા તૈયાર ન હોય એવું બની શકે. આ સંજોગોમાં શાહરૂખ ખાન તેના પનોતા પુત્રને રાઇટર-દિગ્દર્શક અને કદાચ હીરો તરીકે પણ લોન્ચ કરે એવું જણાઈ રહ્યું છે.
આર્યન ખાનના ડેબ્યુની જાહેરાતના દિવસે જ તેનો કેસ ફરી ઓપન થઈ શકે એવા તેના માટે મોંકાણના સમાચાર આવ્યા છે. શાહરૂખ ખાનનો બેટડો પાપાનું નામ રોશન કરશે કે ડૂબાડશે એ તો આવનારો સમય જ કહી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular